Gujarat

વિદ્યાર્થીઓનું વેકેશન બગડવાના એંધાણ: સરવે માટે આ ચોક્કસ દિવસોએ શાળાઓ ચાલુ રાખવા આદેશ

સુરત: (Surat) એકવીસ દિવસના વેકેશનનો છેદ ઉડાડી તાજેતરમાં રાજય સરકારે નેશનલ અચિવ સરવે માટે સુરત જિલ્લાની અઢીસો સ્કૂલ્સને ચાલુ રાખવા ફરમાન કરતા દિવાળી વેકેશનની (Diwali Vacation) મજા બગડે તેવી હાલત થઇ છે. નેશનલ એચિવ સરવે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ (District Education Officer) 250 શાળાઓને (School) તા.10થી 12 ફરજિયાત ખુલ્લી રાખવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે. સરવે વિદ્યાર્થીઓ, શિક્ષકો, નોન-ટીચિંગ સ્ટાફ સહિત તમામની હાજરીમાં જ કરવાનો છે જેથી સ્કૂલોની બહાનાબાજી નહીં ચાલે.

આગામી તા.10થી 12 નવેમ્બર સંપૂર્ણપણે સ્કૂલો શરૂ રાખવાનો આદેશ કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓેને પરિપત્ર જારી કરી જણાવ્યું છે કે તા.12મીએ આખા દેશમાં એક જ સમયે એન.એ.એસ. હાથ ધરાવાનો છે. એન.એ.એસ. સરવે એટલે નેશનલ એચિવમેન્ટ સરવે. જેમાં ધો.3, 5, 7 અને ધો.10ના વિદ્યાર્થીઓનો રૂબરૂમાં સરવે કરવામાં આવશે. આગામી તા.12મી નવેમ્બરે શાળાઓમાં દિવાળી વેકેશન હશે. પરિણામે શિક્ષણાધિકારીએ આજે સુરત શહેર અને જિલ્લાની સેંકડો સ્કૂલો માટે આજે વેકેશન શરૂ થવાની પૂર્વ સંધ્યાએ એક ફતવો બહાર પાડીને જણાવ્યું છે કે તા.10થી 12 નવેમ્બર દરમિયાન જે જે શાળાઓને સૂચના આપવામાં આવી છે એ શાળાઓમાં સંપૂર્ણપણે શિક્ષણ કાર્ય શરૂ રહેવું જ જોઇએ. આ કામ ફરજિયાત છે. શિક્ષણાધિકારીએ શાળાઓ જોગ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, નોન- ટીચિંગ સ્ટાફ વગેરે તમામે તમામની સંપૂર્ણ હાજરીમાં જ નેશનલ એચિવમેન્ટ સરવે હાથ ધરાવાનો છે. આવી સ્થિતિમાં કોઇપણ જાતના બહાનાબાજી નહીં ચલાવી લેવામાં આવશે. આવી પણ સૂચના કેટલીક સ્કૂલોને આપી દેવામાં આવી છે.

બરાબર વેકેશનના મધ્યમાં જ શાળાએ જવાનું હોવાથી કચવાટ
એકવીસ દિવસના દિવાળી વેકેશન અધવચ્ચે શિક્ષણાધિકારીએ સુરતની સેંકડો સ્કૂલોને ધો.10ના વર્ગો વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમેત શરૂ રાખવા માટે આપેલી સૂચનાને પગલે આજે સુરત શહેરના શિક્ષકો અને સંચાલકોમાં ભારે કચવાટની લાગણી ફેલાઈ જવા પામી છે. વેકેશનના બરાબર અધવચ્ચે જ શાળા ફરજિયાત શરૂ કરવાની હોવાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોએ ઘડી કાઢેલી બહારગામની ટુર પડતી મૂકવી પડશે.

Most Popular

To Top