સુરત: સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. સુરતમાં હાલમાં 145 બ્રિજ કાર્યરત છે તેમજ આવનારા દિવસોમાં વધુ નવા બ્રિજ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંક્શન તથા ગજેરા જંક્શન પર બીઆરટીએસ રૂટ પાસે જ ફ્લાયઓવર બ્રિજ બનાવવાના અંદાજ જાહેર બાંધકામ સમિતિમાં મૂકવામાં આવ્યા છે.
- વિસ્તારમાં વસતી વધવાની સાથે અમરોલી જવા માટે આ સ્થળ પર ફ્લાય ઓવર બ્રિજ જરૂરી
- મનપાની જાહેર બાંધકામ સમિતીમાં મંજૂરી માટે અંદાજ રજૂ કરવામાં આવ્યા
અમરોલી, છાપરાભાઠા, કોસાડ, ઉત્રાણ, વરિયાવ વગેરે વિસ્તારોનો સુરત શહેરની હદમાં સમાવેશ થતાં આ વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ગોથાણ ગામ નજીક આવેલા અમદાવાદ–મુંબઈ રેલવે લાઈન પર રેલવે ઓવરબ્રિજના નિર્માણ થયા બાદ આ માર્ગ પર વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. તેમજ આ વિસ્તારમાં વસતીનો પણ ખૂબ વધારો થયો છે. જેથી હવે રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની નજીક પણ ટ્રાફિકની સમસ્યા વધી છે અને અહીં સ્થાનિકો દ્વારા બ્રિજ બનાવવાની ઘણા સમયથી માંગ કરવામાં આવી હતી. જેના પગલે રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની નજીક ગજેરા સર્કલ જંક્શન હોવાથી કન્સલ્ટન્ટ તરફથી રત્નમાલા એપાર્ટમેન્ટ પાસેના જંક્શનની સાથે સાથે ગજેરા સર્કલ જંક્શનનો પણ સમાવેશ કરી સંયુક્ત ફ્લાય ઓવરબ્રિજનું સૂચન કરાયું છે. જેથી આ જંક્શન પર અમરોલી તરફથી ગજેરા સર્કલ તરફ જતા તેમજ આવતા રૂટ પર બી.આર.ટી.એસ. રૂટને અનુરૂપ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટેના અંદાજ મુકાયા છે. જે માટે અંદાજિત ખર્ચ રૂ.72.53 કરોડનો થશે.
કચરો નહીં નાખવાના બોર્ડ લાગ્યા ત્યાં જ કચરાના ઢગલા થઈ ગયા
સુરત : સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જે માટે સુરત મનપા દ્વારા ઘણી મહેનત પણ કરવામાં આવી રહી છે. શહેરીજનો જાહેરમાં કચરો ન ફેંકે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કરોડોના ખર્ચે ડસ્ટબિન ખરીદી શહેરમાં જાહેર રસ્તા પર મુકવામાં આવી છે. તેમ છતા શહેરીજનો જાહેર રસ્તા પર જ કચરો ફેંકી રહ્યા છે. જેના કારણે મનપા દ્વારા આવા જાહેર સ્થળો પર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે, જાહેરમાં કચરો ફેંકનારાઓને દંડ ફટકારવામાં આવશે તેમ છતાં આવા બોર્ડ પાસે જ લોકો કચરો ફેંકી રહ્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર થોડા વર્ષો પહેલાં 14માં ક્રમે ધકેલાઈ ગયું હતું. ત્યાર પછી શહેરમાંથી તમામ કન્ટેઈનરો હટાવી લેવાયા હતા અને ત્યારબાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે પહોંચ્યું હતું અને હવે પહેલા ક્રમે આવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. પરંતુ શહેરીજનો યોગ્ય સહયોગ આપી રહ્યા નથી. મનપા દ્વારા ઘણા પોઈન્ટ પર કે જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકી જાય છે ત્યાં 500 રૂપિયાનો દંડ વસુલ કરશે તેવા બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડ લગાવ્યા બાદ મનપા પણ ગંદકી કરનારાઓ સામે કોઈ પગલાં ભરતી નથી કે કોઈ દંડ વસૂલ કરતી નથી. જેથી શહેરીજનો પણ જાહેર જગ્યાએ કચરાના ઢગ કરી રહ્યાં છે.