સુરત: 25મી જૂન એટલે સ્માર્ટ સિટી મિશન (Smart city mission)નો સ્થાપના દિવસ. સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રી હરદીપસિંઘ પુરીની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી એવોર્ડ (Smart city award)ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (ISAC) 2020નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત સુરતને સિટી એવોર્ડ, રાઉન્ડ 1 ની ‘બેસ્ટ પર્ફોમિંગ સિટી (Best performing city) તેમજ 4 પ્રોજેક્ટ માટે એવોર્ડ મળ્યા હતા. વધુમાં ક્લાઈમેટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કનાં પરિણામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પણ સુરત શહેરને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત સ્મેક સેન્ટર, આઈટીએમએસ, એએફસીએસ, સુરત મની કાર્ડ, સ્કાડા, એનર્જી જનરેશન, ટેરેટરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એઆઈસી સુરતી લેબ, મોડલ રોડ, સુમન આઈ, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, સોલાર-વીન્ડ પાવર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા મહત્ત્વના પ્રોજેક્ટોનું સફળતાપૂર્વક અમલ કરવા બદલ સુરતને સ્માર્ટ સિટીઝ મિશનના પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે દેશનાં તમામ 100 સ્માર્ટ સિટીઓમાં બેસ્ટ પર્ફોમન્સ માટે સતત ત્રીજી વાર સિટી એવોર્ડ આપવામાં આવ્યો છે.
જુદી જુદી થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ
પ્રોજેક્ટ એવોર્ડ અંતર્ગત તમામ 100 સ્માર્ટ સિટી પાસેથી ગવર્નન્સ, બીલ્ટ એન્વાયરમેન્ટ, સોશિયલ આસ્પેક્ટ, કલ્ચર, ઈકોનોમી, અર્બન એન્વાયરમેન્ટ, મોબિલિટી, સેનિટેશન, વોટર જેવી 9 અર્બન થિમ અંતર્ગત પ્રોજેક્ટોનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું. જે પૈકી સુરત સ્માર્ટ સિટીના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યા છે. વધુમાં પ્રથમ રાઉન્ડમાં પસંદ થયેલાં 20 શહેરના પર્ફોમન્સમાં પણ સુરત શહેરને બેસ્ટ સિટીનો પ્રથમ ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો છે.