સુરત: અંડર ગ્રાઉન્ડ (Under Ground) પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પાછળ 45 કરોડનો ખર્ચ છતાં સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયાની સમસ્યા યથાવત રહેતાં સાંસદ સી.આર.પાટીલ અને ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ સાથે સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના શાસકોના પ્રયાસે જીઆઇડીસી વિસ્તારના ડાયમંડ પાર્ક ખાતે 1 ઓક્ટોબર ને શનિવારે સવારે 8 વાગ્યે રાજ્યના નાણાં અને ઊર્જા રાજ્યમંત્રી કનુ દેસાઈ અને સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે.
અહીં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન 66 કેવીનું નવું સબસ્ટેશન ઊભું કરશે. સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સાંસદ સી.આર.પાટીલ, ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય ઝંખના પટેલના સંયુક્ત પ્રયાસોને પગલે ઘણાં વર્ષો પછી જીઆઈડીસીમાં 66 કેવીનું નવું સબ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના અધિક્ષક ઈજનેર એ.એ.દેસાઈ ઉપસ્થિત રહેશે.
લાંબા સમયથી ઉદ્યોગો અણધાર્યા વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોડ શેડિંગના નામે જેટકો દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના વારંવાર વીજ પુરવઠો બંધ કરવાથી સચિન વસાહતનાં ઔદ્યોગિક એકમો બેથી ત્રણ કલાક સુધી બંધ રહે છે. એનાથી ઉદ્યોગોને દિવાળીની સિઝન પૂર્વે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે સચિન ઇન્ડ.સોસાયટીએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના એમડીને રજૂઆત કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો), સચિન વસાહત ખાતે આવેલી DGVCLની સચિન સબ ડિવિઝન કચેરી-1ના કાર્યક્ષેત્રમાં 66 કે.વી.નાં કુલ 5 સબસ્ટેશન આવેલાં છે, જેમાં હાલ 70 જેટલાં ફીડર છે. તથા કુલ 318 જેટલાં એચ.ટી. કનેક્શન અને 6600 જેટલાં એલ.ટી. કનેક્શન છે. જેના થકી સરકારને પ્રતિ માસ 120 કરોડની રેવન્યુ મળી રહી છે.
ઉદ્યોગોને જેટકો, DGVCL તરફથી જે ક્વોલિટી પાવર રેગ્યુલર રીતે મળવો જોઈએ તે મળી રહ્યો નથી. સચિન જીઆઇડીસીમાં હયાત 11 કે.વી. ઓવર હેડ H.T./L.T ઈલેક્ટ્રિક નેટવર્કને DGVCL દ્વારા 8 માસ પહેલાં જ 45 કરોડના જંગી ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં રૂપાંતરીત કરવામાં આવ્યું હતું. છતાં પાવર સપ્લાયની સમસ્યા વધી છે. વિશેષ કરીને જેટકો દ્વારા લોડ શેડિંગના કામે અચાનક અવારનવાર બેથી ત્રણ કલાક સુધી પાવર બંધ કરી દેવાથી ઉદ્યોગોને પારાવાર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.