સુરત: આઇપીએલની (IPL) આગામી સિઝન માટે મહેન્દ્રસિંહ ધોનીના (MSD) નેતૃત્વ હેઠળની ચેન્નાઇ સુપર કિંગે (CSK) પ્રેક્ટિસ માટે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પસંદગી કરી છે. SDCAના જણાવ્યા મુજબ એનસીએના બેટિંગ કોચ અપૂર્વ દેસાઈ, રવિન્દ્ર જાડેજાના સૂચન અને જય શાહની ભલામણને પગલે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ તા.2થી 22 માર્ચ સુરતની (Surat) મહેમાન બનશે.
2 માર્ચથી 7 માર્ચ સુધી ખેલાડીઓ સુરત આવશે. અને લી મેરિડિયન હોટલમાં બાયો બબલમાં જોડાશે. 7 માર્ચથી ચેન્નાઈની ટીમ લાલભાઈ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. SDCAના પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટરે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, સુરત માટે આ ગૌરવ લેવા જેવી ઘટના બનવા જઈ રહી છે. આઈપીએલની સૌથી સફળ ટીમ સુરતમાં પ્રેક્ટિસ કરશે. એસોસિએશનના ભરચક પ્રયાસો અને બધાની મહેનતને પગલે અનેક માપદંડોમાંથી પસાર થઈ ચેન્નાઇ સુપર કિંગના મેનેજમેન્ટે સ્ટેડિયમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એન્ડોશ કર્યું છે. બાયો બબલ મેન્ટેઇન કરવાનું હોવાથી લી-મેરિડિયન હોટેલની સંપૂર્ણ એક બિલ્ડિંગના રૂમો અને એને કનેક્ટેડ બે સામેની બિલ્ડિંગના ફ્લોર મળી ખેલાડીઓ માટે 86 રૂમ અને સપોર્ટિંગ સ્ટાફ માટે 34 રૂમ બૂક કરવામાં આવ્યાં છે. પત્રકાર પરિષદમાં એસડીસીએના સેક્રેટરી હિતેન્દ્ર પટેલ(ભરથાણા), ખજાનચી મયંક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેક્ષકો અને એસડીસીએના સભ્યો બાયો બબલને લીધે ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોઈ શકશે નહીં
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે બાયો બબલના નિયમને લીધે ચેન્નાઇ ટીમના મેનેજમેન્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે, એસડીસીએના પદાધિકારીઓ, સભ્યો કે પ્રેક્ષકો કોઈ ખેલાડી નજીક જઈ શકશે નહીં, ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફી પણ કરી શકશે નહીં. ટીમ ચાર્ટર ફ્લાઈટમાં સુરત એરપોર્ટ આવશે. ત્યારે સ્વાગત માટે પણ એસોસિએશનના કોઈ હોદ્દેદારોએ આવવું નહીં એવી સૂચના આપવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડરના એક ખેલાડી વરુણ ચક્રવર્તીને ગઈ ટુર્નામેન્ટમાં ઇજા થતાં સારવાર માટે બાયો બબલમાંથી નીકળ્યા પછી 3 ખેલાડી કોરોના પોઝિટિવ આવતાં આખી આઇપીએલ ટુર્નામેન્ટ સ્થગિત થઈ યુએઈમાં શિફ્ટ થઈ હતી.
લાલભાઈ સ્ટેડિયમની લાલ માટીની બેટિંગ પિચ ચેન્નાઈની ટીમને સુરત ખેંચી લાવવાનું કારણ બની
ડો.નૈમેષ દેસાઈએ કહ્યું હતું કે, નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ચેન્નાઇ સુપર કિંગના ઇન્જર્ડ સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એનઆઈએના બેટિંગ કોચ એવા સુરતી ક્રિકેટર અપૂર્વ દેસાઈને ઔપચારિક વાતચીતમાં ચેન્નાઈની ટીમ પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ શોધી રહી હોવાની વાત કરતાં દેસાઈએ ચેન્નાઈની ટીમની મોટા ભાગની મેચ મુંબઈમાં હોવાથી મુંબઈ, પુણેના સ્ટેડિયમ જેવી લાલ માટીની પિચો સુરતમાં એસડીસીએ દ્વારા બનાવવામાં આવી હોવાની વાત રજૂ કરી હતી. સુરતમાં જાડેજાએ ટ્રિપલ સેન્ચુરી મારી હોવાથી વાત એમના અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ થકી ચેન્નાઈના ટીમ મેનેજમેન્ટ સુધી પહોંચી હતી. એ પછી આ ટીમના ચીફ એડમિનિસ્ટ્રેશન કાશી વિશ્વનાથને ફોન કરી સ્ટેડિયમની સુવિધા અને ખેલાડીઓને રાખવા ફાઈવ સ્ટાર હોટેલની વિગતો જાણી હતી. ફોટો અને વિડીયો મોકલ્યા પછી ચેન્નાઈની ટીમના લોજિસ્ટિક અને ફાઇનાન્સ હેડ સતીષ અને અંકિત સુરત આવ્યા હતા. તેમણે વિશ્વનાથન, ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગ અને ધોની સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરી સુરતના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા લીલી ઝંડી આપી હતી. ડો.દેસાઇએ કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીનું સૂચન હતું કે, મુંબઈની પિચ બેટિંગ વિકેટ હોવાથી સુરતમાં પ્રેક્ટિસ માટે બધી પિચ બેટિંગ વિકેટ બનાવવી. અને એ પ્રકારે 1 મુખ્ય પિચ સાથે 14 પિચ તૈયાર કરી છે.
