SURAT

ઇલેક્ટ્રિક વાહન ખરીદવું હવે સસ્તું પડશે, સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા મનપાએ બનાવી આ નીતિ

સુરત: (Surat) ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી (Smart City) મીશન અંતગર્ત દેશમાં 100 જેટલા શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની યોજનામાં સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે. આ યોજનાનાં મૂળ ઉદ્દેશોમાંનાં એક મુજબ શહેરમાં ક્લીન ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ થાય અને શહેરનાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો થાય તેમ છે. શહેરમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો કરવા માટે સુરત મનપા દ્વારા વિવિધ પેરામીટર નક્કી કરાયા છે જે પેરામીટર પૈકીનો એક શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારવાનો છે. જેથી હવે મનપા દ્વારા ઈલેક્ટ્રીક વેહીકલ (Electric Vehicle) પોલીસી બનાવવમાં આવી છે. આ પોલિસી અંતગર્ત રાજ્ય ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2021 માં નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વાહનોનાં લક્ષ્યાંક પૈકી 20% ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરની પરિવહન સેવામાં સામેલ થાય તે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે કે, સુરત શહેરમાં જૂન -2025 સુધીમાં રાજ્યમાં કુલ 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંક સામે કુલ 40,000 ઇલેક્ટ્રિક વ્હીકલ પરિવહન સેવામાં સામેલ થશે.

હાલમાં, શહેરમાં કુલ 33,00,575 વાહનો નોંધાયા છે. અને વર્ષ 2030 માં વાહનોની સંખ્યા 58 લાખથી વધુ થશે. શહેરીજનો ઈલેક્ટ્રીક વાહનો ખરીદે તે માટે મનપા દ્વારા પોલિસીના અમલવારીના પ્રથમ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને 100 % વ્હીકલ ટેક્ષમાં માફી આપવામાં આવશે. બીજા વર્ષે 75 %, ત્રીજા વર્ષે 50 %તેમજ ચોથા વર્ષથી પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી 25 % માફી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને પ્રથમ 3 વર્ષ માટે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. જે માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનાર શહેરીજનને પોલિસીના અમલવારીના પ્રથમ ત્રણ વર્ષ માટે સુરત મહાનગર પાલિકા સંચાલિત પે એન્ડ પાર્ક સ્થળો ખાતે વિના મૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવશે.

મનપા દ્વારા 500 ચાર્જીંગ સ્ટેશનો બનાવાશે
શહેરમાં આ પોલિસી અંતગર્ત કુલ 500 પબ્લિક ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેમાં 200 ચાર્જીંગ સ્ટેશન સુરત મહાનગર પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી નાણાંકીય સહાય પ્રાપ્ત કરીને સ્થાપિત કરવામાં આવશે જ્યારે બાકીના 150 ચાર્જીંગ સ્ટેશન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી સ્થાપિત કરવામાં આવશે અને બાકીના 150 ચાર્જીંગ સ્ટેશન જુદા જુદા જાહેર મેળાવડાનાં સ્થળો જેમ કે, મોલ્સ, સિનેમાઘરો, શોપિંગ સેન્ટર્સ વગેરે જેવા સ્થળો ખાતે જન-જાગૃતિ અભિયાન થકી સ્થાપિત કરવામાં આવશે.

ચાર્જીંગ સ્ટેશનોની માહિતી માટે ડિજીટલ ડેટાબેઝ તૈયાર થશે
સુરત મહાનગર પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતા અને વ્હીકલ્સને તબક્કાવાર ઇલેક્ટ્રિક વ્હીલમાં રૂપાંતરિત કરવામાં આવશે. શહેરમાં તૈયાર થનારા તમામ ચાર્જીંગ સ્ટેશનનો વેબસાઈટ તેમજ મોબાઈલ એપ આધારિત વિગતવાર ડીઝીટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે જેનાથી શહેરજનો પાસે ચાર્જીંગ સ્ટેશનના લોકેશન, ચાર્જંગનો પ્રકાર, કેટલા દરે ચાર્જીંગ ક્યા ઓફર થઇ રહી છે, ચાર્જીંગ સ્ટેશનમાં વેઇટીંગ છે કે કેમ જેવી તમામ વાસ્તવિક સમયની માહિતી શહેરીજનોને પ્રાપ્ત થઇ શકશે.

Most Popular

To Top