સુરત: (Surat) સુરતમાં લૂંટારું (Robbers) ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ રાતના અંધારામાં લોકો પર તીક્ષ્ણ હથિયાર અથવા ચપ્પુથી હુમલો કરીને લૂંટ ચલાવી રહી છે. દિવાળી નજીક છે ત્યારે હુમલા અને લૂંટની ઘટનાઓ વધતા પોલીસ ચિંતિત બની છે ત્યારે રવિવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં સુરતના ખટોદરાના ખાડી બ્રિજ પર 3 બાઈક પર આવેલા 6 ઈસમોએ બે અલગ અલગ ઠેકાણે કુલ 5 યુવાનો પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચેતન મરાઠે (ઉં.વ. 22, રહે. ગાંધીકુટીર સોસાયટી, હરીનગર-03, ઉધના) અવધ ટેક્સટાઈલ માર્કેટ માં આવેલી ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. ચેતન મરાઠે તેના મિત્રો અજય મહાજન, આયુષ સિંઘ, હિતેશ ગુપ્તા અને સૂર્યકાંત સાહુ રવિવારે તા. 16 ઓક્ટોબરની રાતે મગદલ્લા ખાતે જમવા ગયા હતા અને 10.30 કલાકે પરત ફરતા હતા ત્યારે રાયકા સર્કલ પાસે આશાપુરા જનરલ સ્ટોર પર ઉભા રહી પાણીની બોટલો ખરીદી હતી અને ત્યાંથી ખાડી બ્રિજ પાસે પેશાબ કરવા ઉભા રહ્યાં હતાં ત્યારે ત્યાં 3 બાઈક પર 6 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને ચેતન મરાઠે તથા તેના મિત્રો સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
6 પૈકી એક ઈસમે બાઈક પરથી ઉતરી પોતાની કમરનાભાગેથી છરી કાઢી ચેતન મરાઠેના મિત્ર અજય મહાજનના ગરદન, હાથ તથા પેશાબના ભાગે ઘા માર્યા હતા. અન્ય 5 ઈસમોએ ચેતન મરાઠે તથા તેના અન્ય મિત્રો પર હુમલો કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. 6 ઈસમોએ માર માર્યા બાદ જે કંઈ હોય તે આપી દેવા ધમકી આપી હતી અને 3000 રોકડા, મોબાઈલ મળી 18 હજારનો મુદ્દામાલ લૂંટી ભાગી ગયા હતા.
ચેતન મરાઠે તથા અન્ય મિત્રો ઈજાગ્રસ્ત અજય મહાજનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે ત્યાં છીલુ ક્રિષ્ણા પ્રધાન (ઉં.વ. 19) પણ સારવાર માટે આવ્યા હતા. છીલુને બમરોલી બ્રીજની ખાડી પાસે ત્રણ બાઈક પર આવેલા 6 અજાણ્યાઓએ લૂંટ્યો હતો. તે લારી પરથી ધંધો કરી પરત જતો હતો ત્યારે સાથળના ભાગે છરીનો ઘા મારી રોકડા 5000 લૂંટી લીધા હતા. ખટોદરા પોલીસ મથકના વિસ્તારમાં અજાણ્યા લૂંટારાઓની ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી મળતા પોલીસ ચોંકી ગઈ છે અને આ હૂમલાખોર લૂંટારાઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.