SURAT

સુરત: પૂણાની સ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીને નગ્ન કરી સ્ટાફરૂમમાં દોડાવ્યો, વીડિયો સામે આવતા ચકચાર

સુરત (Surat): સુરતના પૂણા (Puna) વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા (School) નં. 300 ફરી એકવાર વિવાદમાં (Controversy) આવી છે. હજુ બે દિવસ પહેલાં જ શાળાના આચાર્ય (Principal) વિરુદ્ધ વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીની (Sexual Abuse) ફરિયાદ થઈ હતી અને હવે આચાર્ય દ્વારા એક વિદ્યાર્થીને (Student) નગ્ન (Naked) કરીને માર માર્યો હોવાની અને તેને જાહેરમાં શરમમાં મુકવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો (Video) ખૂબ જ ઝડપથી સુરત શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બહાર આવ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર મામલે તપાસ (Inquiry) હાથ ધરવામાં આવી છે.

આ ઘટના સુરતના પૂણા વિસ્તારની શાળા નં. 300ની છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક રૂમમાં કેટલાંક ટીચર્સ બેઠાં છે અને એક 10થી 12 વર્ષની ઉંમરનો છોકરો નગ્ન છે. ટીચર્સ તે વિદ્યાર્થી ને મારી રહ્યાં છે અને વિદ્યાર્થી કરગરી રહ્યો છે. પરંતુ ટીચર્સ તેને કપડા આપતા નથી. શરમજનક સ્થિતિમાં મુકાયેલો વિદ્યાર્થી રડી રહ્યો છે છતાં કોઈને તેની પર દયા આવતી નથી. ઉલટાનું એક જણ તેના કપડા ઝૂંટવી રહ્યો છે અને બીજો વ્યક્તિ તે વિદ્યાર્થીને બાવડામાંથી પકડી રાખે છે. આચાર્ય સહિત સ્ટાફરૂમમાં હાજર બધા હસી રહ્યાં છે. આ વીડિયો બહાર આવતા વાલીઓ રોષે ભરાયા છે. બે દિવસ પહેલાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂંક કરનાર આચાર્યની વિકૃત માનસિકતા ફરી એકવાર છતી થતા વાલીઓએ તેની સામે સખ્ત કાર્યવાહીની માંગ ઉઠાવી છે. આજે વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે. એવું કહેવાય રહ્યું છે કે આ વીડિયો ત્રણ મહિના જૂનો છે. વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીની ફરિયાદ બાદ આચાર્યની બદલી કરી દેવાતા આ વીડિયો બહાર આવ્યો છે, ત્યારે વાલીઓમાં આચાર્ય પ્રત્યે રોષ વધુ ભભૂક્યો છે.

ગુરૂપૂર્ણિમાના દિવસે આ જ આચાર્યએ વિદ્યાર્થીનીઓની સાથે ગેરવર્તણૂંક કરી હતી
બે દિવસ અગાઉ ગૂરૂપૂણિર્માના દિવસે શાળા નં. 300માં ફરજ બજાવતા આ જ પ્રિન્સપાલે કેટલીક છાત્રાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જેને લઇને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓના હોબાળા બાદ આ સ્કૂલના પ્રિન્સિપાલને ચૂપચાપ ટ્રાન્સફર (Transfer) આપી દેવાઇ હતી. પ્રિન્સિપાલની બદલી કરી સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરાતા મામલો બિચકયો હતો. વાલીઓનો રોષ પામી તપાસ કરવાની માંગણી થતા આખરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીમાં બે સિનિયર આચાર્યને સમાવી દેવાયા છે.

Most Popular

To Top