2 માર્ચે ધોની સાથે કેટલાક ખેલાડી સુરત આવશે
ચેન્નાઇની ટીમના સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની 2 માર્ચના રોજ સુરત આવી બીજા ખેલાડીઓ સાથે બાયો બબલમાં જોડાશે. આ ટીમના કેટલાક ખેલાડીઓ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક રણજી મેચ રમી રહ્યા હોવાથી તેઓ પાછળથી જોડાતા જશે. ચીફ કોચ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સુકાની સ્ટીફન ફ્લેમિંગ, બેટિંગ કોચ માઇક હસી, બોલિંગ કોચ એલ.બાલાજી, ફિલ્ડિંગ કોચ રાજીવકુમાર 7 માર્ચ સુધી જોડાશે એવી શક્યતા છે.
ધોની સહિતના ખેલાડીઓ સવારે 11થી 2 જીમમાં અને સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી ફ્લડ લાઇટમાં પ્રેક્ટિસ કરશે
એસડીસીએના મેન્ટર કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, કુલ 25 ક્રિકેટર અને 15 નેટ બોલર્સ સુરત આવશે. સ્ટેડિયમમાં ખેલાડીઓ સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, જીમનો પણ 7થી 22 માર્ચ સુધી ઉપયોગ કરશે. ધોની સહિતના ખેલાડીઓ સવારે 11થી 2 જીમમાં અને સાંજે 5થી રાતે 10 વાગ્યા સુધી ફ્લડ લાઇટમાં પ્રેક્ટિસ કરશે. કારણ કે, આઈપીએલની મેચો ડે-નાઈટ છે. ટીમ મેઈન ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરશે.
મેડિકલ ઇમરજન્સી માટે બે હોસ્પિટલના આખા ફ્લોર બુક કરાયા
ચેન્નાઈની ટીમના ખેલાડીઓને પ્રેક્ટિસ સેશનમાં ઇજા થાય તો બાયો બબલ જાળવી રાખી સારવાર માટે શહેરની ગ્લોબલ સનશાઇન અને મહાવીર હોસ્પિટલમાં આખેઆખા ફ્લોર બુક કરાયા છે. જેથી ઇજાગ્રસ્ત ખેલાડીને સમયસર સારવાર મળી શકે.
ચેન્નાઈ સુપર કિંગના આ ખેલાડીઓ સુરતમાં પ્રેક્ટિસ કરશે
મહેશ તિકશાના (રૂ.70 લાખ), રાજવર્ધન હેંગરગેકર (રૂ.1.50 કરોડ), ડેવોન કોન્વે (રૂ.1 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (રૂ.50 લાખ), મિચેલ સેન્ટનર (1.90 કરોડ), એડમ મિલ્ને (રૂ.1.90 કરોડ), શુભાંશુ સેનાપતિ (રૂ.20 લાખ), મુકેશ ચૌધરી (રૂ.20 લાખ), પ્રશાંત સોલંકી (રૂ.1.20 કરોડ), સી હરિ નિશાંત (રૂ.20 લાખ), એન. જગદીશન (રૂ.20 લાખ), ક્રિસ જોર્ડન (રૂ.3.60 કરોડ), કે.ભગત શર્મા (રૂ.20 લાખ), રિટેન કરાયેલા ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા (રૂ.16 કરોડ), એમએસ ધોની (રૂ.12 કરોડ), મોઈન અલી (8 કરોડ રૂપિયા), ઋતુરાજ ગાયકવાડ (રૂ.6 કરોડ) ઓક્શનમાં ખરીદાયેલા ખેલાડીઓ રોબિન ઉથપ્પા (રૂ.2 કરોડ), ડ્વેન બ્રાવો (રૂ.4.4 કરોડ), અંબાતી રાયડુ (રૂ.6.75 કરોડ), દીપક ચહર (રૂ.14 કરોડ), કે.એમ.આસીફ (રૂ.20 લાખ), તુષાર દેશપાંડે (રૂ.20 લાખ), શિવમ દુબે (રૂ.4 કરોડ).