SURAT

સુરતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી સચિન GIDCને વેકેશનમાં આ કામ કરવા વીજ કંપનીનો આદેશ

સુરત: (Surat) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સચિન જીઆઇડીસીના (GIDC) ઉદ્યોગકારોને 21 દિવસના દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન એકમોની સલામતી અને ઉર્જા બચત માટે યુનિટના કેપેસિટર બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. લોકડાઉન અને કોરોનાના સમયગાળામાં ઉદ્યોગકારો કેપેસિટર બંધ કરવાનું ભૂલી જતા લાખોના એવરેજ બીલ ભરવાનો વારો આવ્યો હતો. તેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે આગોતરી જાણ કરવામાં આવી છે સુરતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો સચિન જીઆઇડીસીમાં આવેલા હોવાથી વીજ વપરાશને લગતા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે.

સચિન ઇન્ડસ્ટ્રીઝ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તી કે ઉનાળુ- દિવાળી વેકેસનમાં ઔદ્યોગિક એકમો ઉત્પાદન બંધ રાખતા હોય છે પરંતુ કેપેસિટર ચાલુ રહેતું હોવાથી વીજ કંપની તેના રોટેશન પ્રમાણે બીલ આપતી હોય છે. લોકડાઉનમાં આ સમસ્યા ઉભી થઇ હોવાથી આ વખતે વીજ કંપનીએ વેકેસન દરમિયાન પોતાના યુનિટના કેપેસિટર બંધ રાખવા આદેશ આપ્યો છે. જેથી બીલને લઇ કોઇ માથાકુટ ન થાય. એસોસિએશન દ્વારા દરેક યુનિટોને જાણ કરવામાં આવી છે.

તે ઉપરાંત વીજ કંપની દ્વારા જીઆઇડીસીના સબ ડિવિઝનમાં આવતા ફિડરોના સ્ટ્રેગર્ડ દિવસો નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે વીજ પુરવઠો સપ્તાહમાં એક દિવસ બંધ રહેશે. જીઆઇડીસીમાં આવેલા 7-બી, 14-બી, 1-ડી, 3-ડી અને 9-ડી ફિડરના સ્ટ્રેગર્ડ દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 7-ડી ફિડરનો દિવસ રવિવારથી બદલી મંગળવાર કરવામાં આવ્યો છે. જયારે 14-બી ફિડરનો સમય પણ મંગળવારથી રવિવાર થયો છે. જયારે 3-ડીનો સમય સોમવારથી રવિવાર જયારે 1-ડીનો સમય મંગળવારથી રવિવાર કર્યો છે. જયારે 9-ડી ફિડરનો સમય રવિવારથી બદલી મંગળવાર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top