સુરત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરત એરપોર્ટ પર CAT 1 ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને આધુનિક રડાર સ્ટેશન પ્રોજેક્ટ માટે માંગવામાં આવેલી 80, 845 ચોરસ મીટર જમીન લેવા ઇનકાર કરવામાં આવ્યા પછી આજે આ મામલે નવો વળાંક આવ્યો છે.
- સુરતીઓએ હવે એરપોર્ટ વિસ્તરણના સપના ભૂલી જવા પડશે
- રાજ્યસભામાં સુરત એરપોર્ટના CAT 1 ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને રડાર સ્ટેશન માટેની 22.33 એકર જમીન છૂટી કરવાનું પ્રકરણ ગાજ્યું
- કરોડોની જમીન સંપાદન હેઠળ રાખી છૂટી કરવા પાછળ બિલ્ડર લોબી અને સરકારનો ખેલ: શક્તિસિંહ ગોહિલ
ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે CAT 1 ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને આધુનિક રડાર સ્ટેશન પ્રોજેક્ટ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જમીન માંગણી કરી ખેડૂતોની જમીન સંપાદન હેઠળ મુકાવવા અને બિલ્ડર લોબી તેમજ સરકારી તંત્ર સાથે ગોઠવણ થયા પછી આ જમીન સંપાદન મુક્ત કરવાની પ્રક્રિયાને સરકારી તંત્ર અને બિલ્ડર લોબીએ મળીને કરેલું કૌભાંડ ગણાવ્યું છે.
ગોહિલે આજે રાજ્યસભાની કાર્યવાહી પછી એક વિડીયો રિલીઝ કરીને જણાવ્યું હતું કે, ખેડૂતોને એરપોર્ટની જમીન સંપાદનના નામે ડરાવી બિલ્ડરો દ્વારા જમીનના સાટાખત, વેચાણ કરાર, વેચાણ દસ્તાવેજ, ડેવલપમેન્ટ કરાર લખાવી લેવામાં આવ્યા હોવાની મને ફરિયાદ મળી છે.
આ મામલે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એટલા માટે અપીલ કરું છું કે, તેઓ બિલ્ડર લોબીના આવા કોઠાકબાડાથી સારી રીતે વાકેફ છે. તેઓ આ મામલે તપાસ યોજી મૂળ ખેડૂતોને પોતાની જમીન પાછી અપાવે.ખેડૂતો સાથે આવું કૃત્ય ચલાવી લેવાય નહીં.
મુખ્યમંત્રી સુરતના ખેડૂતોને એરપોર્ટ વિસ્તરણની આડમાં થયેલો અન્યાય દૂર કરી ન્યાય અપાવે. ગુજરાત સરકારે જમીન સંપાદન માટે પ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારથી જમીનની જરૂર નથી એવા એરપોર્ટ ઓથોરિટીનાં નોટિફિકેશન દરમિયાન ખેડૂતોને ડરાવી બિલ્ડરોએ કરેલા સોદા મુખ્યમંત્રી રદ કરાવે.
અહીં ઉલ્લેખનીય છે કે,2 જૂન 2025 ના રોજ સુરત એરપોર્ટ ડિરેક્ટર એ.એન.શર્મા દ્વારા સુરતનાં કલેકટર પારધીને પત્ર લખી સુરત એરપોર્ટ ના કેટ વન લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને રડાર સ્ટેશન માટે 22.33 એકર જમીનની જરૂર ન હોવાની લેખિત જાણ કરી હતી. એ પછી ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રા કંપનીએ જમીન સંપાદન કરી એરપોર્ટ ઓથોરીટીને આપવા માટે ગતિશક્તિ પોર્ટલ મારફત સુરત કલેક્ટરના જમીન સંપાદન વિભાગમાં જમા કરેલા 100 કરોડ પરત માંગ્યા છે.
જરૂર ન હતી તો જમીન સંપાદનની પ્રાથમિક નોટીસો કોણે ઈશ્યુ કરાવી ? : શક્તિસિંહ
રાજ્ય સભાના વિપક્ષના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રોજેક્ટ માટે ખેડૂતની જમીનની જરૂર ન હતી તો સંપાદનની પ્રાથમિક નોટીસો કોણે ઈશ્યુ કરાવી, જમીન સંપાદનના નામે ખેડૂતોને ડરાવી સસ્તા ભાવે જમીનો કોણે પડાવી,એ ગુજરાત સરકાર જાહેર કરે,
શક્તિસિંહ ગોહિલે કરોડોના જમીન કૌભાંડમાં આ માંગણીઓ કરી
- (1) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હૈયે ખેડૂતોનું સહેજ પણ હિત જળવાયું હોય તો જમીન સંપાદનની કાર્યવાહી દરમિયાન બિલ્ડર લોબીએ ખેડૂતો પાસે લખાવી લીધેલી જમીનોના સોદાઓ રદ કરાવે.
