સુરત: સચિન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત (Surat) સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ) માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) અને ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) સુરત યુનિટે આજે સંયુક્ત સર્ચ ઓપરેશન કરી પ્રાથમિક તબક્કે 1000 કરોડનું હવાલા કૌભાંડ (SCAM) ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં સુરત સેઝની ત્રણ કંપનીઓમાં સવારથી સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. સુરત સેઝની સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને RHC ગ્લોબલ એક્સપોર્ટ લિમિટેડમાં સર્ચ દરમિયાન 10 કરોડની કિંમતના હીરા અને સોનું, 25 લાખની રોકડ જપ્ત કરાઈ છે.
ઇડી અને ડીઆરઆઇનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નેચરલ રૂબી સ્ટોનના નામે કૃત્રિમ રૂબીનાં પેન્ડન્ટ વિદેશ મોકલી ઓવર વેલ્યુએશન થકી 1000 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત મળી છે. નેચરલ રુબી ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરી વેલ્યુ એડિશનના નામે સિન્થેટિક રુબી સેઝમાં લાવી એને નેચરલ રુબી વેલ્યુએશન વર્ક તરીકે બીલિંગમાં અનેક ગણું દર્શાવી મોટું હવાલા કૌભાંડ કરવામાં આવ્યું છે. અંદાજે રૂપિયા એક હજાર કરોડના હવાલા કાંડમાં ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડીએ સર્ચ દરમિયાન રોકડ અને જ્વેલરી પણ સિઝ કરી છે.
ઇડી,ડીઆરઆઈ સાથે રાતે સ્ટેટ જીએસટીની ટીમ પણ તપાસમાં જોડાઈ
આજે ઇડીની તપાસ બાદ ડીઆરઆઇ સુરત યુનિટ પણ તપાસ કરી હતી અને રાતે સ્ટેટ જીએસટીની ટીમને પણ સર્ચમાં સામેલ કરવામાં આવી છે. સેઝમાં સિન્થેટિક રુબી સ્ટોન કઈ રીતે આવ્યાં કોણે સેઝ બહાર બિલ બનાવ્યાં, બિલ બોગસ હોવાની આશંકાને પગલે SGST વિભાગને તપાસમાં જોડવામાં આવી છે. નેચરલ રુબી સ્ટોન અને તેની પ્રોડક્ટને બદલે હલકી કક્ષાના સ્ટોન વિદેશ મોકલી તેની આડમાં હવાલા મારફત રૂપિયા મોકલાતા હતા. દિલ્હી ઇડીનાં અધિકારીઓ પણ ઇનપુટનાં આધારે તપાસમાં જોડાયા આ કૌભાંડમાં પડદા પાછળ સુરત અને મુંબઇના મોટા હવાલા કિંગ સામેલ હોવાની ઇડી અને ડીઆરઆઈને શંકા છે. ત્રણેય કંપનીઓનો માલિક વૈભવ શાહ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
સુરત,અમદાવાદ,મુંબઈના 14 સ્થળો પર ઇડીનું સર્ચ,મુખ્ય ભેજાબાજ સુરતનો વૈભવ શાહ
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડીની ટીમ ગુજરાતમાં સુરત,અમદાવાદ અને મુંબઈમાં તપાસ કરી રહી છે. આ ઓવરવેલ્યુએશન અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડ અને RHC ગ્લોબલ એક્સપોર્ટનો ડિરેક્ટર વૈભવ દિપક શાહ નામનો ઉદ્યોગકાર છે. ઇડી સુરત,અમદાવાદ અને મુંબઇ મળી કંપનીના 14 અલગ અલગ સ્થળોએ તપાસ કરી રહી છે. EDનું સર્ચ વૈભવ શાહ તેના સહયોગીઓને પણ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં કેટલાક ચીનના વતની વેપારીઓ પણ સામેલ છે. અમદાવાદ, સુરત અને મુંબઈમાં પણ સર્ચ ચાલું પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડમાં સર્ચ ચાલી રહ્યું છે. કંપનીની ઓફિસ તેમજ અન્ય સ્થળોએ મળીને 14 અલગ અલગ સ્થળોએ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કાગળ પર હોંગકોંગથી નેચરલ પ્રિસિયસ સ્ટોનનો ઇમ્પોર્ટ બતાવી સિન્થેટિક સ્ટોન મંગાવાતુ.
ઈડીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સુરત સેઝમાં આવેલી કંપનીઓ સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને આર.એચ.સી.ગ્લોબલમાં પહેલાં ઇડીએ તપાસ કરી હતી અને પછી ડીઆરઆઇએ આરોપીઓની પૂછપરછ કરી હતી. આ કેસમાં હોંગકોંગથી નેચરલ પ્રિસિયસ સ્ટોનનો ઇમ્પોર્ટ કાગળ પર દર્શાવવામાં આવતો હતો પણ હકીકતમાં હલકી ગુણવત્તાના સિન્થેટિક સ્ટોન જ ઇમ્પોર્ટ થતાં હતાં. ડોક્યુમેન્ટમાં અસલ રુબી સ્ટોન કે પ્રિસિયસ સ્ટોન દર્શાવવામાં આવતું હતું પણ ખરેખર કૃત્રિમ સિન્થેટિક સ્ટોન મંગાવવામાં આવતાં હતાં. એમાં વેલ્યુએડિશનનાં નામે પેન્ડન્ટ બનાવી અને વધુ કિંમત લગાવી તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. કાગળ પર ઓરિજિનલ રૂબી હોય તેની કિંમત સિન્થેટિક કરતા અનેક ગણી વધારે હોય છે. ઇમ્પોર્ટ માલનું પેમેન્ટ હોંગકોંગ કરી દેવામાં આવતું હતું. બાદમાં જે રૂબી સ્ટોનનું પેન્ડન્ટ બનાવી તેને વિદેશમાં મોકલાતું હતું.
બધો ખેલ હવાલાનો, વૈભવ શાહ સહિત 3 ની ઇડીએ ધરપકડ કરી
સુરત સેઝમાં બેસીને વૈભવ દિપક શાહ અને એના માળતીયાઓ ઘણા સમયથી હવાલાનો ખેલ ઓપરેટ કરતાં હતાં વિદેશ કોઇએ રૂપિયા મોકલવા હોય તો આ ધંધાનો સહારો લેતા હતા. સિન્થેટિક રૂબીની આયાત કરાતી હતી પરંતુ પેમેન્ટ તો ઓરિજિનલ રૂબીનું બતાવાતું હતું. એટલે જેમણે વિદેશ રૂપિયા મોકલવા હોય તેનું પેમેન્ટ અસલ રૂબીના પેંડેન્ટના નામે વિદેશ મોકલી દેવામાં આવતું હતું. આ મામલામાં ઇડીએ સાંજે વૈભવ શાહ સહિત 3ની ઇડીએ ધરપકડ કરી હતી. આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડમાં રડારમાં આવી હતી.
1000 કરોડનો સ્ટોક રેકોર્ડ મળ્યો,ચીની ઓપરેટર પણ હવાલામાં સામેલ
ઈડીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે,આ કૌભાંડમાં 1000 કરોડનો સ્ટોક રેકોર્ડ મળ્યો, ચીની ઓપરેટર પણ હવાલામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચાઈનીઝ કન્ટ્રોલ મની લોન્ડરિંગ એપ અને પાવર બેન્ક મોબાઈલ એપની તપાસ ચાલતી હતી એમાં ઇડીએ આ કૌભાંડ પકડી પાડ્યું છે.