સુરત: (Surat) સુરતીઓને ડુમસના દરિયા (Dumas Beach) કિનારે વધુ એક હાઈક્લાસ હરવા ફરવા માટેનું સ્થળ મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 5 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગને વિકસાવવામાં આવશે. પાલિકા દ્વારા અહીં ઇકો ટુરિઝમ પાર્ક (Eco Tourism Park) ડેવલપ કરાશે. આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે પાલિકાએ 2022-2023ના વર્ષ માટે 50 કરોડની જોગવાઈ કરી છે. 136 હેક્ટરમાં વિકસિત થનાર આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 600 કરોડ રુપિયા છે. ખાસ વાત એ છે કે ઈકો ટુરિઝમ પ્રોજેક્ટને વિકસાવવા માટે મનપા તેને 4 ઝોનમાં વહેંચશે. જે અનુસાર ફેઝ વાઈસ પ્રોજેક્ટ ડેવલપ કરાશે. આ ચાર ઝોનમાં અર્બન ઝોન, પલ્બિક સ્પેસ ઇકો ઝોન, ફોરેસ્ટ ઈકો ટુરિઝમ અને વેલનેસ ફેસિલીટી- બાયો ડાયરવસિટી પાર્ક તથા ડુમસ પોર્ટ અને જેટીનો પુન:વિકાસ શામેલ છે.
સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત ઇંડીયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન સંયુક્ત રીતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અગાઉ જે પીપીપી ધોરણે બનાવવાનું આયોજન હતું. તે હવે કેન્દ્રસરકારના રેલવો બોર્ડના નિર્ણય મુજબ ઈપીસી મોડલ પર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સુરત વધુ એક કોઝવેનું નિર્માણ કાર્ય પણ ઝડપથી આગળ વધશે. સુરતમાં કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા અંદાજીત 611 કરોડ રુપિયાની કોસ્ટ મુકવામાં આવી છે. જેના માટે આ વર્ષના બજેટમાં 25 કરોડની જોગવાઈ છે. જેમાં તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ તથા તેને સંલગ્ન ડાબા કાંઠા તરફ રેમ્પ સહિત ફ્લાય ઓવર બ્રીજ બાંધવા અંગેનું આયોજન પ્રગતિ હેઠળ છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કુલ અંદાજીત ખર્ચ 3904 કરોડ રુપિયા મુકવામાં આવ્યો છે. જેમાં ફેઈઝ-1 અંતર્ગત તાપી નદીના બંને કાંઠાઓ પર રૂંઢ ભાઠા સુચિત બરાજથી લઈ કઠોર બ્રીજ સુધીના 33 કિલોમીટરની લંબાઈમાં પાળાની કામગીરી તથા સુચિત બરાજથી સિંગણપોર વિયર સુધી એમીનીટીસની કામગીરી તથા ફેઈઝ-2 હાયત વિયર કમ કોઝવેથી કઠોર સુધી બ્રીજ સુધીનો અંદાજે 23 કિલોમીટરના વિસ્તારમાં બાકી રહેલી કામગીરીનો સમાવેશ થાય છે. આ માટે પાલિકા દ્વારા વર્લ્ડ બેંકની લોન મેળવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે.
શહેરમાં બનશે 23 નવા ગાર્ડન અને લેક ગાર્ડન
સુરત શહેરમાં પાલિકા દ્વારા હાલ 4 ગાર્ડન બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે 2 ગાર્ડનમાં હોર્ટીકલ્ચરનું કામ પ્રગતિ હેઠળ છે. તો અન્ય 5 ગાર્ડનમાં સિવિલ વર્ક પ્રગતિ હેઠળ છે. આવનારા વર્ષમાં પાલિકા દ્વારા વધુ 23 ગાર્ડન બનાવવામાં આવશે. જેના માટે 51.39 કરોડનો ખર્ચ કરાશે. આમા અઠવા ઝોનના આભવા, ડુમ્મસ, વેસુ, ડીંડોલી, ભેસ્તાન, ઉદના, અડાજણ, ડભોલી, વરિયાવ, પાલ-પાલનપોર, પૂણા, સરથાણા સીમાડા, લાલદરવાજા, ડુંભાલ, મોટા વરાછા ઉત્રાણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મોટા વરાછા અને કતારગામ ઝોનમાં દિવ્યાંગો માટે દિવ્યાંગ ફ્રેન્ડલી ગાર્ડન બનાવવાનું પણ આયોજન છે.