SURAT

સુરતના કતારગામ ઝોનમાં દુકાનદારો અને મિલકતદારો દ્વારા કરાયેલાં દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરાયો

સુરતઃ (Surat) વેડ રોડ પર ટી.પી.ના 36 મીટર રસ્તાને ખુલ્લો કરવા રજાના દિવસે પણ ડિમોલિશન (Demolition) ચાલુ રહ્યું હતું. ભાજપના (BJP) જ સ્થાનિક નગરસેવકો દ્વારા ડિમોલિશન અટકાવવા માટે પ્રેશર કરાયાના કથીત વિવાદ વચ્ચે વહીવટી તંત્ર કામગીરી ચાલુ રખાઈ હતી. કોઇ દબાણની પરવા કર્યા વગર ઝોનના તંત્રએ શનિવારે રજાનો (Holiday) દિવસ હોવા છતાં આ લાઇનદોરીમાં આવતા ગોપાલનગરનાં વધુ 8 મકાનની કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ, ઓટલા અને પગથિયાં તોડી પડાયા હતા.

કતારગામ ઝોનમાં સમાવિષ્ટ વેડ રોડ ઉપર વેડ-વરિયાવ બ્રિજને લાગુ 36 મીટરના ટી.પી. રસ્તામાં દુકાનદારો અને સ્થાનિક મિલકતદારો દ્વારા કરાયેલાં દબાણ અને બાંધકામ હટાવી રસ્તા રેખાનો અમલ કરવા માટે ગુરુવારે ઝોનની ટીમ દ્વારા ડિમોલિશન શરૂ કરાયું ત્યારે ભાજપના જ સ્થાનિક નગરસેવકો નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે ઝોનના સ્ટાફ પર રાજકીય દબાણ લાવી ડિમોલિશન અટકાવવા પ્રયાસ કર્યો હોવાના કથીત વિવાદ બાદ સ્થાનિક દુકાનદારો દ્વારા આ વિવાદમાં બંને નગરસેવકોને બચાવવા માટે આવેદનપત્ર આપી ઝોનના સ્ટાફ પર આક્ષેપો કરાયા હતા. જો કે, કોઇ દબાણની પરવા કર્યા વગર ઝોનના તંત્રએ શનિવારે રજાનો દિવસ હોવા છતાં આ લાઇનદોરીમાં આવતા ગોપાલનગરનાં વધુ 8 મકાનની કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ, ઓટલા અને પગથિયાં તોડી પડાયા હતા.

આ કાર્યવાહી અટકાવવા પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ મનપાના તંત્રએ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત મેળવ્યો હોવાથી ડિમોલિશન આગળ વધારાયું હતું. તેમજ ડિમોલિશન બાદ તુરંત રસ્તો બનાવવાનું પણ ચાલુ કરી દેવાયું છે. જેથી દબાણકર્તાઓ ફરી ત્યાં કબજો જમાવી શકે નહીં. ગોપાલનગર ખાતે રોડ તરફ કરાયેલા વધારાનાં દબાણ તોડી પાડવા વધુ 8 મકાનની કમ્પાઉન્ડ વોલ સહિતનું વધારાનું બાંધકામ તોડી પડાયું હતું.

મેટ્રો રેલના અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન લગભગ પુરું

સુરતઃ રાજમાર્ગ પર મેટ્રો રેલના અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન વિવાદ વચ્ચે મનપા દ્વારા શુક્રવારે ચાલુ કરાયું હતું, જે રાત્રે પણ સતત ચાલુ રાખી રાઉન્ડ કલોક ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં ઉગ્ર વિરોધ બાદ બીજા દિવસે કોઇ હોબાળા વગર કામગીરી ચાલુ રહી હતી. આ ચાલને ખાલી કરાવી દેવાઇ હોવાથી હવે શનિવારની રાત્રે પણ ડિમોલિશન ચાલુ રાખી રવિવાર સુધીમાં જમીનનો કબજો લઇ બે ત્રણ દિવસમાં જ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપી દેવાના લક્ષ્યાંક સાથે મનપાનું તંત્ર આગળ વધી રહ્યું છે.

મોચીની ચાલનું ડિમોલિશન રાઉન્ડ ધ કલોક કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે થયેલા કોર્ટ કેસનું હિયરિંગ સોમવારે હોય, અસરગ્રસ્તોની મીટ આ કેસ પર મંડાઇ છે કેમકે મનપા અને જીએમઆરસી દ્વારા તો હજુ સુધી આ મુદ્દે કોઇ નક્કર આયોજન કરાયું જ નથી. દરમિયાન ડિમોલિશન વહેલી તકે પુરૂ કરવા માટે મનપા દ્વારા 150 કર્મીઓને જોતરી દેવાયા છે અને ત્રણ માળની મોચીની ચાલનું 40 ટકા ડિમોલિશન શનિવાર સાંજ સુધીમાં થઇ ગયું છે. બે ત્રણ દિવસમાં જ અહીંની 7600 સ્કવેર ફૂટ જમીન ખાલી કરી મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપી દેવાય તેવું આયોજન કરી દેવાયું છે.

Most Popular

To Top