સુરત: (Surat) વીર નર્મદ દ.ગુ.યુનિ.એ (South Gujarat University) હવે બનારસ યુનિ.ના પગલે પગલે સુરતમાં પણ હિન્દુ વિભાગ શરુ કરવા પ્રયાસ શરુ કરી દીધા છે. યુનિ.ખાતે મળેલી સિન્ડીકેટ બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. જેમાં બનારસ યુનિ.ની જેમ સુરતની નર્મદ યુનિ.પણ હિન્દુ વિભાગ શરુ કરશે. આ વિભાગમાં હિન્દુ ધર્મને (Hinduism) લગતા વિષયો ઉપર જ્ઞાન પીરસાશે. હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા બે વર્ષનો “હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે.
- નર્મદ યુનિ. હવે બનારસ યુનિ.ની જેમ હિન્દુ વિભાગ શરૂ કરશે
- ગુજરાતમાં નર્મદ યુનિ. હિન્દુ વિભાગ શરૂ કરનારી પ્રથમ યુનિ. બનશે
- ડિપ્લોમા-સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે
આ અંગે માહિતી આપતા સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામાએ કહ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મ (Religion) ઉપર વિષયો ભણાવાશે. જેમાં અલાયદી ફેકલ્ટી સહિત સ્ટાફ અને માળખાકીય સવલતો ઉભી કરાશે. તેવી જ રીતે હિન્દુ વિષય ઉપર ડિપ્લોમા,સટિર્ફિકેટ તેમજ સ્નાતક અને અનુસ્નાતક સહિત સંશોધન લગતી કામગીરી કરાશે. હાલ યુનિ.એ આ કોર્ષ શરૂ કરવા સૈદ્ધાંતિક પરવાનગી આપી છે. આગામી દિવસોમાં આ દિશામાં વધુ પગલા ભરાશે. ઉલ્લખેનીય છે કે ગુજરાતમાં હિન્દુ વિષય ઉપર અલગ વિભાગ કરનારી સુરતની વીર નર્મદ યુનિ.પહેલી બનશે. અત્યાર લગી ગુજરાતમાં આ રીતે વિભાગ શરુ કરાયો નથી. તેમજ કોઇ વિષયો પણ સિલેબસમાં દાખલ કરાયા નહોતા.
આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે, જેને પગલે VNSGU આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પહેલી યુનિવર્સિટી હશે. અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટી નિમાશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ જણાવ્યું કે, આ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકશે. અભ્યાસ માત્ર ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરાશે, દેવી-દેવતાની પૂજા પર નહીં. કોર્સમાં મહાભારત, રામાયણ, વેદના રોજિંદા જીવન સાથેના સંબંધનો સમાવેશ કરાશે.