સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણનું કારણ લોકો દ્વારા ગાઇડલાઇનના પાલન બાબતે રખાતી બેદરકારી પણ છે. ત્યારે મનપા દ્વારા આદેશ કરાયો છે કે, દુકાનો ખોલવા માટે કોરોનાનો નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સિન (Test And Vaccine) મૂક્યાનું સર્ટિ. ફરજિયાત છે. આમ છતાં ઘણા દુકાનદારો તેનું પાલન નહીં કરતા હોવાથી આવા દુકાનદારોની દુકાન બંધ કરાવવામાં આવી રહી છે. સોમવારે 25 હજારથી વધુ દુકાનો પર જઇ તપાસ કરતાં 6238 દુકાનદાર પાસે બંનેમાંથી એકપણ સર્ટિ. નહીં હોવાથી તેની દુકાનો (Shop) બંધ કરાવાઇ હતી. તેમજ મનપા દ્વારા એવી પણ ચીમકી આપવામાં આવી છે કે, કોવિડની ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે હવે મનપા (Corporation) પોલીસ ફરિયાદ પણ દાખલ કરશે. સોમવારે આવા સાત લોકો સામે કાર્યવાહી કરાઈ હતી.
મનપાનું ઓન–સાઈટ વેક્સિનેશનનું આયોજન
સુરત: શહેરની કોઈ સંસ્થા કે વિવિધ સમાજના ૫૦૦થી વધુ વ્યકિતઓ (૪૫ વર્ષથી વધુ વયના-ફન્ટ લાઈન વર્કરો) વેક્સિન મુકાવવા માટે તૈયાર હોય તો સુરત મહાનગરપાલિકા સાથે ઓન–સાઈટ વેક્સિનેશનનું આયોજન કરવા માટે સુરત મહાનગરપાલિકાના (૬૩૫૯૯ ૦૯૯૨૬) નંબર પર સંપર્ક કરવાનો રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજદિન સુધી સરકારની ગાઈડલાઈન મુજબ આશરે કુલ ૭૧૩૧૪૮ વ્યકિતઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
ટેસ્ટ કે વેક્સિનેશનનું સર્ટિફિકેટ નહીં ધરાવતા વેપારીઓની ચોકબજારની દુકાનો, માર્કેટો બંધ કરાવાઇ
સુરત: કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટના વેપારીઓ અને કામદારો માટે આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ,રેપિડ ટેસ્ટ સર્ટિફિકેટ અને 45 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. જેનું રિંગ રોડ પર આવેલી માર્કેટોમાં પાલિકા દ્વારા કડકાઇથી તેનુ પાલન કરવામાં આવે છે. જ્યારે સારોલી એન ચોકબજાર અને ભાગાતળાવની કાપડ માર્કેટોમાં તેનો અમલ નહીં થતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેને પગલે આજે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગે સમગ્ર રાજમાર્ગ પર આરટીપીસીઆર ટેસ્ટ, રેપિડ ટેસ્ટ અને વેક્સિનેશનના સર્ટિફિકેટની માંગ કરી જે દુકાનો અને કાપડ માર્કેટમાં જે વેપારીઓ પાસે એક પણ સર્ટિફિકેટ નહીં હોય તેમની દુકાનો પાલિકાએ સીલ મારવાનું શરૂ કરતાં જોત-જોતામાં રાજમાર્ગની તમામ દુકાનો અને કાપડ માર્કેટની દુકાનોના શટર પડી ગયા હતા. જ્યારે સવારે કરફ્યુ લાગુ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આરોગ્ય વિભાગની ટીમે ચૌટાબજારની માર્કેટોમાં પણ આ કાર્યવાહી કરી હતી.