સુરત: (Surat) સચિન જીઆઇડીસી નજીક ઉન ખાડીમાં ઝેરી કેમિકલ (Toxic Chemical) ઠાલવવાના ગેસકાંડમાં 6 નિર્દોષ મજૂરોના મોત બાદ જીપીસીબીના અધિકારીઓ પોતાની ચામડી બચાવવા જીઆઇડીસીના ઉદ્યોગકારો પર ખોટા કેસો કરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઉન ખાડીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવવાના કૌભાંડમાં અને ગેસકાંડમાં સચિન જીઆઇડીસીની સહજાનંદ કલર યાર્ન કંપનીના માલિક વિજય ધીરજભાઈ ડોબરીયાની કોઈ સીધી ભૂમિકા ન હોવા છતાં જીપીસીબીએ તેમની કંપનીની ટેન્કમાંથી નમૂના લઈ ગેસકાંડને સાંકળતી સીધી પોલીસ ફરિયાદ કરતાં જીઆઇડીસીના (GIDC) માજી પ્રમુખ બિપિન રામાણી, જગદીશ રામાણી, નિલેશ ગામી, માજી સેક્રેટરીમયુર ગોળવાલા, ઈન્ડસ્ટ્રીલ સોસાયટીના વર્તમાન ડિરેક્ટરો મોહન બારી, મિતુલ મહેતા સહિતના 200 ઉદ્યોગકારોએ ભેગા મળી જીપીસીબી અને પોલીસની સદોષ માનવ વધનો ગુનો નોંધવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.
ઉદ્યોગકારોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફેર તપાસની માગ કરી
આ મામલે ઉદ્યોગકારોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફેર તપાસની માગ કરી છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ડોબરીયાની કંપનીમાંથી પ્રદૂષિત પાણી ઉન ખાડીમાં છોડવામાં આવ્યું નહીં હોવા છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ તેમની કંપનીના કલેકશન ચેમ્બરમાંથી નમુનાઓ મેળવીને પોલીસમાં ખોટી રીતે આ મામલાને સાંકળતી ફરિયાદ કરી છે. સહજાનંદ કલર યાર્ન દ્વારા પાણીના નિકાલ માટે સરકારી ગાઈડલાઈન મુજબ સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટની સાથે કરાર કર્યો છે. કરાર પ્રમાણે પ્રદૂષિત પાણીના નિકાલ માટે બે ચેમ્બરો મેળવી છે. એક ચેમ્બર દીઠ 70,000 લિટર એમ બે ચેમ્બર પ્રમાણે કુલ 1.40 લાખ લિટર પ્રદૂષિત પાણીના નિકાલ પરવાનગી મેળવી છે તેની સામે 1 લાખ લિટર પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. જેના માટે સચિન ઈન્ફા એન્વાયરોમેન્ટને 75 લાખ રૂપિયાની ડિપોઝીટ અને દર મહિને ચાર્જ ચુકવવામાં આવે છે. ઘટના સ્થળથી આ કંપની દોઢ કિલોમીટર દૂર આવી છે છતાં તેને ગેસકાંડમાં આરોપી બનાવી દેવાઈ છે. જીઆઇડીસીમાં બીજી કંપનીના માલિકની ધરપકડ થતાં ઉદ્યોગકારો સાંસદ સીઆર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે.
કેમિકલ કાંડમાં જીપીસીબી તથા પોલીસના અધિકારીઓ સામે પગલા ભરાશે : જીતુ વાઘાણી
સુરત : સુરતમાં બનેલા કેમિકલ કાંડ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘાણીએ જણાવ્યુ હતું કે સુરતમાં બનેલી ઝેરી કેમિકલની દુર્ઘટના બાબતે મુખ્યમંત્રીએ GPCB અને પોલીસના આ ઘટનામાં સંકળાયેલા સબંધિત અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની તેમજ ઔદ્યોગિક શહેરોમાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થાય અને આ પ્રકારની ઘટના પુનઃ ન બને તેવી પણ સંબંધિતોને કડક તાકીદ કરી છે.
આ ઉપરાંત ઊર્જા વિભાગના ભરતી કૌભાંડ અંગે પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે, ઊર્જા વિભાગ હેઠળના GUVNL હસ્તકની જેટકો કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલી ઇજનેરોની પરીક્ષા સંદર્ભે ગેરરીતિના જે આક્ષેપો થયા છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ GUVNLના MDના અધ્યક્ષસ્થાને કમિટિ રચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યા બાદ તેમાં સંડોવાયેલા તમામ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.