સુરતના સરોલી પોલીસ મથકના પોલીસ કર્મીની સમયસૂચકતાના લીધે એક યુવતીનો જીવ બચી ગયો છે. એમ્બ્યુલન્સ અને પોલીસ વેન નહીં જઈ શકે તેવી જગ્યા પર જઈ પોલીકર્મીએ યુવતીને પોતાના ખભે ઊંચકી, કાદવમાં ચાલી, હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે તા. 15 એપ્રિલની સાંજે 5.30 કલાકે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઈમરજન્સી મેસેજ ફરતો થયો હતો કે સરોલી વિસ્તારમાં આવેલા પૂજન પ્લાઝા સામે વિત્રાગ લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી છે. મેસેજ મળતા જ પીસીઆર વાન 66ના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વર્દાજી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જોકે, યુવતીએ ખેતરમાં એક રૂમમાં ઝેર પી લીધું હતું. ખેતરમાં કોઈ વાહન જઈ શકે તેવો રસ્તો નહોતો. જમીન પર ભારે કાદવ હતો. તેથી કોન્સ્ટેબલ અજમલભાઈએ પીસીઆર વાન રોડ પર જ મુકી ખેતરમાં દોટ મુકી હતી. ઝૂંપડી જેવી ઓરડીમાં યુવતી પડી હતી. તે અર્ધબેભાન અવસ્થામાં હતી.
તાત્કાલિક અજમલભાઈએ યુવતીને ખભે ઉપાડી લીધી હતી અને રોડ તરફ ચાલવા લાગ્યા હતા. યુવતી બેભાન ન થઈ જાય તે માટે તેની સાથે વાત કરતા રહ્યાં હતાં. ખેતરનો ગેટ બંધ હોય દીવાલ ચડી યુવતી સાથે બહાર આવ્યા હતા. ત્યાર બાદ પીસીઆર વાનમાં સુવડાવી તેણીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ્બ્યુલન્સમાં યુવતીને સ્મીમેરમાં ખસેડાઈ હતી. સમયસર સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો હતો.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર (સેક્ટર 01), ડી.સી.પી. ઝોન-01 તથા એ.સી.પી. “બી” ડિવિઝન તરફથી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈની કામગીરીને વખાણવામાં આવી. ત્યાર બાદ પોલીસ અને “સી ટીમ” દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, જેથી તે આવું પગલું ફરી ક્યારેય ન ભરે.
