સુરત: (Surat) વાલક પાટીયા પર આવેલી રેસ્ટોરન્ટના માલિક (Restaurant Owner) ઘરે જતી વખતે બાઈક ઓવરબ્રિજની (Over Bridge) રેલિંગ સાથે ભટકાતા વરાછા ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા. દસ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નીપજ્યું હતું. બ્રિજ પરથી નીચે પટકાયાની ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એલ.એચ.રોડ વરાછા ઝોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિરજીભાઇ લાખણકિયા વાલક પાટિયા ખાતે અન્નપૂર્ણા નામની રેસ્ટોરેન્ટ ધરાવે છે. ગત 17 જાન્યુઆરીએ ભરતભાઈ કામ પતાવી રેસ્ટોરેન્ટ પરથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજની સાઈટની રેલિંગ સાથે અથડાઈ હતી. ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દસ દિવસની સારવાર બાદ ગઈકાલે મોતને ભેટ્યા હતા. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈ બ્રિજ પરથી નીચે પટકાયા તે દ્રશ્યો લાઈવ સીસીટીવીમાં કેદ થતા વાયરલ થયા છે. ભરતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરિલ છે. બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે.
માથામાં લગાડવાની પીનથી સાડીના વેપારીના ઘરનું તાળું તોડી 27 લાખની ચોરી
સુરત: અમરોલી ખાતે રહેતા અને સાડીનો વેપારી કરતા વેપારીના ઘરમાંથી ગઈકાલે બપોરે કોઈ અજાણ્યાએ માથામાં લગાવવામાં આવતી પીન વડે તાળું ખોલી રૂમના તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ 5.85 લાખ મળી કુલ 27.21 લાખની ચોરી કરી હતી. અમરોલી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી સ્ટાર રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય કરશનભાઈ લક્ષ્મીદાસ કોટેચા સાડીની દુકાન ચલાવે છે. કરશનભાઈનો દિકરો અને પુત્રવધુ બે દિવસથી ગોવા ફરવા ગયા છે. ગઈકાલે બપોરે કરશનભાઈ દુકાનમાં હતા ત્યારે તેમની પત્ની ઘરને તાળું મારી દુકાને આવ્યા હતા. રાત્રે કરશનભાઈ અને તેમની પત્ની બંને દુકાન બંધ કરીને ઘરે આવ્યા ત્યારે દરવાજાનું લોક ખુલ્લુ હતું અને માથામાં લગાવવાની પીન લોકમાં હતી. જેથી તેમને રૂમમાં જઈને જોતા તિજોરી ખુલ્લી હતી. તેમના દિકરા નિકુંજના રૂમમાં જઈને જોતા તેના રૂમની તિજોરી પણ ખુલ્લી હતી. લોકરમાં ચેક કરતા સોના-ચાંદીના દાગીના અને ધંધાના રોકડ રૂા. 5.85 લાખ મળી કુલ 27.21 લાખ રૂપિયાની મત્તાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે આજુબાજુમાં પુછતા પરંતુ બનાવ બાબતે કોઈને જાણ નહોતી. તિજોરીમાં ચેક કરતા તેમના સોના-ચાંદીના દાગીના અને તેમના દ્વારા અમરોલી પોલીસને જાણ કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.