સુરત (SURAT) : શહેરમાં દિવસેને દિવસે અકસ્માત (ACCIDENT)ના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતના કારણે સુરતીઓ જીવ ગુમાવે છે. અકસ્માત થયા બાદ રસ્તા પર લોકો એકબીજાને અપશબ્દો બોલતા તો મારા મારી કરતા જોવા મળે છે. કોઈ વખત BRTS ટ્રેક પરથી ઉતરી જાય છે તો કઈ વાર કોઈ કાર બીજી કાર પર ચડી જાય છે. આવા અકસ્માતથી સુરતીઓના જીવ ન જાય તે હેતુથી શહેરની એસવીએનાઈટી (SVNIT) કોલેજના ટ્રાન્સપોર્ટેશન એન્ડ પ્લાનિંગ સિવિલ એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટ અને સુરત પોલીસ (SURAT CITY POLICE) દ્વારા રોડ સેફ્ટી અભિયાન (ROAD SAFETY CAMPAIGN)ની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે કોલેજ દ્વારા શહેરમાં સૌથી વધારે એક્સિડન્ટ થતા હોય તેવા સ્પોટ શોધીને તે જગ્યા પર અકસ્માત શા માટે થાય છે તેની ચકાસણી કરવામાં આવશે.
એનાલિસિસ બાદ રોડને નવી ડિઝાઈન અપાશે.
સુરત શહેરના 15 સ્થળો કે જ્યાં સૌથી વધારે અકસ્માતો થાય છે આવા સ્થળો પર વિડીયોગ્રાફી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વિડીયોગ્રાફી કરવામાં આવે છે. આ વિડીયોમાં કાર, બસ, રીક્ષા અને અન્ય ગાડીઓ કયા કયા રસ્તા પરથી નીકળીને જાય છે તેનું એનાલિસિસ કરવામાં આવે છે. ત્યારબાદ આ રસ્તાની ઈન્ટરસેક્શન ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. જેમાં અકસ્માત ન થાય તે માટેની ડિઝાઈન બનાવીને અકસ્માતના જે-તે સ્થળ પર ફેરફાર કરવામાં આવશે.
એન્જીનિયરીંગ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ પર કામ કરશે.
પ્રોફેસર ડો. શ્રીનિવાસ અરકટકરે જણાવ્યું હતું કે અમે છેલ્લા ગણા સમયથી વિચારતા હતા કે અકસ્માત નિવારણ માટે શું કરી શકાય. મનમાં વિચાર આવ્યો કે શહેરમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં વારંવાર અકસ્માત થાય છે તેના પર એનાલિસિસ કરવું યોગ્ય રહેશે. અમે શહેરની પોલીસ કમિશનરની કચેરીમાંથી એક્સિડન્ટના ડેટા મેળવ્યા અને તેનું એનાલિસિસ કરીને કામ શરૂ કરવામાં આવ્યું.
એનાલિસિસ કરીને શહેરના 15 થી વધુ બ્લેક સ્પોટ એક્સિડેન્ટલ એરિયા શોધ્યા
SVNIT ના 40 એન્જીનિયરીંના વિદ્યાર્થીઓ, પીએચડીના 18 વિદ્યાર્થીઓ, 4 એન્જીનિયર, 3 પ્રોફેસર અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની મદદ લઈને રોડ સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા બે વર્ષના એક્સિડન્ટના ડેટા લઈને 40 વિદ્યાર્થીઓએ ડેટા એનાલિસિસ કર્યું હતું. જેમાંથી તેમણે શહેરના એવા 25 સ્થળો શોધ્યા હતા જ્યાં સૌથી વધુ અકસ્માત થયા છે. હવે તેનું એનાલિસિસ કરવામાં આવશે.
શહેરની આ જગ્યાઓ પર થાય છે સૌથી વધુ અકસ્માત
સરથાણા જકાતનાકા
પાંડેસરા જીઆઈડીસી
સિધ્ધાર્થનગર પાંડેસરા
સુરત નવસારી રોડ
ઓએનજીસી બ્રિજ
સચીન જીઆઈડીસી
એલ એન્ડ ટી કંપની ગેટ, હજીરા
જહાંગીરપુરા બ્રિજ, રાંદેર
ગોલ્ડન પોઈન્ટ, કામરેજ
શ્યાન રોડ, અમરોલી
ચિકુવાડી, વરાછા
અમરોલી ચાર રસ્તા
ઉધના બસ સ્ટેશન
ચાઈના ગેટ, સિટી લાઈટ
પિયુસ પોઈન્ટ, ઉધના