- (2) ગુજરાત સરકારે ખેડૂતોની જમીન સંપાદનમાં લેવા પ્રથમ નોટિસ કે જાહેરનામું બહાર પડ્યું એ અને જૂન 2025 માં એરપોર્ટના વિસ્તરણ પ્રોજેક્ટ માટે જમીનની જરૂર નથી.એ પત્રવ્યવહારોની વચ્ચે ખેડૂતો પાસે જે બિલ્ડર લોબી એ જમીનો લખાવી લીધી હોય એ સોદાઓ જરૂર પડ્યે કાયદો લાવી રદ કરાવે
- (3) જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન કે જમીન સંપાદન અધિકારીની નિયુક્તિ અને કાર્યવાહી દરમિયાન જે ખેડૂતોએ જંત્રીનો ભાવ મળશે એવા ભયથી પોતાની જમીનો
- સસ્તામાં બિલ્ડર લોબીને શુધ્ધબુદ્ધિ વિના લખી આપી છે,એ સોદા રદબાતલ કરવા જોઈએ.
- (4) સંપાદનની પ્રક્રિયા દરમિયાન જે ખેડૂતોની જમીન બિલ્ડરોએ લખાવી લીધી છે.એ ખેડૂતો વ્યાજ વિના બિલ્ડરની મુદ્દલ રકમ પરત આપી પોતાની જમીન
- પરત લેવાં માંગતા હોય તો સાટાખત,વેચાણ કરાર, વેચાણ દસ્તાવેજ તમામ સોદા રદ કરાવી સરકાર
- ખેડૂતોની જમીન પરત અપાવે. ખેડૂતોને સોદો કેન્સલ કરવાની તક આપે. સરકારી તંત્ર અને બિલ્ડર લોબી એ મળીને કરેલું ખેડૂતોનું શોષણ અટકાવે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને શક્તિસિંહે આ સવાલો પૂછ્યા
- (a) સુરત એરપોર્ટના આધુનિકીકરણ અને વિકાસ માટે કેટલી અનામત જમીનની ક્યારેય માંગણી કરવામાં આવી?
- (b) છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ અનામત જમીનમાંથી અનામત છોડવામાં આવી હોય એનું ક્ષેત્રફળ કેટલું?
(c) શું એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અનામત છોડવામાં આવેલ જમીન ફક્ત મૂળ જમીન માલિક ખેડૂતને જ પાર્ટ આપવામાં આવે
(d) સુરત એરપોર્ટના પ્રોજેક્ટ માટે જમીનની માંગ કરી નકારવામાં આવી એ સમગ્ર જમીનની વિગતો જે અનામત હતી.અને અનામત છોડવામાં આવી છે?એની વિગતો આપવી
AAI ને એરપોર્ટ માટે વધારાની જમીનની જરૂર નથી:મુરલીધર મોહોલ
રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આપેલા ઉત્તરમાં જણાવ્યું હતું કે, AAIને મુસાફરોની સંખ્યા વધારવા અને એરસાઇડ અને શહેર-બાજુના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે ભવિષ્યની જરૂરિયાતોના આધારે એરપોર્ટના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરે છે. તે મુજબ, જમીનની જરૂરિયાતો સંબંધિત રાજ્ય સરકારોને જણાવવામાં આવે છે. આજની તારીખે, AAI ને સુરત એરપોર્ટ પર વધારાની જમીનની કોઈ જરૂર નથી.
સંપાદીત હજારો કરોડની જમીનોના ખેલ હવે શરૂ થશે
CAT 1 લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ અને આધુનિક રડાર સ્ટેશન માટે સંપાદન હેઠળ 22.33 એકર જામીન,જમીન સંપાદન અધિકારી પોતાના તાબામાં લે એ પેહલા બિલ્ડર લોબીના હિતમાં 1.50 લાખ થી 2 લાખ રૂપિયા વારની કિંમતની 22.33 એકર જમીન છૂટી કરવાનો મામલો તો પાશેરામાં પુણી જેવો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના અન્ય પ્રોજેક્ટ માટે હજારો કરોડની જમીનો છૂટી કરવાનો ખેલ તો હવે શરૂ થશે.આવતીકાલથી સુડા અને ખુડામાં બિલ્ડર લોબીની ગતિવિધિઓ તેજ બનશે