સુરત મહાનગર પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે વર્ષ 2026-27 માટેનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મહત્વની જોગવાઈ સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની કરાઈ છે. ઉપરાંત બજેટમાં શાળાનું ઇન્ફ્રાસ્ટ્રાક્ચર વધારવાની સાથે વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 55 કરોડના ખર્ચે 11 નવા શાળા ભવનો બનાવવામાં આવશે જેમાં 269 ઓરડા બનાવવામાં આવશે.
પાલિકા દ્વારા શિક્ષણ સમિતિના બજેટમાં સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની જોગવાઈ કરાઈ છે. શહેરમાં સિગ્નલ પર ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે સુરત મનપા સુરત ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસિસના સહયોગથી “ભિક્ષા નહીં શિક્ષા” અભિગમ હેઠળ ‘સિગ્નલ સ્કૂલ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ‘એજ્યુકેશન એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ’ અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ તથા સર્જનાત્મકતા ખીલવવા ‘કોન્સ્ટિટ્યુશનલ વોલ’ અને ‘વોલ ઓફ ક્રિએટિવિટી’ જેવા નૂતન પ્રકલ્પો પણ હાથ ધરાશે.
શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સુરત મહાનગરપાલિકા ધવારા બે જોડી યુનિફોર્મ, એક જોડી બૂટ મોજા, સ્પોર્ટ્સ શૂજ, સ્ટેશનરી કિટ અને સ્કૂલ બેગ આપવા માટે 70 કરોડ રૂપિયાનું આયોજન કરાયું છે. શાળામાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે સાથી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. જે માટે 12 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
વિદ્યાર્થીઓને ભાવિ ટેકનોલોજીથી સજ્જ કરવા માટે બજેટમાં ‘AI-Robotics’ જેવા આધુનિક વિષયોની તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળા માટે રૂ. 50 લાખ અને બેન્ચની ખરીદી માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત ધોરણ-6 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવા માટે 50 લાખની ફાળવણી કરવામાં આવશે.