સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (Municipal Corporation) ચૂંટણીમાં ભાજપની 120 બેઠક જીતવાના સપનાને ચકનાચૂર કરી મજબૂત વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવેલા આમ આદમી પાર્ટીના નગર સેવકો લોકોની વચ્ચે જઇ તેની સમસ્યાઓ દૂર કરવામાં લાગી ગયા છે. જેથી વરસોથી ઓફિસમાં બેસી પ્રજાની વચ્ચે જવાની તસ્દી લીધા વગર શાસન કરવા ટેવાયેલા ભાજપના (BJP) નગરસેવકો માટે કપરી સ્થિતિ ઊભી થાય તેવા આસાર દેખાઇ રહ્યા છે. દોડબાજીના ઈરાદે બાંધકામ બાબતે નોટિસ આપી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકે ચીમકી આપી હતી કે, જો હવે કોઇ અધિકારી (Officers) ખોટું કામ કરશે તો જેલના સળિયા પાછળ ધકેલાવી દઇશું.
મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા વિસ્તારની શ્રીજી સોસાયટીમાં પોતાના જ ઘરમાં નાના ફેરફાર કરતા મકાન માલિકને કોર્પોરેશનના અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ કરતા હોવાની નોટિસ ફટકારી હોવાથી આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેન્દ્ર બાબરિયાને આ મકાન માલિકે જાણ કરતાં તેણે મકાન માલિકની ફરિયાદના સંદર્ભમાં જણાવ્યું હતું કે, તેમણે ઘરમાં કોઈ એવા મોટા ફેરફાર નથી કર્યા કે જેને ગેરકાયદે બાંધકામ માની શકાય. છતાં પૈસા ખંખેરી લેવાની બદ ઇરાદાથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાઈ આવે છે.
તેથી માત્ર તોડબાજી કરવાના ઈરાદે નોટિસ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મકાન માલિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો સૂર વ્યકત કરી માત્ર તોડબાજી કરવાના ઈરાદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ અધિકારીઓ નેતા સાથે મીલીભગત કરી મકાન માલિકોને ખોટી રીતે હેરાન કરતા આવ્યા છે.
આવી રીતે ખોટી નોટિસો આપી ઘર માલિકોને દબાણમાં લાવી પૈસા ખંખેરી લે છે. કોઈપણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ન થયું હોવા છતાં પણ રહીશોને હેરાન કરવા માટે નોટિસો પહેલાં પાઠવવામાં આવે છે. ત્યારબાદ પૈસાની માંગણી કરી નોટિસ રફેદફે કરી દે છે. માત્ર તેમનો હેતુ પૈસા પડાવવાના હોય છે અને તેના માટે જ આ પ્રકારની નોટિસ આપવા માટે તેઓ ઘર માલિક સુધી પહોંચી જાય છે. તેથી જો હવે કોઇ અધિકારી ખોટું કામ કરશે તો જેલના સળિયા પાછળ ધકેલી દઇશું.