સુરત (Surat): નવરાત્રિમાં (Navratri) ગરબા (Garba) સારી રીતે રમવા માટે યુવાનોમાં જ નહીં પરંતુ આધેડ અને સિનિયર સિટિઝનોમાં (Senior Citizen) પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગરબાના રસિયાઓ છેલ્લા 4 મહિનાથી ક્લાસમાં જઈને ગરબા શિખી રહ્યા છે.
પાલમાં ગ્રીનસિટી ક્લબ હાઉસ ખાતે રાધેક્રિષ્ણા ડોડિયા ક્લાસ ચલાવનાર અંકિતભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી તેઓ ગરબાના ક્લાસ ચલાવે છે. છેલ્લા 8 વર્ષથી તો પાલમાં જ ક્લાસ ચલાવે છે. તેમના ક્લાસમાં દર વર્ષે યુવાઓ ઉપરાંત આધેડ અને સિનિયર સિટિઝન પણ ઉત્સાહભેર ગરબા શિખવા આવે છે. તેમના ક્લાસમાં 50 થી 60 વર્ષ સુધીની 65 મહિલાઓ ગરબા શિખવા આવી રહી છે. મહિલાઓ આ ઉમંગભેર અલગ-અલગ સ્ટેપ શિખ્યા છે. અંકિતભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વધુ ઉંમરની જે મહિલાઓ ગરબા શિખવા આવે છે તેમાંથી મોટા ભાગની મહિલાઓ નોનગુજરાતી છે. ખાસ કરીને કોલકાતા, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યના છે. તેથી તેઓ પહેલી જ વખત ગરબા જોઈ રહ્યા છે. તેથી તેમને ગરબા શિખવાનું મન થાય છે. તેઓએ જ્યારે ગરબા શિખવાનું શરૂ કર્યું ત્યાર બાદ તેમનો ઉત્સાહ બેવડાયો છે. નોનગુજરાતી મહિલાઓને ગરબા વિશે જાણવા અને શિખવા બાબતે ભારે ઉત્સાહ બતાવ્યો છે.
આધેડ વયમાં પણ સાંઈ બાબા સ્ટેપ સહિતના સ્ટેપ શિખી રહી છે મહિલાઓ
આધેડ વયની મહિલાઓ વિવિધ સ્ટેપ તેમાં ખાસ કરીને 22, 32, 40, 60 સ્ટેપ ડોડિયા, સાલસા, બે તાળી અને ત્રણ તાળી ગરબા તેમજ તેમણે પોતે નવો સ્ટેપ શોધ્યો છે. તેમાં સાંઈ બાબા સ્ટેપ શિખવામાં મહિલાઓએ વધુ ઉત્સાહ બતાવ્યો છે.
તેલુગુ સમાજના ગરબામાં ગુજરાતી મહેક આકર્ષણનું કેન્દ્ર
ગણદેવી : વર્ષોથી ગણદેવીમાં (Gandavi) વસવાટ કરતા તેલુગુ સમાજના (Telugu Samaj) ગરબામાં ગુજરાતી મહેક લોક આકર્ષણનું કેન્દ્ર બની છે.ગણદેવી તેલુગુ સમાજ નવરાત્રીને (Navratri) બતુકમ્મા પંડુગા (Batukamma Panduga) તરીકે ઉજવે છે. ‘બોડડેમ્માં’ અને ‘સદુલાબતુકમ્માં’ના નામે ઉજવણી કરે છે. હળદર અને કંકુથી બનાવેલી ઢીંગલીનું ગોરમ્માં રૂપે પૂજન કરવામાં આવે છે. અહીં કુંવારીકાઓ આસો સુદ પડવાથી આઠમ સુધી ગરબે ઘૂમે તેને બોડડેમ્માં કહેવાય છે. ગણદેવી ગૌરવપથ નજીક તેલુગુ સોસાયટી અને નવી તેલુગુ સોસાયટી, ખત્રીવાડમાં તેમજ બીલીમોરા દેસરા સરકારી ગોડાઉન પાસે પદ્મશાલી સોસાયટીમાં રહેતા દક્ષિણ ભારતીય તેલુગુ સમાજ નવરાત્રીએ ‘બતુકમ્મા’ તરીકે પૂજન કરી ઉજવણી કરે છે.