Feature Stories

સરસિયા ખાજાની રેસિપી શોધનાર શાહ મોતીરામ બ્રિજલાલ મિઠાઈવાલાની પેઢીને 153 વર્ષ થયા

ચોમાસાની ઋતુમાં સુરતી ફરસાણના રાજા ગણાતા સરસિયા ખાજાની રેસિપી શોધનાર તળ સુરતના ભાગળ-ખાંડવાળાની શેરીની પેઢી શાહ મોતીરામ બ્રિજલાલ મિઠાઈવાલાની પેઢીનો 153 વર્ષ પહેલા 1869માં પ્રારંભ થયો હતો. મેંદા, કાળા મરી, મીંઠુ, સફેદ મરી, હળદર અને સિંગતેલમાં મિશ્રણમાંથી તીખા તમતમતા સુરતી ખાજા ચોમાસાની સિઝનમાં વેચાતા હોવાથી શાહ મોતીરામ બ્રિજલાલ મિઠાઈવાલાની પેઢી વર્ષો સુધી સુરતી ખાજા માર્ટ તરીકે ઓળખાતી હતી. પરંતુ એ નામને લીધે અન્ય મિઠાઈના વેચાણને અસર થતી હોવાથી પેઢીના ચોથા વારસદારોએ એસ. મોતીરામ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ નામથી જુની પેઢીને આગળ ધપાવી છે. વિશ્વભરમાં સુરતી સરસિયા ખાજાને લોકપ્રિય કરનાર આ પેઢીએ સુરતી સરસિયા ખાજાનું ટ્રેડમાર્ક પણ રજીસ્ટર કર્યુ છે. સમય જતા આ પેઢીનાં યુવાન સંચાલકોએ મિઠાઈઓ, ફરસાણ, બેકરી, ડેરી પ્રોડક્ટ અને નમકીન પ્રોડકટનો સિઝનલ વેપાર પણ આગળ ધપાવ્યો. સરસિયા ખાજા સહિતની મિઠાઈ અને ફરસાણની પ્રોડક્ટ વિશ્વમાં જે દેશોમાં ગુજરાતીઓ અને સુરતીઓ રહે છે ત્યાં એક્સ્પોર્ટ કરવાનું પણ શરૂ કર્યુ છે. 153 વર્ષ જુની આ પેઢી વિશેની રોચક વાતો જાણીશું.

વંશવેલો
1.) શાહ મોતીરામ બ્રિજલાલ મિઠાઈવાલા 2.) મણીલાલ મોતીરામ સુખડિયા 3.) કૃષ્ણકાંત મણિલાલ સુખડિયા 4.) રજનીકાંત ચંદ્રવદન સુખડિયા 5.) મુકુંદ કૃષ્ણકાંત સુખડિયા 6.) ગૌરાંગ રજનીકાંત સુખડિયા 7.) હિમાંશુ રજનીકાંત સુખડિયા 8.) કૃષાન મુકુંદ સુખડિયા 9.) દેેવ ગૌરાંગ સુખડિયા
સ્માર્ટ સિટી સમિટમાં છ સ્ટોલમાં સુરતી ખાજાને પણ સ્થાન મળ્યું
ગૌરાંગ સુખડિયા કહે છે કે સુરતમાં ચેમ્બરમાં સરસાણા કન્વેશન સેન્ટરમાં યોજાયેલી સ્માર્ટ સિટી સમિટમાં દેશભરમાંથી આવેલા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના રાજનેતાઓ માટે સમિટના ફુડઝોનમાં સુરતી પરંપરાગત વાનગીના છ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં સુરત બહારના ઘણા લોકોએ સુરતી સરસિયા ખાજા, મેંગો ખાજા, મિઠા ખાજા અને મોળા ખાજા આરોગ્યા હતા. એવી જ રીતે TPCI દ્વારા ગ્રેટર નાેઈડામાં યાેજાયેલા એક્ઝીબિશનમાં અમારી પેઢીની મિઠાઈઓ, ફરસાણ, ફ્રોઝન ફુડ, અને સુરતી ખાજાની ચાર વેરાઈટી રજુ કરવામાં આવી હતી. જેમાં 32 દેશોના મુલાકાતીઓ આવ્યા હતા.

