SURAT

સુરતીઓ હવે મનપાના વેરા વધારા માટે તૈયાર રહે

સુરત: સુરતીઓએ હવે સુરતમાં (Surat) રહેવા માટે વેરામાં (Tax) મોટો વધારો ચૂકવવો પડી શકે છે. સુરત મહાપાલિકામાં (SMC) છેલ્લા દોઢ દાયકાથી વેરાનો વધારો કરવામાં આવ્યો જ નથી. છાશવારે ચૂંટણીના (Election) નામે મનપા તંત્ર તેમજ શાસકો દ્વારા વેરા વધારાની દરખાસ્તોને ઉડાડી દેવામાં આવી છે પરંતુ હવે મહાપાલિકાની તિજોરીનું તળિયું દેખાવા માંડતા વેરા વધાર્યા વિના છૂટકો નથી. મ્યુનિ.કમિ. દ્વારા પણ આ અંગેના સંકેત આપી દેવામાં આવ્યા છે. સંભવત: આ વખતના બજેટમાં મનપા તંત્ર દ્વારા વેરામાં વધારો કરવામાં આવશે. આશરે 300થી 500 કરોડની વધુ આવક થાય તેવી રીતે વેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

મનપા તંત્ર દ્વારા એવું આયોજન કરવામાં આવી રહ્યું છે કે રહેણાંકને ઓછો માર પડે અને કોમર્શિયલ તેમજ ઈન્ડસ્ટ્રિયલમાં વેરા વધારો મોટો રહે. સુરતમાં અગાઉ 2020માં મહાપાલિકાની ચૂંટણી આવી હતી. તે વર્ષે ચૂંટણી હોવાથી વેરામાં વધારો કરવામાં આવ્યો નહોતો. બાદમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી હોવાથી ત્યારે પણ વેરામાં કોઈ વધારો કરાયો નહીં પરંતુ હવે ચૂંટણી છેક 2024માં છે અને તે સમયે પણ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને બદલે નરેન્દ્ર મોદીના નામ પર જ લડાવવાની છે ત્યારે લાગ જોઈને મહાપાલિકા દ્વારા વેરા વધારા માટે આયોજનો કરવામાં આવી રહ્યું છે. મહાપાલિકાના વિકાસના મોટાભાગના કામો ગ્રાંટના આધારે કરવા પડી રહ્યા છે. આ સંજોગોમાં મહેકમના મોટા ખર્ચને પહોંચી વળવા માટે વેરામાં વધારો કર્યા વિના છૂટકો જ નથી.

મનપાની વેરા વસુલાત 1000 કરોડને પાર થઇ : ઇસ્કોન મોલમાં એમજીઓ રેસ્ટોરન્ટને વેરા મુદ્દે સીલ કરાયું
સુરત મહાનગરપાલિકાની આર્થિક કરોડરજજુ સમાન સીધાવેરાની વસુલાતની ઝુંબેશ નાણાકીય વર્ષના છેલ્લા કવાટરને ધ્યાને રાખી વધુ સઘન બનાવાઇ છે. આ વરસે સુરત મનપાનું વેરા માંગણુ 1750 કરોડની આસપાસ પહોંચનાર છે. ત્યારે વધુમા વધુ રીકવરી કરવાના લક્ષ્યાંકને સર કરવા તમામ ઝોન વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય હાલમા મનપાના તંત્ર દ્વારા વેરા વસુલાતનો આંકડો 1000 કરોડને પાર કરી ગયો છે.

દરમિયાન અઠવા ઝોનમાં વર્ષ 2022-23 બાકી મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવી હતી.અઠવા ઝોનના આકારણી વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં મિલકતો સીલ કરીને વેરા વસુલાત કરાઈ હતી. અઠવા ઝોન દ્વારા ભટાર વિસ્તારમાં કુલ 2 મિલકતોના બાકી વેરાની રકમ રૂા. 2.60 લાખની વસુલાત કરવામાં આવી હતી. તેમજ પીપલોદ વિસ્તારમાં ઈસ્કોન મોલમાં આવેલા એમ.જી.ઓ. રેસ્ટોરન્ટની કુલ રૂપિયા 7,78,372 વેરો બાકી હોવાથી સીલ કરવામાં આવી હતી. વધુમાં આજરોજ વેરા વસુલાતની ઘનિષ્ઠ કામગીરી હાથ ધરતા રૂપિયા 13,83,000 ની વસુલાત કરવામાં આવી હતી. તેમજ મિલ્કતોનો મિલ્કત વેરો ભરપાઇ કરવામાં આવ્યો નથી. તેઓની વિરૂધ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top