SURAT

તાપી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડબેંકની ટીમ ફરી સુરત આવશે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા સિંગણપોર વિયરથી ઓએનજીસી બ્રિજ સુધી (10 કી.મી.) અને સિંગણપોર વિયરથી કઠોર બ્રિજ સુધી (23 કી.મી.) આમ, અંદાજે કુલ 33 કિ.મી.ના વિસ્તારમાં તાપી નદીનાં (Tapi River) બન્ને કાંઠા પર રીવરફ્રન્ટ (Riverfront) પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સ્પેશયલ પર્પઝ વ્હીકલ (એસ.પી.વી) ની પણ રચના કરવામાં આવી છે. તેમજ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમ ફરી સુરતમાં આવશે. આ અંગે મનપા કમિશનરે જણાવ્યું હતું કે, આગામી 12 થી 15 જુલાઈ દરમિયાન વર્લ્ડબેંકની (World Bank) ટીમ સુરતમાં આવશે. તેમજ હાલમાં સુરત મનપા કમિશનર સહિત અધિકારીઓ હાલ, નેધરલેન્ડની મુલાકાતે ગયા હતા અને નેધરલેન્ડની ડેલ્ટારેસ કંપની સુરતમાં બરાજ અને રીવરફ્રન્ટના આયોજનમાં મદદ કરશે તેમ જાણવામાં આવ્યું છે.

  • તાપી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડબેંકની ટીમ ફરી સુરતમાં આવશે
  • નેધરલેન્ડની ડેલ્ટારેસ કંપની સુરતમાં બરાજ અને રીવરફ્રન્ટના આયોજનમાં મદદ કરશે

નેધરલેન્ડ-સ્પેન મુલાકાત બાદ સુરતમાં પણ વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પર ભાર મુકાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. વોટર ફ્રન્ટ ડેવલોપમેન્ટ એટલે કે નદી, ખાડી, તળાવ, કેનાલ અને સમુદ્રના કિનારાઓનો વિકાસ કરી બ્યુટિફિકેશન અને જળસ્ત્રોતની જાળવણીનો હેતુ સાર્થક કરવા પ્રયાસ કરાશે. જેના ભાગરૂપે નવા વર્ષમાં ડુમસ સી ફેસ ડેવલોપમેન્ટ, તાપી નદી પર કન્વેન્શલ બરાજ, 66 કિ.મી.નો રિવર ફ્રન્ટ, ખાડીનું ડ્રેજિંગ અને બ્યુટિફિકેશન, કેનાલ કોરિડોરનો વિકાસ કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.

કામરેજ ચાર રસ્તા ખાતે સુડાનું મેગા ડિમોલિશન
કામરેજ : સુરતના એન્ટ્રી ગેટ તરીકે કામરેજ ચાર રસ્તાથી સુરત આવતા રોડને આઇકોનિક બનાવવાનું આયોજન છે. ત્યારે કામરેજ ચાર રસ્તા પર દબાણોના ન્યૂસન્સને દૂર કરવા માટે બુધવારે સુડાનું તંત્ર દળ કટક સાથે ત્રાટક્યું હતું. તેમજ અહીં છેલ્લા ઘણા સમય દબાણ કરીને બેઠેલા દુકાનદારો, લારીગલ્લા, પતરાવાળી દુકાનો વગેરે દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયાં હતાં. જો કે, સાંજે વરસાદ આવી જતાં કામગીરી બંધ કરવી પડી હતી. સુડા દ્વારા એક જ દિવસમાં 50 દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.

સુરત શહેરના પ્રવેશદ્વાર ગણાતા કામરેજ ચાર રસ્તા પર ગેરકાયદે બાંધકામ, લારીગલ્લા તેમજ વિવિધ પ્રશ્નને લઈ અગાઉ કામરેજ નાગરિક સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવતાં સુડા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી પાછું બાંધકામ થઈ ગયું હતું. જેને લઈ કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધુ બની હતી. જેને લઈ સુરત કલેક્ટર દ્વારા એક અઠવાડિયા અગાઉ તમામ દબાણો દૂર કરવા આદેશ કરાયો હતો. કામરેજ તેમજ નવાગામ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનધારકો, પતરાં-કેબિનધારકો, લારીગલ્લાવાળા તમામને જગ્યા ખાલી કરી દેવા નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ જગ્યા ખાલી ન કરતાં આખરે બુધવારે સુરત સુડાના ડે.કલેક્ટર ઈન્દ્રબાલાએ પોતાની ટીમ સાથે કામરેજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરી હતી. સાથે ડીજીવીસીએલની ટીમ પણ જોતરાઈ હતી. ગેરકાયદે બાંધકામ જે.સી.બી. મશીનથી દૂર કરવામાં આવ્યું હતું. જેમાં નવાગામની હદમાં કામરેજ ચાર રસ્તાથી સુરત જતાં સર્વિસ રોડ પર આવેલા મયૂરનગર, તાલુકા પંચાયતની બહાર તેમજ ગોપાલનગરમાં કામગીરી સવારથી કરવામાં આવી હતી. જો કે, સાંજના 4 કલાકે ધમાકેદાર વરસાદ વરસતાં કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. સાંજ સુધીમાં ટીપી નં.40 નવાગામ ખાતે તાલુકા પંચાયતની બહાર દીવાલને અડીને આવેલી પતરા કેબિન 22 તેમજ પાકી દુકાન 1 તેમજ ખોલવડની ટીપી નં.49 કામરેજ ચાર રસ્તાની બંને બાજુ પરના લારી-ગલ્લાનાં 17 દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. જો કે, વરસાદને લઈ હવે ગુરુવારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top