1869માં ભાગળ ચાર રસ્તે મિઠાઈની અને ખાંડવાળાની શેરીના નાકે દુકાનની શરૂઆત
શાહ મોતીરામ બ્રિજલાલ મિઠાઈવાલાની પેઢી દ્વારા 1869ના વર્ષમાં ભાગળ ચાર રસ્તે આ પેઢી દ્વારા મિઠાઈની દુકાન શરૂ કરવામાં આવી હતી. તે વખતે સુરતી સરસિયા ખાજા ભાગળ ખાંડવાળા શેરીના નાકે આવેલી ઉંચા ઓટલાની દુકાને વેચાતા હતા. 1995માં સુરત મહાનગર પાલિકાના તત્કાલીન મ્યુ. કમિશ્નર એસ.આર.રાવ દ્વારા રાજમાર્ગનું ડિમોલિશન કરવામાં આવતા મિઠાઈની દુકાન સંપૂર્ણ કપાઈ જતા ખાંડવાળાની શેરીમાં આવેલી દુકાનમાં જ ખાજા, મિઠાઈ અને ફરસાણનું વેચાણ શરૂ થયું હતું તેની સાથે ભાગળ દુકાળપોળ વેજીટેબલ માર્કેટ પાસે આવેલા ગોડાઉન સાથે બીજી દુકાન શરૂ કરવામાં આવી હતી.

સિઝનલ વેચાણ થકી સુરતીઓને ઘણી વેરાયટી આપી રહ્યા છે : મુકુંદભાઈ સુખડિયા
પેઢીના સંચાલકો પૈકીના એક સંચાલક મુકુંદભાઈ સુખડિયા કહે છે કે ત્રીજી અને ચોથી પેઢીના સંચાલકોએ ઉદ્યોગનો સમય પારખી લઈ માત્ર ખાજા કે મિઠાઈનું વેચાણ જુની ઢબથી કરવાને બદલે ઘણાં ઈનોવેટિવ આઈડીયા સાથે નવી વેરાઈટીઓ ઉમેરી સિઝનલ પેકેટ મિઠાઈ અને ફરસાણના તૈયાર કર્યા હતા. ઉત્તરાયણ સ્પેશ્યલમાં સુરતી ઉંધીયું, જૈન ઉંધીયું, ચંદી પડવા સ્પેશ્યલમાં શુધ્ધ ધીની ઘારી, માવા ઘારી, પીસ્તા ઘારી, કેસર-બદામ-પીસ્તા ઘારી, રક્ષાબંધન સ્પેશ્યલમાં કાજુ કતરી, કેસર કતરી, રબડી જેવી મિઠાઈઓ, ગણેશ ઉત્સવ સ્પેશ્યલમાં વિવિધ પ્રકારના મોદક, ઘઉં, રવા, બેસન, મોતીચુર અને કણીના લાડુ વગેરેના પેકેટ તૈયાર કરાયાં. હોળી માટે રવા મેંદાની પુરી, શ્રીખંડ અને મઠો, રેઈની સિઝન માટે સુરતી સરસિયા ખાજા , ઘેવર, સુતરફેણી, મેંગો ખાજા, મીઠા ખાજા અને મોળા ખાજા. દિવાળીના પર્વમાં તમામ પ્રકારની શુધ્ધ ઘીની મિઠાઈઓ, શ્રાદ્ધ નિમિત્તે માલપુડા, દૂધપાક, ઘારી અને મગજનું પેકેજ તૈયાર કરાયું. દશેરા સ્પેશ્યલમાં ફાફડા અને શુધ્ધ ઘીની જલેબીનું વેચાણ થાય છે.

