સુરત: (Surat) સુરતના નાનપુરા વિસ્તારમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો (Throw Tones) થયો હતો. ઘટનાની જાણ થતા શહેરના 4 પોલીસ સ્ટેશનનો (Police Station) કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મામલો વધુ ન બિચકે તે માટે પોલીસે ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી દીધો હતો. નાનપુરાના ખલીફા મહોલ્લામાં બિલ્ડિંગ પર પતંગ ચગાવતી (Kite) વખતે કેટલાક લોકો દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ બાબતે રવિવારે સવારે સામાન્ય બબાલ થઈ હતી. પરંતુ મામલો બિચકતા રવિવારે બપોરે બન્ને જૂથો સામ સામે આવી ગયા હતા. બંને જૂથોના ટોળા ભેગા થઈ હતા. સામ સામે એકબીજા પર પથ્થરમારો કરાયો હતો. અઠવા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી લગભગ 10 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં રવિવારના દિવસે નાનપુરા વિસ્તારમાં થયેલી બબાલની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાને કારણે નાનપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બંને જૂથના ટોળાં સામ સામે આવી જતાં એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. પથ્થરમારામાં 4 જણને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે 4 કાર અને 7 જેટલી બાઇકમાં તોડફોડ કરાઈ હતી. ઘટનાની જાણ થતાંજ વિસ્તારમાં તંગદિલી વ્યાપી જવા પામી હતી. પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈ સામ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અઠવા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી પથ્થરમારામાં સંડોવાયેલા વધુ આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
આ પહેલા બંને જૂથો વચ્ચે બબાલ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે કેટલાક લોકોએ મામલો શાંત પડી ગયો હોવાનું જણાવતા પોલીસ પરત ફરી હતી. બપોર બાદ ફરી 20 થી 25 લોકોનું ટોળું સ્થળ પર પહોંચ્યું હતું અને વાહનોમાં તોડફોડ કરી હતી. જેને લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મહેસાણામાં પતંગ ચગાવવા મામલે વૃદ્ધની હત્યા
મહેસાણા: બીજી તરફ મહેસાણામાં પણ રવિવારના દિવસે પતંગ ચગાવવા મામલે વૃદ્ધની જાહેરમાં હત્યા થઈ હોવાની ઘટના બની હતી. પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીનાં બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પાંચ વ્યક્તિઓએ વૃદ્ધને લોખંડની પાઇપોથી માર મારતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.