સુરત: (Surat) રાજ્યમાં અવિરત બેરોકટોક ચાલતા ઝેરી કેમિકલ્સના (Toxic chemicals) ટેન્કર નિકાલ કૌભાંડને (Scam) લીધે સચિન જીઆઈડીસી (GIDC) ખાતે 6 કામદારોના (Workers) મોત અને 23 કામદારો અસરગ્રસ્ત બનવાના મામલામાં કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસપંચ નિયુકત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. પોલીસ (Police) 25 હજારથી લાખ રૂપિયા લઈ ટેન્કર (Tanker) ઠાલવવાની સગવડ કરી આપતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
- કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટની કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ
- સચિન જીઆઇડીસી ગેસકાંડ : કામદારોના મોત અને 23 અસરગ્રસ્તો મામલે તપાસપંચ નિયુક્ત કરવા કલેકટરને રજુઆત
- કાયદેસર નિકાલ માટે લગભગ ૨-૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે જ્યારે પોલીસ 25 હજારથી લાખ રૂપિયા લઈ ટેન્કર ઠાલવવાની સગવડ કરી આપતી હોવાના આક્ષેપ
આવેદનપત્રમાં જણાવાયું છે કે કડક પગલાં લેવામાં નહીં આવતા આ પ્રકારની ઘટનાઓ અને ગેર કાયદેસર પ્રવૃત્તિ વધી રહી છે. જીપીસીબી એક બોર્ડ ઠરાવ પણ આ બાબતે કરતું નથી અને બેફિકર રીતે આ કૌભાંડ ચાલવા દેવામાં આવે છે. એકના એક જ માણસો વારંવાર આવા બેફામ ધંધાઓ કરે છે. 14થી 180 રૂપિયે લિટર આ કેમિકલનો નિકાલનો ભાવ હોય છે અને ટેન્કરમાં 20 ટનની ક્ષમતા હોય છે. ટેન્કર જીએસટી બિલ સાથે બિલ વગર ભૂતિયા કંપનીઓ કે પેઢીઓને વેચાય છે અને પછી તેને જાહેરમાં છોડી દેવાય છે. જેના કાયદેસર નિકાલ માટે લગભગ ૨-૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે. પોલીસ 25 હજારથી લાખ રૂપિયા લઈ આવી સગવડો કરી આપે છે. આવો જ એક કેસ કે સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં બનેલો હતો. જેમાં ૨ લોકો મૃત્યુ પામ્યા હતા. તે કેસના એનજીટી વેસ્ટ ઝોનના ચુકાદા પાલનમાં રાજ્ય સરકારે કે મુખ્ય સચિવે કશુ કર્યુ નથી.
સચિન જીઆઈડીસીમાં છેક મુંબઈ, વાપી, પાનોલી, ઝગડિયા, દહેજથી લોકો ટેન્કર ઠાલવવા આવતા હતા!. અને અમુક પકડાયેલા પણ છે. તેમ છતાં પોલીસ વિભાગે કોઈ કાર્યવાહી આવા ટેન્કરોને અટકાવવા કરી નથી. આ કૌભાંડમાં જીઆઇડીસીના અને જીપીસીબીના લાંચિયા અધિકારીઓ કર્મચારીઓ પણ સામેલ છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.