સુરત: (Surat) સુરતના સેકન્ડ વીઆઇપી રોડ (Second VIP Road) ખાતે નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.
- નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત
- સેકન્ડ વીઆઇપી રોડ ખાતે ત્રણ વર્ષની બાળકી રમતા-રમતા નીચે પડી હતી
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વેસુ સેકન્ડ વીઆઇપી રોડ વિસ્તારમાં નવનિર્મિત આર્બર એપાર્ટમેન્ટમાં વિવેક નિષાદ ત્રણ છોકરી સહિતના પરિવાર સાથે રહે છે અને ત્યાં જ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ સવારે વિવેક અને પત્ની બિલ્ડીંગના ચોથા માળે કામ કરી રહ્યા હતા. દરમિયાન વિવેકની પુત્રી રક્ષા (3 વર્ષ) રમી રહી હતી. તે વખતે રમતા-રમતા રક્ષા ચોથા માળેથી નીચે પટકાઈ હતી.
જેથી રક્ષાને ગંભીર ઈજા પહોંચતા બેભાન થઇ ગઇ હતી. બનાવને પગલે માતા-પિતા અને ત્યાં કામ કરી રહેલા અન્ય શ્રામિકો દોડી આવ્યા હતા અને રક્ષાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રક્ષાને મૃત જાહેર કરી હતી. આ બનાવની આગળની તપાસ અલથાણ પોલીસ કરી રહી છે.
અશ્વનીકુમાર સ્માશાન ભૂમિના 15 ફૂટ ઉંડા ખાડામાં પડેલા વ્યકિતને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યો
સુરત: અશ્વનીકુમાર સ્મશાન ભૂમિમાં બનાવેલા 15 ફૂટ ઊંડા ખાડામાં એક વ્યકિત રવિવારે સવારે અકસ્માતે પડી ગયો હતો. કોલ મળતાંની સાથે જ કતારગામ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વ્યકિતને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ, રવિવારે સવારે 9:40 કલાકે ફાયર કંટ્રોલને કોલ મળ્યો હતો કે, અશ્વની કુમાર સ્મશાન ભૂમિમાં બનાવેલા 15 ફૂટ ઊંડા ખાડામાં કોઈ વ્યકિત પડી ગયો છે. તેથી કતારગામ ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર સબ ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, ખાડામાં પડેલો અજાણ્યો વ્યકિત બેહોશ આવસ્થામાં હતો. ફાયરની ટીમના જવાનો નિસરણીની મદદ લઇ ખાડામાં ઉતાર્યા હતા અને બેહોશ થયેલા વ્યકિતને બહાર કાઢી લઇ તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અજાણ્યો વ્યકિત દારૂના નશામાં ચકચૂર થયા બાદ ભાન ભૂલી ગયો હોય તેથી ખાડામાં પડી ગયો હોવાનું ફાયરના સૂત્રોનું કહેવું હતું.