સુરત (Surat) : સરથાણાના (Sarthana) સીમાડા નાકા પાસે અવધરોય કાર મેળાની સામે રિક્ષા (Rikshaw) ઊભી રાખવાના મુદ્દે બે રિક્ષાચાલકો વચ્ચે મારામારી (Fight) થઇ હતી. જેમાં સાયણમાં રહેતા એક રિક્ષાચાલકને ગાળો આપીને તેને છાતીમાં ચપ્પુના (Knifes) ઘા ઝીંકી ઘાતકી હત્યા (Murder) કરી નંખાઇ હતી. આ ઉપરાંત મારામારીમાં અન્ય બે યુવકો પણ વચ્ચે પડતા તેઓને પણ ચપ્પુના ઘા મરાયા હતા. હુમલો કરનાર મેહુલ જીયાણી હુમલો કરીને ફરાર થઇ ગયો હોય, સરથાણા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- સરથાણા સીમાડાગામની ઘટના
- અવરોધય કાર મેળા પાસે રિક્ષા પાર્ક કરવા બાબતે ઝઘડો
- રિક્ષાચાલકની હત્યા કરી બીજો રિક્ષાચાલક ફરાર
- સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો મુજબ સરથામા સીમાડાગામ પાસે દિવાળીબા નગરમાં રહેતા રામલખન ઉર્ફે રામુસિંગ પરસોત્તમસિંગ ગુર્જર રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. રામલખનનો ભત્રીજો ભોલા ઉર્ફે શેરા સિકંદરસીંગ ગુર્જર (રહે.પંચવટી સોસાયટી, સાયણ-સુગર રોડ) પણ રિક્ષા હંકારીને પરિવારનું ગુજરાન કરે છે. મંગળવારે સવારના સમયે રામલખન સરથાણા અવધરોય કાર મેળાની સામે રિક્ષા પાર્ક કરીને ઊભા હતા. સવારે સાડા છ વાગ્યાના અરસામાં ભોલો પણ ત્યાં રિક્ષા લઇને આવ્યો હતો અને રામલખનની રિક્ષાની પાછળ રિક્ષા પાર્ક કરી હતી. થોડી જ વારમાં અન્ય એક રિક્ષા ચાલક મેહુલ જીયાણી (રહે.રાધે સોસાયટી, રામચોક, મોટાવરાછા) આવ્યો હતો અને મેહુલે ભોલાની રિક્ષાની પાછળ જ રિક્ષા પાર્ક કરી હતી.
મેહુલ રિક્ષામાંથી નીચે ઉતરીને સીધો જ ભોલાની પાસે આવ્યો અને અહીંયા કેમ રિક્ષા પાર્ક કરે છે તેમ કહી એક તમાચો મારી દીધો હતો. ભોલાએ દાદાગીરી કરવાની ના પાડતા મેહુલ ઉશ્કેરાયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો. આ મારામારીમાં રામલખન તેમજ અન્ય રિક્ષાચાલકો બોબી રબ્બુ ગુર્જર અને ધરમવીર ગુર્જર પણ વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન મેહુલે પોતાની રિક્ષામાંથી ચપ્પુ કાઢીને ભોલાને છાતીના ભાગે મોટો ઘા મારી દીધો હતો. આ ઉપરાંત મેહુલે બોબી ગુર્જર અને ધરમવીર ગુર્જરને પણ હાથના ભાગે ચપ્પુ મારી દઇને પોતાની રિક્ષા હંકારી સવજીકોરાટ બ્રિજ તરફ ભાગી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં ભોલાને કાપોદ્રાની હોસ્પિટલમાં લઇ જવાતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મેહુલ જીયાણીની સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.