સુરતઃ આજે સોમવારે તા. 23 જૂનના રોજ સુરત શહેરમાં સવારે ચારથી પાંચ કલાક સુધી સતત સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. રાંદેર અડાજણમાં પણ ખૂબ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. અડાજણ, પાલ, રાંદેર અને વરાછામાં લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતા. અડાજણના લોકોને 2006ના પૂરની યાદ તાજી થઈ ગઈ હતી.
સિઝનના પહેલાં વરસાદે પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે, તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમના ઘરોમાં પાણી ભરાયા હોવાનો બળાપો કાઢ્યો હતો. પૂણા વિસ્તારમાં લોકો વરસતા વરસાદમાં રસ્તા પર ધરણાં પર બેસી ગયા હતા અને પાલિકાની પ્રીમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
પહેલાં જ વરસાદમાં સુરત પાલિકાના પ્રી મોન્સુન કામગીરીના દાવા ખોટા સાબિત થયા છે. પુણાગામ વિસ્તારની અક્ષરધામ સોસાયટીના ઘરોમાં બેથી અઢી ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે લોકોની ઘરવખરીને ખૂબ નુકસાન થયું હતું.

સ્થાનિકોએ રોષ સાથે કહ્યું, પાંચ વર્ષથી અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. દર વર્ષે પાલિકાના અધિકારીઓ આશ્વસન આપે છે કે હવે પાણી નહીં ભરાય, પરંતુ દર વર્ષે સ્થિતિ એવીને એવી જ રહે છે. આ વર્ષે પણ સોસાયટીના અનેક મકાનો જળમગ્ન થયા છે. લોકોની ઘરવખરીને નુકસાન થયું છે.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, પાલિકા માત્ર કાગળ પર કામ કરે છે. ગ્રાઉન્ડ વર્ક થતું નથી. અમારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકા તાત્કાલિક પગલાં લે તેવી અમારી માગ છે. વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન છેડીશું. એમ કહી સ્થાનિકો વરસતા વરસાદમાં રસ્તા પર ધરણા કરવા બેઠાં હતાં. સ્થાનિકોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાની હેઠળ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.