સુરત: (Surat) વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાવાયરસે કંઈ કેટલાય પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના ભયંકર સ્વરૂપે અનેક પરિવારોને વિખેર્યા છે. ત્યારે અડાજણ આનંદ મહલ રોડ ઉપર રહેતા આવા જ એક પરિવારમાં માતાનું મોત થયું છે, પિતા માંડ માંડ કોરોનામાંથી બહાર આવ્યા. પરંતુ પુત્રને (Son) કોરોના થઈ ગયો. જોકે, પુત્ર એટલો નસીબદાર રહ્યો કે તેને ઓક્સીજન, વેન્ટિલેટર અને ત્યારબાદ એકમો પર મુક્યા બાદ તેનું હ્રદય બંધ થઈ ગયું અને મગજ પણ કોમામાં જતું રહ્યું. 25 મિનિટ સુધી આ સ્થિતિ રહ્યાં બાદ સીપીઆર આપવાને કારણે તે ફરી કોમામાંથી બહાર આવી ગયો અને હ્રદય (Heart) ચાલતું થઈ ગયું. જેને પગલે તેને આજે શનિવારે એર એમ્બ્યુલન્સ (Air Ambulance) દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યો હતો.
અડાજણ આનંદ મહલ રોડ પર આવેલા શિવમનગરમાં રહેતાં અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કડીવાલા પરિવારના ત્રણ સભ્ય કોરોના સંક્રમિત થયા હતા. જેમાં માતાને ખાનગી હોસ્પિટલમાં બેડ નહીં મળતાં નવી સિવિલ હોસ્પિ.માં દાખલ કરાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. પિતા મહેન્દ્રભાઈને પણ કોરોના થયો અને તેઓ પણ 50 ટકા ઈન્ફેકશન સાથે મહાવીર હોસ્પિ.માં દાખલ થયાં. 15 લીટર ઓક્સીજન લઈને પણ મહેન્દ્રભાઈ પોતે સાજા થઈ ગયાં પરંતુ તેમણે પત્ની ગુમાવી હતી. અને હવે તેમના પુત્ર બંટીને પણ કોરોના થયો.
પુત્ર બંટી (ઉં.વ.37)ને ૧૩ એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ૧૦થી ૧૫ ટકા ઇન્ફેક્શન હતું. ૧૭મી એપ્રિલે ઇન્ફેક્શન વધીને ૩૦થી ૪૦ ટકા થયું એટલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 23 એપ્રિલે બંટીભાઈએ સિટી સ્કેન કરાવતાં ઇન્ફેક્શન વધીને ૫૦થી ૬૦ ટકા સુધી પહોંચ્યું હતું. જેના કારણે તાત્કાલિક તેમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને ઓક્સીજનની જરૂરિયાત ૧૫ લીટરથી વધી જતાં બાયપેપ ઉપર અને ત્યારબાદ વેન્ટિલેટર પર રખાયા હતા. વેન્ટિલેટર પર પણ તેમની સ્થિતિ વધુ ક્રિટિકલ બનતાં એક્મો(ECMO) ઉપર મુકાયા હતાં. આ દરમિયાન મગજ કોમામાં જતું રહેવાની અને હ્રદય બંધ પડી જવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, તેમ છતાં પણ તબીબોના પ્રયત્નોને કારણે તે કોમામાંથી બહાર આવી ગયો. વધુ સારવાર માટે તેને શનિવારે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની એમજીએમ હોસ્પિ.માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
મહાવીરમાં દાખલ પુત્ર માટે તાત્કાલિક દિલ્હીથી એક્મો મશીન મંગાવ્યું
સુરત શહેરમાં એક્મો મશીન ખૂબ જ ગણતરીનાં છે. ૩૫થી ૪૦ લાખની કિંમતમાં આવતાં આ મશીન દરેક હોસ્પિટલને પરવડે તેમ નથી. એકમો મશીન એટલે વેન્ટિલેટર બાદ દર્દીને બચાવવા માટેનો આ અંતિમ પ્રયાસ હોય છે. બંટીભાઈને બચાવવા માટે આ એક્મો મશીન સુરતમાં ખૂટી પડતાં તેના પરિવારે દિલ્હીથી એર એમ્બ્યુલન્સ દ્વારા મંગાવ્યું હતું.
આવા કેસમાં મગજ કોમામાંથી બહાર આવવું અને બંધ હૃદય ફરી ધબકતું થયું એ ચમત્કારથી કમ નથી: ડો. આલોક શાહ
મહાવીર હોસ્પિટલના આઇસીયુ હેડ અને કોવિડ ઇનચાર્જ ડો.આલોક શાહે જણાવ્યું હતું કે, આ દર્દીને એર એમ્બ્યુલન્સથી ચેન્નાઈ લઈ જવાનું નક્કી કર્યુ પરંતુ દિલ્હીથી ટેકનિકલ કારણોસર નહીં આવતાં એક્મો એટેચ કર્યાના થોડા સમય પછી કોમામાં જતો રહ્યો હતો. અને તેના ધબકારા પણ બંધ થઈ ગયા હતાં. અ્ને મગજ કોમામાં સરી પડ્યું. જેથી દર્દીને તાત્કાલિક કાર્ડિયાક મસાજ અને સીપીઆર આપતાં 25 મિનિટ બાદ બંધ હૃદય ફરી ધબકતું થયું હતું અને મગજ પણ કોમામાંથી બહાર આવી ગયું. એટલે તેમને ફરી એકમો પર લઈ લેવામાં આવ્યાં. આ પ્રકારના ગંભીર કેસમાં હૃદય ફરી ધબકતું થવું એ કોઈ ચમત્કારથી કમ નથી.
એક્મો મશીન કૃત્રિમ ફેંફસાનું કામ કરે છે
જેમ ફેંફસા બ્લડ મારફતે ઓક્સીજન આપવાનું કામ કરે તેમ આ મશીન ફેંફસાનું કામ કરે છે. મશીનમાંથી બ્લડ પાસ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લઈ તેમાં ઓક્સીજનવાળું લોહી શરીરમાં પરિવહનમાં નાંખે છે. જેને કારણે દર્દીના બચવાના ચાન્સીસ ૫૦ ટકા વધી જાય છે.