સુરતઃ શહેર પોલીસ દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાંક લોકોને જાણે નિયમો તોડવામાં જ મજા આવતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ઈન્ફ્લુએન્સર અવનવાં ગતકડાં કરતા રહેતા હોય છે. આવું જ કંઈક સુરતની એક ઈન્ફ્લુએન્સર યુવતીએ કર્યું છે.
- સોશિયલ ઈન્ફ્લુએન્સર યુવતીએ જાહેરમાં બર્થ ડે મનાવ્યો
- સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ
- ઝીનલ દેસાઈએ જાહેરમાં બર્થ ડે ઉજવી પોલીસને ફેંક્યો પડકાર
- ફોર વ્હિલરના બોનેટ પર બેસી કેક કાપી, ફટાકડા ફોડ્યા
યુવતીએ પોતાના 30 માં જન્મ દિવસની ઉજવણી જાહેરમાં કરી સુરત શહેર પોલીસને સીધો જ પડકાર ફેંક્યો છે. સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતી યુવતીએ પોતાના 30માં જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી. યુવતીએ થારના બોનેટ પર બેસી કેક કટ કરી હતી, જ્યારે તેના સાથીદારોએ જાહેર રસ્તા પર આતશબાજી કરી હતી. બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ યુવતીએ જાહેરનામાનો ભંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને પડકાર ફેંક્યો છે.
આ યુવતીનું નામ ઝીનલ દેસાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગણાવતી ઝીનલ દેસાઈએ પોતાના 30માં બર્થ ડેની ઉજવણી કરી હતી. કારના બોનેટ પર બેસીને કેક કાપી હતી. સાથે જ જાહેરમાં દિવાળીની આતશબાજી સમા ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. જાહેરમાં ફટાકડા ફોડવાની સાથે જનતાને ખલેલ પહોંચાડનારી આ યુવતી સામે કાયદાકીય કાર્યવાકી કરવાની લોકો માગ કરી રહ્યાં છે.
ડર્ટી થર્ટીના નામે ઉજવણી કરી
ડર્ટી થર્ટીના નામે વીડિયો પોસ્ટ કરનારી ઝીનલ દેસાઈએ અડધી રાત્રે જાહેરમાં બર્થ ડેની ઉજવણી મિત્રો સાથે કરીને તોફાન મચાવ્યું હોય તે રીતનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અગાઉ આ પ્રકારની જાહેરમાં ઉજવણી કરનાર સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરીને તેમને કાયદાના પાઠ ભણાવતા જેલ ભેગા કરાયા હતાં. ત્યારે જાહેરમાં છાકટાં થઈને ઉજવણી કરનારી આ યુવતી અને તેના મળતિયાં સામે પોલીસ પગલાં ભરશે કે કેમ તેવા ઉઠ્યા સવાલ સોશિયલ મીડિયામાં ઉઠ્યાં છે.