55 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે ઘર બેઠા ફ્રી ભોજનની સુવિધા
ગૌરાંગ સુખડિયા કહે છે કે મારા પિતાજી રજનીકાંત સુખડિયાનું અકસ્માતમાં નિધન થતાં 2016માં તેમની યાદમાં સાંઈ રોટી ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજને પાછું આપવાની દૃિષ્ટથી સુરતમાં 55 કે તેથી વધુ વયનાં એવા નિરાધાર વૃદ્ધો કે જેમને સંતાનો સાચવવા માંગતા નથી અથવા તો બે પૈકી એકનું નિધન થતાં એકલવાયા થયેલા કે અસહાય વૃદ્ધો માટે ઘર બેઠાં આ ટ્રસ્ટ સેવા કરે છે. કોરોના કાળમાં 1200 વૃધ્ધો માટે ટિફિન સેવા રોજેરોજ ચાલી હતી.

24 કેરેટ ગોલ્ડના વરખમાંથી ગોલ્ડન ઘારી બનાવવાની રેસિપીની શોધ
પેઢીના સંચાલકો પૈકીના એક સંચાલક હિમાંશુ સુખડિયા કહે છે કે 24 કેરેટ ગોલ્ડનાં વરખમાંથી ગોલ્ડન ઘારી બનાવવાની રેસિપી એસ મોતીરામ પેઢીએ શોધી હતી. સુરતની સૌથી મોંઘી અને કિંમતી તથા ટેસ્ટફુલ ઘારી દિવાળીના પર્વ દરમિયાન ડ્રાયફુટ સાથે વેચવાની પરંપરા અમે શરૂ કરી હતી જેની કોપી પાછળથી અન્યોએ પણ કરી હતી. દાદા શાહ મોતીરામ દ્વારા ખાજાની સાથે તે જમાનામાં મોહનથાળ , અમ્રત પાક, મૈસુર, ખાજલી, બુંદીના લાડુ, ઘેવર અને સુતરફેણી વેચાણ કરવામાં આવતું હતું. મોળા ખાજા, મેંગો ખાજા અને મીઠા ખાજાની રેસિપી પાછળથી આવી હતી. જો કે લિંબુ-મરીના તીંખા ખાજા દાદા મોતીરામનું ઈન્વેન્શન હતું. ઓનલાઈન ઓર્ડરથી દેશભરમાં ખાજા, ફરસાણ, મિઠાઈ, ફ્રોઝન ફુડ કુરિયરથી મોકલવામાં આવે છે.

ડોકટરો અને કોર્પોરેટ સેકટરમાં અધિકારીઓને ચોમાસામાં ગિફટ તરીકે ખાજા અપાય છે
હિમાંશુ સુખડિયા કહે છે કે કેરી ગાળા અને ચોમાસાની સિઝનમાં દવા કંપનીઓના MR, ડોકટરોને લિંબુ-મરીના મસાલા ખાજા અને મેંગો ખાજાના બોક્સ ગિફટમાં આપે છે. તેવી જ રીતે કોર્પોરેટ સેકટરના અધિકારીને પણ ગીફટ તરીકે ચાર ફલેવરના ખાજા અને કેરીનો રસ ભેંટ આપવામાં આવે છે. અમારી પેઢી ક્વોલિટીમાં કોઈ કાેમ્પ્રોમાઈસ કરતી નથી પછી ભલે સિંગતેલના ભાવ બમણાં થઈ જાય. અમારી પેઢીમાં ત્રણ થી ચાર જનરેશનના કારીગરો કામ કરે છે. સીઝનમાં નવસારી અને ચીખલીથી કારીગરો કામ કરવા આવે છે. 2018માં સર્પોટીંગ મિશન ફુડ ઓફ ઈન્ડિયાનો પ્રતિષ્ઠિત ખાદ્ય-ખોરાક એવોર્ડ પણ અમારી પેઢીને મળી ચુક્યો છે. કેનેડા અને અમેરિકા ઈમ્પોર્ટર 15 ટન કન્ટેનરમાં માલ મંગાવે છે. ત્યાંના સ્ટોર અને મોલમાં પણ અમારી આઈટમો વેચાય છે એમ ગૌરાંગ સુખડિયાએ જણાવ્યું હતું.

