સુરત: (Surat) લાલગેટ વિસ્તારમાં મેડીકલ સ્ટોર (Medical Store) ચલાવતી આધેડ મહિલાને પીઠના ભાગે પથ્થરની કાંકરી મારી છેડતી કર્યા બાદ એક રિક્ષાચાલકે (Rickshaw Driver) મહિલાને કહ્યું કે, ‘તું આટલો ભાવ કેમ ખાય છે..? જો તું મારી સાથે વાત નહીં કરીશ તો એસીડ (Acid) ફેંકીને મારી નાંખીશ’. બનાવ અંગે મહિલાએ લાલગેટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- જીજે-5-વીવી-0815 નામનો રિક્ષાચાલક મહિલાનો પીછો કરી પીઠ ઉપર પથ્થરની કાકરી ફેંકીને છેડતી કરતો હતો
- સુરતમાં લાલગેટ વિસ્તારમાં આધેડ મહિલાને પીઠના ભાગે પથ્થરની કાંકરી મારી છેડતી કર્યા બાદ એક રિક્ષાચાલકે મહિલાને ધમકી આપી
- ‘તું આટલો ભાવ કેમ ખાય છે.?, મારી સાથે વાત નહીં કરીશ તો એસીડ ફેંકી મારી નાંખીશ’ : લાલગેટમાં આધેડ મહિલા સાથે છેડતી
પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં રહેતી 53 વર્ષિય આધેડ મહિલા મેડીકલના વેપાર સાથે સંકળાયેલી છે. છેલ્લા ચાર મહિનાથી મહિલા જ્યારે તેની મેડીકલ સ્ટોર ઉપર હોય ત્યારે ત્યાંથી જીજે-5-વીવી-0815 નામનો રિક્ષાચાલક દુકાનથી પસાર થાય ત્યારે મહિલાને જોઇને ગંદા ગંદા ઇશારા કરી હેરાન કરતો હતો, મહિલા મારા ઘરની બહાર જાય ત્યારે તેણીનો પીછો કરતો કરીને પાછળથી પથ્થર ફેકી ગાળ ગલોચ કરી તું મારી સાથે વાત કેમ નથી કરતી..? કહીને હેરાન કરતો હતો.
અઠવાડિયા પહેલા પણ સવારના સમયે મહિલા તેના સાસુના ઘરે પૂજાનું કામ પતાવીને મેડીકલ ઉપર પરત આવતી હતી ત્યારે પણ રિક્ષાચાલકે પીછો કરીને રસ્તામાં રિક્ષા ઊભી રાખી દીધી હતી અને મહિલાને કહ્યું કે, ‘તું આટલો ભાવ કેમ ખાઇ છે..? અને મારી સાથે વાત કેમ કરતી નથી તેમ કહેવા લાગ્યો અને હવે પછી તું મારી સાથે વાત નહી કરે તો હું તારા પર એસિડ ફેકી તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ત્યાંથી ચાલી ગયેલ હતો. ત્યાં આજે ફરીવાર બપોરના સમયે મહિલા પોતાની મેડીકલ ઉપર હતી ત્યારે રિક્ષાચાલક યુવક આવ્યો હતો અને પથ્થરનો ટુકડો ફેંકી ખરાબ ઇશારા કરી જતો રહ્યો હતો. બનાવ અંગે મહિલાએ તેના ભાઇને વાત કરીને લાલગેટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.