SURAT

SMC એક જ વિસ્તારમાં એકમાં બંધ અને બીજામાં ચાલુની વ્હાલાદવલાની નીતિ અપનાવતા વેપારીઓમાં ભારે રોષ

સુરત: (Surat) સુરતમાં કોરોનાના કેસ બેકાબૂ રીતે વધી રહ્યાં છે. છતાં પણ એક તરફ સરકાર વિપરીત આર્થિક-સઆમાજિક અસરોના ભયે લોકડાઉન જાહેર કરવા માંગતી નથી ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા જ સ્વૈચ્છીક લોકડાઉનના (Voluntary lockdown) છેતરમણા નામે બળજબરી કરવામાં આવી રહી છે. આખા શહેરમાં સ્વૈચ્છિક અને જનતા લોકડાઉનના નામે લોકોના માઈન્ડવોશ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. શહેરમાં અનેક વિસ્તારોમાં આવા બેનરો લગાડવામાં આવી રહ્યાં હોવા પાછળ ખુદ મહાપાલિકાનું તંત્ર જ કાર્યરત હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે. વેપારીઓની અને સામાન્ય પ્રજાની લાગણી છે કે શહેર હિતમાં બે- ચાર દિવસનું સત્તાવાર લોકડાઉન જાહેર કરવામાં આવે તો તેમણે કોઈ વિરોધ નથી અને સૌ સમર્થન પણ કરશે. પણ આવી બિનસત્તાવાર રીતે કે સ્વૈચ્છિકને નામે ધંધા- રોજગાર પર ખોટી અડચણો ઊભી કરવામાં આવે તે ન સાંખી લેવાય. વળી તેમાં કેટલાંકને બંધ કરાવાય તો કેટલાંકને ચાલુ રાખવા દેવાય છે જેથી તંત્ર વ્હાલાદવલાની નીતી અપનાવતું હોય તેમ લાગે છે.

પાછલા બારણાની આ હરકતથી એમ લાગી રહ્યું છે કે આ મહામારીમાં નૈતિક હિંમત દાખવી કેટલાક કઠોર પણ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે તંત્ર જાણે પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે॰ તંત્ર નિર્ણયશક્તિના અભાવે પ્રજાને ખભે બંદૂક ફોડવા પ્રયાસ કરી રહી હોય તેમ છતું થઈ રહ્યું છે. ગત વખતના મહિનાઓ સુધીના લોકડાઉન સમયે લેવાયેલા કેટલાંક આડેધાડ નિર્ણયોને લીધે સર્જાયેલી અરાજકતા, અર્થતંત્ર પર પડેલી વિપરીત અસર અને લોકોએ વેઠેલી હાલાકીથી ડરેલાં સરકારી તંત્રની હવે કપરાં છતાં સાચા નિર્ણય લેતાં ગભરાઈ રહી છે. વળી ત્યાં સુધી કે ગુજરાત હાઇ કોર્ટે પણ સ્થિતિ જોતાં ત્રણથી ચાર દિવસના લોકડાઉનની ભલામણ કરી છતાં સરકારની આંખ ઉઘડતી નથી. આ સંજોગોમાં સરકાર પણ જાણે છે કે આંશિક લોકડાઉન કે વીકએન્ડ લોકડાઉન સિવાય સ્થિતિને કાબુમાં લેવાના ખાસ કોઈ વિકલ્પ નથી. પણ તેની આડઅસરોની બીકે સત્તાવાર રીતે લોકડાઉન જાહેર ન કરી શકેલું તંત્ર હવે સ્વૈચ્છીક ‘જનતા લોકડાઉન’ના છેતરામણા નામે સુરત મનપા પાસે વેપારીઓને બળજબરીથી બંધ કરાવતાં નવો જ વિવાદ ઉભો કરી રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો સુરતના કોઈપણ વિસ્તારમાં મનપાની મિલકત પર એક સામાન્ય બેનર લાગે તો પણ મનપાનું તંત્ર તેને તાત્કાલિક ઉતરાવી દે છે પરંતુ જે રીતે આખા શહેરમાં મનપાના બગીચાઓની દીવાલો પર કે રસ્તા વચ્ચેના સર્કલઓની જાળીઓ પર બેનરો લાગી રહ્યાં છે તે બતાવી રહ્યું છે કે ખુદ સરકારી તંત્ર જ આ રીતે જનતા લોકડાઉનને નામે લોકડાઉન કરાવી રહ્યું છે. એક તરફ તંત્ર લોકડાઉનની જાહેરાત કરીને સત્તાવારી રીતે બંધ કરાવતું નથી. પોતાની પર દોષનો ટોપલો નહીં આવે તે માટે સરકારી તંત્ર પલાયનવાદ અપનાવી રહ્યું છે અને બીજી તરફ બળજબરીથી દુકાનો તેમજ ધંધા બંધ કરાવી રહ્યું છે. તેમાં પણ વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. જેને કારણે લોકોમાં ભારે રોષની લાગણી ઉભી થવા પામી છે. જનતા કરફ્યુના નામે ખુદ મહાપાલિકા જ આ બેનરો લગાડી રહી હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી રહી છે. આ બેનરો મનપાના સહકારથી જ લાગ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

”કોરોનાનની કામગીરીમાં વ્યસ્ત છીએ”, ઠેક-ઠેકાણે મનપાની મિલકતો પર લાગેલા બેનરો કમિશ્નરને દેખાયા જ નહીં
સુરતમાં લાગેલા જનતા લોકડાઉનના બેનરો અંગે પૂછતાં મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલમાં મનપાનું તંત્ર કોરોનાની કામગીરીમાં વ્યસ્ત છે. સુરતમાં જાહેર સ્થળો પર કે કયા સ્થળોએ આવા પોસ્ટર લાગ્યા છે. તેવું તેમની જાણમાં નથી.

Most Popular

To Top