સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણી (Surat Municipal Corporation Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોની ઉત્કંઠા વધી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણી અને તેના રહી ચૂકેલા મેયરના (Mayor) ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. 2000ના વર્ષની ચૂંટણીમાં તો 33ને બદલે 34 મહિલાઓ વિજેતા થઇ હતી અને બોર્ડમાં 65 પુરૂષ કોર્પોરેટરોને સ્થાન મળ્યું હતું. 2000ની ચૂંટણી શરૂઆતથી જ રસપ્રદ હતી. દર વખતે ભાજપનો જ દબદબો રહેતો હતો પરંતુ આ એવું વર્ષ હતું જેમાં કોંગ્રેસ મેદાન મારે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આ ચૂંટણીમાં જો કોંગ્રેસના 29 ઉમેદવારોના ફોર્મ રદ નહીં થયા હોત તો ચોક્કસ મેયર કોંગ્રેસના (Congress) જ બન્યાં હોત કારણ કે, ભાજપને 58 બેઠક જ મળી હતી તેમાં પણ 29માં તો કોંગ્રેસના ઉમેદવારો જ નહીં હતા.
કતારગામ વોર્ડમાં ભાજપમાંથી (BJP) મનસુખ ધારૂકાવાળા, હરસુખ અકબરી અને સુધાબેન દેસાઇએ ઉમેદવારી કરી હતી તો કોંગ્રેસમાંથી હરજીવન પટેલ, અશોક પીંપળે અને પ્રમોદીની શાહુએ ઉમેદવારી કરી હતી. તે સમયે હરજીવન પટેલ અને પ્રમોદીની શાહુ તો વિજેતા જાહેર થઇ જ ગયા હતા પરંતુ અશોક પીંપળેના મત વધુ હોવા છતાં સુધાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. કેમકે એક મહીલા અનામત બેઠક હતી તેમાં ભાજપના એક અને કોંગ્રેસના એક એક ઉમેદવારને વધુ મત મળતા જીતી ગયા હતા પરંતુ અશોક પીંપળેના મત આ બન્ને જીતેલા ઉમેદવારના મતો કરતા ઓછા હતા જયારે ભાજપના મહીલા ઉમેદવાર સુધા બહેન કરતા વધુ હતા. પરંતુ મહીલા અનાતમ બેઠક હોવાથી સુધાબહેનને જીતેલા જાહેર કરવા પડયા હતા.
કટોકટી વખતે મેયર સહિત 15 કોર્પોરેટર જેલમાં ગયા
1977-78માં જ્યારે કટોકટી હતી ત્યારે કેટલાક રાજકીય નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતાં. તે સમયના મેયર નવીનચંદ્ર ભરતિયા, ડેપ્યુટી મેયર કે.કે.દેસાઇ, જનતા પાર્ટીના નેતા શરદ કાંટાવાળા અને યુવા નેતા કદીર પીરઝાદાએ જેલવાસ ભોગવવો પડ્યો હતો. શહેરના આશરે 15 જેટલા નગર સેવકોને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તે પણ પાલિકાનો રસપ્રદ ઇતિહાસ છે.
સુરતને બે વખત અપક્ષ મેયર પણ મળી ચૂક્યા છે
સુરત મહાનગર પાલિકામાં અથવા તો કોંગ્રેસ અથવા તો ભાજપ એમ બે પક્ષ જ સત્તામાં રહ્યાં છે. પરંતુ પાલિકાનો ઇતિહાસ એ પણ છે કે, તેણે બે અપક્ષ મેયર આપ્યા છે. 1981માં ચીમન પટેલ અને 1983માં સ્વરૂપચંદ જરીવાલા અપક્ષ ઉમેદવાર હોવા છતાં જનતા પાર્ટી અને ભાજપના ટેકાથી મેયર બન્યા હતા. કોંગ્રેસની બોર્ડ નહીં બને તે માટે અન્ય પક્ષોએ તેમને ટેકો આપ્યો હતો.
નવનિર્માણ આંદોલન વખતે વિદ્યાર્થીઓએ બોર્ડ ચલાવી
1974માં નવનિર્માણ આંદોલન ચાલી ચાલી રહ્યું હતું અને સુરત મહાનગર પાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી હતી. તે સમયે આંદોલનના ભાગરૂપે કદીર પીરઝાદા અને અન્ય વિદ્યાર્થી નેતાઓ તેમજ વિદ્યાર્થી સંગઠનોએ કોર્પોરેશન પર કબજો કરી લીધો હતો એટલું જ નહીં તેમના દ્વારા સિમ્બોલિક બોર્ડ પણ ચલાવવામાં આવી હતી. ત્યાર પછીની ચૂંટણીમાં કેટલાંક વિદ્યાર્થી નેતાઓ ચૂંટાઇ આવ્યા હતા.
કોંગ્રેસના 29 ફોર્મ રદ થયા, ભાજપના 12 બીનહરીફ
2000ના વર્ષમાં કોંગ્રેસની બોર્ડ બને તેવા સમીકરણો રચાયા હતા પરંતુ આ પક્ષનું નસીબ એક ડગલું પાછળ ચાલી રહ્યું હોય તેમ કોંગ્રેસના 29 ઉમેદવારોના ફોર્મ રદ થઇ ગયા હતા. જેના કારણે ચાર વોર્ડ એટલે કે, ભાજપના 12 ઉમેદવારો બીનહરીફ જાહેર થયાં હતાં. બાકીની 17 બેઠકો પર અપક્ષ ઉમેદવારો હોવાથી ત્યાં ચૂંટણી થઇ હતી. તે સમયે કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને ટેકો આપ્યો હતો.