SURAT

CCTV: સુરત મનપાના કર્મચારીના સ્વાંગમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ

સુરત(Surat) : સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) કર્મચારીના સ્વાંગમાં લૂંટારા એક બંગલોમાં ઘૂસી ગયા હતા અને મહિલાને બેભાન કરી લૂંટવાનો (Robbery) નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સીસીટીવી (CCTV) ફૂટેજની મદદથી પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

ખેડૂત તેજસ પટેલ સુરતના અડાજણની સી.કે.વિલા સોસાયટીમાં રહે છે. બુધવારે બપોરે અહીં 3 લોકો આવ્યા હતા. તેઓએ પોતાની ઓળખ સુરત મનપાના કર્મચારી તરીકે આપી હતી. પાલિકાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું. ત્યાર બાદ ત્રણેય ટેરેસ પર ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન તેજસ પટેલ ઘરેથી કોઈ કામ અર્થે બહાર નીકળી ગયા હતા. ઘરે મહિલા એકલી જ હતી ત્યારે ફરી ત્રણેય ઈસમો આવ્યા હતા અને મહિલાને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મહિલાએ કહ્યું કે, બીજીવાર ત્રણેય જણા આવ્યા ત્યારે ગાર્ડનમાં ચેકિંગ કરવાની વાત કરી હતી. પાલિકાના કર્મચારી તરીકે ઓળખ આપી હોવાથી તેમને જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઉભો રહ્યો હતો. દરમિયાન ત્રણ પૈકી એક શખ્સે તેના સાગરિત સાથે મળી મહિલાનું ગળું દબાવી ઘેની પદાર્થ સુંઘડાવી બેહોશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ત્યારે ચાલાકી વાપરી પોતે બેભાન થઈ ગયો હોવાનો ડોળ કર્યો હતો અને શાંતિથી પડી રહી હતી, જેથી લૂંટારા ગેટ તરફ ગયા હતા ત્યારે મહિલા ઉભી થઈ ગઈ હતી અને બહાર દોડી બૂમાબૂમ કરી મૂકી હતી. તેથી આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારા ગભરાઈને ભાગી ગયા હતા. આ આખીય ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે અડાજણ પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે.

સુરક્ષિત ગણાતા સુરત શહેરમાં દિનદહાડે ચોરી લૂંટફાટની ઘટના વધતા લોકો ગભરાયેલા છે. સી.કે. વિલા સોસાયટીના રહીશોએ સિક્યોરિટી વધારવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ અડાજણ જેવા વિસ્તારમાં દિનદહાડે પાલિકાના કર્મચારીના સ્વાંગમાં લૂંટારા ઘરમાં ઘૂસી આવતા હોય ત્યારે લોકોએ પણ સતર્ક રહેવાની જરૂરછે.

Most Popular

To Top