સુરત (Surat): જહાંગીરપુરામાં રહેતા પુત્રએ (Son) માતાના (Mother) નામે મુકેલી 2.50 લાખની એફડી (FD) પોતાના નામે કરવાનું કહ્યું હતું. માતાએ ઇનકાર કરતા પુત્ર અને પુત્રવધૂએ વૃદ્ધાને ગાળો આપી કાપી નાખીને જાનથી મારવાની ધમકી આપી હતી. કળીયુગના કપૂતની આ હરકતથી માતા હેબતાઈ ગઈ હતી. ગભરાયેલી માતાએ બાકીની જીંદગી દીકરા અને તેની પત્નીનો ત્રાસ વેઠવાના બદલે એવું કદમ ઉઠાવ્યું કે લોકો જોતા રહી ગયા.
- જહાંગીરપુરાના નક્ષત્ર નેબ્યુલામાં રહેતા 66 વર્ષીય નિલા ટેલરને તેના પુત્રએ જ ધમકી આપી
- રૂપિયા 2.50 લાખની એફડી પોતાના નામે નહીં કરે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી
- ધમકી આપનાર પુત્ર વિરુદ્ધ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
જહાંગીરપુરા ખાતે નક્ષત્ર નેબુલામાં રહેતા 66 વર્ષીય નિલાબેન પ્રવિણભાઈ ટેલર છેલ્લા એક અઠવાડિયાથી ઉધના હરિનગરમાં તેમની દિકરી અને જમાઈના ઘરે રહે છે. નિલાબેને તેમના પુત્ર પરિક્ષીત અને પુત્રવધુ નિપાબેનની સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલાબેનના પતિનું વર્ષ 2013 માં નિધન થયું હતું. વર્ષ 2019 માં નક્ષત્ર નેબુલા ખાતે પુત્રના નામે મકાન ખરીદ્યું હતું. વર્ષ 2021 માં નિલાબેને પીપલ્સ બેંકમાં તેમના નામે 2.50 લાખની એફડી કરી હતી.
આ એફડી પુત્ર પરિક્ષીત તેના નામ પર કરવા માટે કહેતો હતો. પરંતુ નિલાબેને આ માટે ઇનકાર કરતા પુત્ર અને પુત્રવધૂ તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેમને જમવાનું પણ અલગ બનાવવું પડતું હતું. વડોદરામાં નિલાબેનની પુત્રીને સુવાવડ થતા તેમને વડોદરા જવાનું હતું. ત્યારે પુત્ર પરિક્ષીતે ‘હવે પછી અહીં આવશે તો તને કાપી નાખીશ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પછી ગભરાઈને વડોદરા દિકરીને ત્યાં ગઈ હતી. ત્યાં પુત્રનો ફોન આવ્યો હતો અને ‘તું મને કહ્યા વગર ગમે તે નિર્ણય લે છે તે ચાલશે નહીં, તારી એફડી તોડાવી નાંખ અને તેના રૂપિયા મને આપવા પડશે’. મકાનના કાગળો મારા એકલાના નામે કરવા પડશે તેવું કહી ગાળો આપી હતી. જેથી નિલાબેને પુત્ર અને પુત્રવધૂની સામે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાએ જહાંગીરપુરા પોલીસમાં પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.