ખાજા, ફરસાણ અને મિઠાઈ USA, કેનેડા, UAE અને હવે રશિયા પહોંચશે : ગૌરાંગ સુખડિયા
પેઢીના સંચાલકો પૈકીના એક સંચાલક ગૌરાંગ સુખડિયા કહે છે કે છેલ્લાં દોઢેક વર્ષથી અમારી પેઢી વિદેશમાં ભણવા જતાં ગુજરાતીઓ માટે ડ્રાઈ સ્નેક્સ, ફ્રાેઝન ફુડ સાથે સરસિયા ખાજા અને મિઠાઈનું વેચાણ પણ વિદેશમાં કરે છે. અમારી વાનગીઓ હવે રશિયા સુધી પહોંચશે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 12 થી 15 મે દરમિયાન રશિયાના મોસ્કોમાં બાયર-સેલર મીટ રાખવામાં આવી છે. તેમાં અમારી પેઢી વતી ભાગ લઈશું. TPCI દ્વારા જે યાદી મળી છે તે મુજબ સુરતી ઉધીયું, ચાર પ્રકારના ખાજા, બિસ્કીટ, શ્રીખંડ, ડ્રાય ફાફડા, ચાર પ્રકારની પાપડી, ભાખરવડી, કચોરી અને નમકીનની આઈટમ મળી ફ્રોઝન ફુડની 80 આઈટમના સેમ્પલ રજુ કરવામાં આવશે. ડ્રાય આઈટમ મોડીફાઈડ, એટમોસફીઈર પેકેજીંગ એટલેકે MAP ટેકનોલોજીથી પેકીંગ કરવામાં આવે છે. જ્યારે ફોઝન નાઈટ્રોજન પેકીંગથી પેક કરવાથી ફુડની તાજગી ત્રણ ગણી વધે છે.

કેરી ગાળામાં સુરતી જમાઈઓ માટે રસ સાથે ખાજાનું કોમ્બો પેકેજ: હિંમાંશુ સુખડિયા
પેઢીના સંચાલકો પૈકીના એક સંચાલક હિમાંશુ સુખડિયા કહે છે કે સુરતીઓમાં વર્ષાેથી કેરી ગાળાની સિઝનમાં જમાઈ દિકરીને તેડાવી કેરીના રસ સાથે સુરતી સરસિયા ખાજા ખવડાવવાની પ્રથા ચાલતી આવી છે તેનું સ્થાન હવે કેરીના રસ, ઘેવર, સુતરફેણી અને મોળા-મિઠા અને તીખા તમતમતા સરસિયા ખાજાએ લીધુ છે. પેઢી દ્વારા આ તમામ વસ્તુઓ એકજ જગ્યાએથી મળે તે માટે સ્પેશ્યલ પેકેજ તૈયાર કરવામાં આવે છે. કાળા મરી અને સફેદ મરી સાથે બનતા મસાલા ખાજા, મેંગો ખાજા, સાદા ખાજા, મીઠા ખાજાની સૌથી વધુ ડિમાંડ ચોમાસાની સિઝનમાં રહે છે. ચોમાસામાં ખાજાની ખરીદી માટે લાંબી કતાર લાગે છે. મોતીરામ દાદાએ કાળા મરીનાં તીખા તમતમતા ખાજાની શરૂઆત ચોમાસામાં કેરીના રસના કોમ્બીનેશનમાં શરૂ કરી હતી. આ ખાજાઓ લગ્નસરા, પાર્ટી અને ઈવેન્ટના કાર્યક્રમોમાં આવશ્યક વસ્તુ બની છે.

Most Popular

To Top