સુરત: (Surat) સુરતમાં આઠ વર્ષમાં 195 બસ અકસ્માતો (Accident) નોંધાયા છે. મળતી માહિતી મુજબ બસ અકસ્માતોના કારણે 95 લોકોનાં મોત થયાં હોવાની પણ વાત સામે આવી હતી ત્યારે છેલ્લા બે દિવસોમાં સુરતના બીઆરટીએસ રૂટ (BRTS Route) પર જે દૃશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. સામાન્ય રીતે દર વખતે બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાય ત્યારે ડ્રાઇવરની ભૂલ માનવામાં આવે છે પણ જે દૃશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાત પડતાં જ બીઆરટીએસ રૂટ પર બાળકો (Children) રમી રહ્યાં છે અને મહિલાઓ પિકનિક માણી રહી છે.
શહેરના કેટલા વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાં થઈ રહેલી મસ્તી, ધમાલને કારણે કોઈ મોટું અકસ્માત સર્જાય તો નવાઈ નહીં. સુરતમાં BRTS રૂટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ચોકાવનારો છે. BRTS રૂટની અંદર જ લોકો રાત્રે જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ ગામગપાટા કરતા હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં કેટલાક લોકો તો ખાસ આ રૂટમાં રાત્રે વોકિંગ કરવા માટે નીકળે છે. વીડિયો વાયરલ થયા બાદ BRTS રૂટ પર જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તે અંગેના સવાલો ઉઠ્યા છે.
બીજી તરફ કોસાડ વિસ્તારમાં બે બાળકો મસ્તી મજાક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટમાં બસ આવતી હોવા છતાં બાળકો મારામારી કરી રહ્યાં છે. અન્ય બાળકો તેની મજા લઈ રહ્યાં છે. ત્યાં સુધી તો ઠીક પરંતુ એક બાળક બીજા બાળકને ઉંચકીને બસની આગળ લગોલગ લાવી રહ્યો છે. સામેથી બસ આવી રહી છે તે જોયા છતાં આ બે બાળકો મારામારી કરતાં કરતાં બસના ટાયર સુધી આવી ગયાં હતાં. બસના ડ્રાઈવરે જો બ્રેક ન મારી હોત તો અકસ્માતનો ભોગ બની ગયા હોત તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
બીઆરટીએસ રૂટનાં જ વધુ એક ચોંકાવનારા વીડિયોમાં મહિલાઓ દેખાઈ રહી છે. ડીંડોલી વિસ્તારમાં BRTS રૂટ જાણે પિકનિક પોઈન્ટ બન્યો તેમ સાંઈ પોઇન્ટથી પ્રમુખ પાર્ક બ્રિજ સુધીના BRTS રૂટ પર લોકો દેખાઈ રહ્યાં છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે બીઆરટીએસ રૂટ પર વચ્ચોવચ બેઠા છે. કેટલીક મહિલાઓ બાળકો સાથે BRTS રૂટની વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. નાના બાળકો પણ BRTS રૂટમાં રમતા નજરે પડી રહ્યા છે.