SURAT

સુરત-શારજાહ ફ્લાઈટનું ચારથી પાંચ દિવસમાં બુકિંગ શરૂ થવાની શક્યતા, અઠવાડિયામાં બે દિવસ ઉડાન ભરશે

સુરત: કોરોના મહામારીના લીધે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતી એકમાત્ર સુરત-શારજાહ ફ્લાઈટ છેલ્લાં દોઢ વર્ષથી રદ કરવામાં આવી છે, તે હવે ફરી એકવાર શરૂ થાય તેવા સંકેતો મળ્યા છે. આગામી શિયાળામાં ફ્લાઈટ ફરી શરૂ કરવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે, ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ પાસેથી મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસે શિયાળુ સમયપત્રકમાં સુરત-શારજાહ ફ્લાઈટને શિડ્યૂલ કરી છે. (Air India Express Surat-Sharjah International flight may once again schedule in winter) આ અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યોને જાણ પણ કરવામાં આવી છે. શિયાળામાં કઈ તારીખે ફ્લાઈટ શરૂ થશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે અઠવાડિયામાં બે દિવસ સુરત એરપોર્ટ પર અવરજવર કરશે તે નક્કી છે.

રવિવાર અને બુધવારે સુરત-શારજાહ ફ્લાઈટનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મળશે. શિડ્યુલ અનુસાર રવિવાર અને બુધવારે 19.35 કલાકે શારજાહથી ઉપડશે અને 23.45 કલાકે સુરત ખાતે પહોંચશે. જ્યારે આ જ ફ્લાઈટ સોમવાર અને ગુરૂવારે 1.45 કલાકે સુરતથી ઉપડી 3.30 કલાકે શારજાહ પહોંચશે.

આમ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને રવિવાર અને બુધવારે અઠવાડિયામાં બે દિવસ શારજાહ, દુબઈ, અબુધાબી જવાની સગવડ મળશે. વધુમાં આગામી 4થી 5 દિવસમાં જ સુરત-શારજાહ ફ્લાઈટનું બુકિંગ શરૂ થાય તેવી શક્યતા છે. કોરોનાના લીધે સરકારી ગાઈડલાઈનમાં કોઈ ફેરફાર નહીં થાય તો શારજાહ-સુરત ફ્લાઈટ શિયાળાના શિડ્યુલમાં શરૂ થવાની શક્યતા રહેલી છે.

કોરોના મહામારીના લીધે દોઢ વર્ષથી ફ્લાઈટ બંધ હતી

કોરોના મહામારીના લીધે માર્ચ 2020થી દેશભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરત એરપોર્ટ પરની એકમાત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ રદ થઈ હતી. We Work For Working Surat Airport Group ના સભ્ય સંજય જૈને કહ્યું કે, વચ્ચે વંદે ભારત મિશન હેઠળ સુરત-શારજાહની કેટલીક ટ્રીપ ઉડાડવામાં આવી હતી, તે સિવાય ઓફિશીયલ રૂટીન શિડ્યૂલ બંધ હતું, જે હવે વિન્ટર શિડ્યૂલમાં ફરી શરૂ થાય તેવા શુભ સંકેત સાંપડ્યા છે. મોટાભાગે નવેમ્બરમાં ફ્લાઈટ્સ ઉડતી થશે. બે-ચાર દિવસમાં શિડ્યૂલ જાહેર થવા સાથે બુકિંગ શરૂ થાય તેવી શક્યતા છે.

સ્પાઈસ જેટ દ્વારા ડોમેસ્ટીક ફ્લાઈટ્સ રદ કરવાના સિલસિલા વચ્ચે સારા સમાચાર

ગયા અઠવાડિયે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા પેસેન્જર ટ્રાફિક નહીં મળવાના લીધે બેથી ત્રણ દિવસમાં 14થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેના લીધે ચિંતા ઉભી થઈ હતી. છેલ્લાં એક દાયકા કરતા વધુ સમયથી સુરત એરપોર્ટ પર વધુમાં વધુ ફ્લાઈટ્સનો ટ્રાફિક મળે તે માટે પ્રયાસ કરતા ગ્રુપ્સ ચિંતામાં મુકાયા હતા. જોકે, સુરત-શારજાહની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ એનાઉન્સ થતા હાશકારો થયો છે.

Most Popular

To Top