સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) કેમ્પસમાં બનાવાયેલા તંબુમાં શુક્રવારે મોડીરાત્રે દર્દીના સગાને પરેશાન કરી કિન્નર સહિતની ટોળકીના છ જણાએ તોફાન (Riot) મચાવ્યું હતું. આ માથાભારે શખ્સોએ દર્દીના સગાઓ તથા પોલીસ (Police) જવાનો સાથે મારામારી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સ્મિમેર હોસ્પિટલ કેમ્પસમાં અસામાજીક તત્વોનો ત્રાસ શરૂ થયો છે. સ્મીમેર હોસ્પિટલના સિકયુરીટી વિભાગ દ્વારા પણ તેની સામે કોઇ પગલા ભરવામાં આવતા નથી. શુક્રવારે મોડીરાત્રે સાડા અગિયાર વાગ્યાના મુદ્દે કેમ્પસમાં બનાવાયેલા તંબુમાં દર્દીના પરિવારજનો બેઠા હતા. ત્યારે જ કિન્નર સહિતના માથાભારે છ જણાએ આવી પરિવારજનોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે દર્દીના સગા સાગર જામાભાઇ રબારી સાથે માથાભારે શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. જેથી તેઓએ પોલીસ ચોકીમાં બેઠેલા પોલીસ જવાનોને ફરિયાદ કરી હતી. જેથી પોલીસ જવાન પણ ત્યાં જઇ માથાભારે શખ્સોને સમજાવવા લાગી ગયા હતા. પરંતુ માથાભારે શખ્સોએ પોલીસ સાથે પણ મારામારી કરી હતી.
આ વાતની જાણ વરાછા પોલીસને કરાતા પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસના હાથમાં માથાભારે ટોળકીના સુનીલ રામગ્યાન જયસ્વાલ, અંજુ હિરેશભાઇ જાદવ અને મંગલા છગનભાઇ સિરસાઠને પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસને જોઇ લાલો, વિશાલ અને કિન્નર સોનુ ભાગી છુટ્યા હતા. વરાછા પોલીસે આ ટોળકી સામે શનિવારે રાયોટીંગની ફરિયાદ દાખલ બાકી ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
સિવિલ સ્મીમેરમાં પ્રથમ દિવસે જ રસી ન પહોંચી
સુરત: શહેર થતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નવી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજથી 18થી વધુ ઉમરના લોકોને રસી આપવાના પ્રથમ દિવસે જ રસી પહોંચાડવામાં આવી ન હતી. જેના કારણે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવેલા શહેરીજનો નિરાશ થઇ પોતાના ઘરે પરત ફર્યા હતાં.
નવી સિવિલ હોસ્પિટલમાં શહેર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી કે, 1 મેથી શહેરમાં 18થી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શનિવારે પ્રથમ દિવસે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે રસીકરણનો જથ્થો નહીં આવતા સ્ટાફના માણસોએ આજે રસી મુકવાની પ્રક્રિયા બંધ છે તેવા બોર્ડ મુકી દીધા હતા. સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં રસી મુકાવવા આવેલા લોકો નિરાશ થઇ ઘરે પાછા ફર્યા હતા. લોકો ખુબ જ હસતા મોઢે રસી મુકાવવા આવ્યા હતા પરંતુ રસી નહીં હોવાથી નિરાશ થઇ ગયા હતા.