સુરત: (Surat) યોગમાં (Yoga) પોતાના યોગદાન બદલ ગુજરાતમાં રબર ગર્લ (Rubber Girl) તરીકે જાણીતી સુરતના અડાજણની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થિની અન્વી વિજય ઝાંઝરુકિયાને 14 વર્ષની નાની વયે જ યોગાસનોમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરન્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી તા.1થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે સુરતની રબરગર્લ અન્વી ઝાંઝરુકિયાને દબદબાભેર નેશનલ એવોર્ડ (National Award) આપીને સન્માનિત કરવામાં આવશે. અન્વીએ યોગને પોતાનો જીવનમંત્ર બનાવીને યોગમાં નેશનલ ચેમ્પિયન સુધીની સફર 14 વર્ષની નાની ઉંમરે ખેડી છે.
આ અંગે વધુ માહિતી આપતા સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાના ટ્રસ્ટી પરેશભાઇ પટેલ અને વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે, અન્વી ઝાંઝરુકિયા જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાય રહી છે, જેનો વિશ્વમાં કોઇ ઇલાજ આજની તારીખે ઉપલબ્ધ નથી. આમ છતાં પણ અન્વીએ યોગને પોતાનો જીવનમંત્ર બનાવીને યોગમાં નેશનલ ચેમ્પિયન સુધીની સફર 14 વર્ષની નાની ઉંમરે ખેડી લીધી છે. મંગળવારે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પારન્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર થયેલા જુદા જુદા નેશનલ ડિસેબલ એવોર્ડ અંતર્ગત સુરતના નરથાણ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની વિદ્યાર્થિની અન્વી વિજય ઝાંઝરુકિયાને નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરતાં જ સમગ્ર શાળા પરિવાર તેમજ ઝાંઝરુકિયા પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા. દર વર્ષે તા.3જી ડિસેમ્બરે રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને યોજાતા નેશનલ ડિસેબલ એવોર્ડ સેરેમનીમાં અન્વી ઝાંઝરુકિયાને ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબલિટી કેટેગરીમાં નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
નોર્મલ બાળકો સામે સ્પર્ધા રમીને પણ ચેમ્પિયન થાય છે: દિવ્યાંગ અન્વી
સુરતની રબરગર્લ તરીકે જાણીતી સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની વિદ્યાર્થિની અન્વી વિજય ઝાંઝરુકિયા અંગે સ્કૂલના ટ્રસ્ટી પરેશ પટેલ જણાવે છે કે, યોગમાં આ દીકરી એટલી આગળ નીકળી ગઇ છે કે દિવ્યાંગ હોવા છતાં અન્વી નોર્મલ બાળકો સાથેની સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનીને આવે છે. પોતાની અનેક શારીરિક અને માનસિક બીમારીઓની જરાય પરવા કર્યા વગર અન્વી ઝાંઝરુકિયા યોગનું પ્રશિક્ષણ મેળવી દિનપ્રતિદિન તેમાં પારંગતતા કેળવી રહી છે. અન્વીને યોગનું પ્રશિક્ષણ સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં જ મળે છે અને તેને નમ્રતા વર્મા કોચિંગ આપી રહ્યાં છે.