SURAT

‘આપ’ના કોર્પોરેટરો ઘરેથી ટિફીન લાવી પાલિકામાં નીચે બેસી જમ્યા, નેતા ચાલુ સભામાં ઊંઘી ગયા, જુઓ વીડિયો

સુરત : (Surat) સુરત મહાનગર પાલિકાની (SMC) સામાન્ય સભામાં (General meeting) વિપક્ષના (Opposition) તમામ નગર સેવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. તેમના આ ડ્રેસકોડ બાબતે વિપક્ષી નેતાએ મીડિયાને જણાવ્યું હતું કે અમે શાંતિ દૂત છીએ ખોટી ધમાલ કરવામાં માનતા નથી. તેમજ રૂપિયાની લાલચમાં પક્ષ પલટો કરનાર સભ્યોનો આત્મા મરી ગયો છે તેના શોકમાં અમે શ્વેત વસ્ત્રો ધારણ કરીને આવ્યા છીએ.

નવાઈની વાત એ છે કે છેલ્લાં એક અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના સુરતના 6 કોર્પોરેટરો ભાજપમાં પક્ષ પલટો કર્યો છે, ત્યારે આજે સામાન્ય સભામાં આ મુદ્દે ધાંધલ મચશે તેમ લાગી રહ્યું હતું ત્યારે શાંતિનો સંદેશ લઈને આપના નગરસેવકો આવ્યા હતા અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે એક બાદ એક કોર્પોરેટરો પક્ષ છોડી જઈ રહી હોવાની ચિંતા કરવાના બદલે વિપક્ષ એટલે કે આપના નેતા ધર્મેશ ભંડેરી ચાલુ સભામાં ઊંઘતા નજરે પડ્યા હતા. તેમનો ફોટો ખૂબ વાયરલ થયો હતો.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બજેટની સામાન્ય સભાનો પ્રારંભ
આ અગાઉ સુરત મહાનગર પાલિકાના વિપક્ષ ના 6 નગર સેવકો દ્વારા કરાયેલા પક્ષપલટા બાદ પ્રથમ વખત મળેલી મહાનગર પાલિકાની સામાન્ય સભાની પ્રારંભ વિપક્ષના હોબાળાથી થશે તેવી દહેશત શાસકોને હતી. તેથી જ મનપાના સિક્યુરિટી ઉપરાંત પોલીસ બંદબસ્ત પણ મોટી સંખ્યામાં ગોઠવાયો હતો. જોકે આશ્ચર્યજનક રીતે વિપક્ષે કોઈ હોબાળા કે તોફાન વગર સભામાં હાજરી આપી હતી. વિપક્ષના નગરસેવકોએ શાંતિપૂર્વક રીતે ચર્ચામાં ભાગ લેતા શાસકોએ રાહત અનુભવી હતી. જોકે વિપક્ષી નગરસેવકોને દરવાજા પર ચેકીંગ કરી ને જ પ્રવેશ આપતા કચવાટ ફેલાયો હતો. તેમજ વિપક્ષિ મહિલા કોર્પોરેટર તો પોલીસને સંભળાવી દીધું હતું કે અમે કોર્પોરેટર છીએ, આતંકવાદી નહી.

પક્ષ પલટો કરનાર સભ્યોને કોર્ડન કરી બેસાડયા
આપ છોડી ને ભાજપ ની કંઠી બાંધનાર પક્ષ પલટો નગર સેવકો પર હુમલો થવાનો ભય છે. તેથી તેમને ઘરે પણ પોલીસ પ્રોટેક્શન અપાયું છે ત્યારે પક્ષ પલટો કર્યા બાદ પ્રથમ વખત યોજાયેલી સામાન્ય સભામાં પણ આ સભ્યોને ભાજપના સભ્યોની વચ્ચે કોર્ડન કરીને બેસાડાયા હતા. જેથી વિપક્ષી સભ્યો કોઈ હરકત કરે તો તેનો સામનો કરી આં સભ્યો ને બચાવી શકાય.

વિપક્ષી સભ્યો બજેટની સભામાં ટિફિન લઈને આવ્યા
સુરત મનપામાં તળજોડનું રાજકારણ ચરમસીમા પર છે. ભાજપ શાસકોએ છેલ્લા ૧૦ દિવસમાં વિપક્ષના ૬ સભ્યો ને તોડ્યા છે ત્યારે વિપક્ષે હવે શાસકોથી અંતર રાખવાની નીતિ અપનાવી હોય બજેટની સભામાં ભોજનની વ્યવસ્થા કરાઈ હોવા છતાં વિપક્ષે શાસકો એ વ્યવસ્થા કરેલું ભોજન નહી લેવા નિર્ણય લીધો છે. વિપક્ષી નેતા એ પોતાના તમામ સભ્યો ને ટિફિન લઈને આવવા સૂચના આપી હતી. જોકે અમુક વિપક્ષી સભ્યો ટિફિન નહી લાવતા તરેહ તરેહની વાતો ફેલાઈ હતી.

સામાન્ય સભામાં લતા મંગેશકર અને ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ અપાઈ
પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાની નિર્મમ હત્યાના પડઘા દેશભરમાં પડ્યા છે, ત્યારે બુધવારે મળેલી મહાનગર પાલિકાની સામાન્ય સભામાં પણ ગ્રીષ્માને અંજલિ આપી સભા પાંચ મિનિટ માટે મુલતવી રાખવાની દરખાસ્ત મેયર હેમાલી બહેન દ્વારા સભા ગૃહમાં રજૂ કરાઈ હતી. તેમજ પદ્મભૂષણ લતા મંગેશકરને અંજલિ આપતી દરખાસ્ત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ રજૂ કરી હતી.

Most Popular

To Top