Dakshin Gujarat

શરીરે દારૂની બાટલીઓ બાંધી રીક્ષામાં જતા સુરતના બે ખેપિયા વાપીના નામધાથી ઝડપાયા

વાપી: વાપી નામધાથી એલસીબી ટીમે રીક્ષામાંથી દારૂના જથ્થા સાથે સુરતના બે ઈસમોને ઝડપી પાડયા હતાં. જેમાં બંને ઈસમોએ શરીરે દારૂની બાટલીઓ બાંધી હતી અને બીજો જથ્થો થેલાઓમાં ભરેલો હતો. પોલીસે રીક્ષાચાલક સહિત બંને ઈસમોને ઝડપી પાડી બે ઈસમોને વોન્ટેડ બતાવી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં ઝડપાયેલ એક ઈસમ સામે અગાઉ પણ પ્રોહિ.ના 8 થી વધુ ગુનાઓ અલગ-અલગ પોલીસ ચોપડે નોંધાયેલા છે.

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પીઆઈ એ.યુ.રોઝના માર્ગદર્શન મુજબ એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે વાપી નજીકના નામધા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વર્ણવેલ રીક્ષા આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી.

રીક્ષામાં 2 ઈસમો બેઠા હતા અને પોલીસે રીક્ષાચાલક સહિત બંને ઈસમોને સરસામાન અંગે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે રીક્ષામાં તપાસ કરતા ચાર થેલાઓમાં ભરેલો તથા બંને ઈસમોના શરીર પર બાંધેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેઓના નામઠામ પૂછતા રીક્ષાચાલકે (1) રોશનકુમાર બિરબલસીંગ (ઉં.19, રહે. દમણ, મૂળ બિહાર) શરીરે દારૂનો જથ્થો બાંધનારા (2) બુલ્લુ વિષ્ણુભાઈ પટેલ (ઉં.20) અને (3) આસીફ ઈકબાલ પઠાણ (ઉં.42, બંને રહે. ભીંડી બજાર, સુરત) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે દારૂના જથ્થાની કિંમત 49,200/- તથા રીક્ષાની કિંમત 50 હજાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,04,200/-નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમોની અટક કરી હતી અને વધુ તપાસ કરતા આ દારૂનો જથ્થો દમણ કચીગામથી વાઈનશોપમાંથી ઈસમે ભરાવેલ અને આ જથ્થો સુરતના અલપેશ પાલજી બારૈયાએ મંગાવેલ હોય બંને ઈસમોને વોન્ટેડ બતાવી વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, દારૂના જથ્થા સાથે પકડાયેલ બુલ્લુ પટેલ સામે વલસાડ રેલવે, વાપી રેલવે, સુરત રેલવે સહિત સલાબતપુરા અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 8 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top