સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા રત્નકલાકારે સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકમાંથી (Standard Charted Bank) લીધેલી લોન (Loan) ક્લોઝ કરાવવા માટે ગૂગલ (Google) ઉપરથી ઓનલાઇન (Online) નંબર લીધો હતો. 2.81 લાખની લોનમાં 13625ના બે હપ્તા ભરાયા બાદ આ યુવકે લોન ક્લોઝ કરવાની હતી. સામે અજાણ્યા યુવકે રત્નકલાકારને એની ડેસ્ક (Any Desk) નામની એપ્લિકેશનમાં (Application) શરૂ કરાવી રૂ.1.23 લાખ ટ્રાન્સફર (Transfer) કરાવી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા રચના સર્કલ રચના સોસાયટીમાં રહેતા અને ખોડિયારનગર કપુરવાડીમાં બજરંગકૃપા બિલ્ડિંગમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા પીયૂષ ધીરુ ઝડફિયા (ઉં.વ.૩૦)એ સ્ટાર્ન્ડડ ચાર્ટડ બેંકમાંથી રૂ.2.81 લાખની લોનની ઓફર મળી હતી. પીયૂષે આ લોન સ્વીકારતાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. આ લોનમાં રૂ.13625નો હપ્તો આવતો હતો. બે મહિના સુધી હપ્તા ભર્યા બાદ પીયૂષભાઇને લોન ક્લોઝ કરાવી હતી. પીયૂષભાઇએ ઓનલાઇન સર્ચ કરી સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકનો હેલ્પલાઇન નંબર મેળવ્યો હતો.
આ નંબર ઉપર ફોન કરતાં સામેની વ્યક્તિએ પાંચ મિનીટમાં ફોન કરું છું તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. થોડીવાર બાદ સામેથી અજાણ્યાનો ફોન આવતાં પીયૂષભાઇએ બેંકની વિગતો આપી હતી. અજાણ્યાએ પીયૂષભાઇને એની ડેસ્ક એપ્લિકેશન શરૂ કરાવીને તેમાં અલગ અલગ પ્રોસેસ કરાવી હતી. બાદ પીયૂષભાઇના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.72967 કપાયા હતા અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ.20 હજાર મળી કુલ 1.23 લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા. આ બનાવ અંગે પીયૂષભાઇએ અજાણ્યાને ફોન કર્યો હતો. પરંતુ અજાણ્યાનો મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો હતો. આ બાબતે પીયૂષભાઇએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત મનપાના કર્મચારીને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ અને પાંચ લાખનો દંડ
સુરત : અડાજણ પાલનપોર જકાતનાકા પાસે સિધ્ધેશ્વર કોમ્પલેક્ષમાં રહેતા રશ્મીબેન કમલેશભાઇ કણાવીયા એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરતા હતા અને તેમના પતિ કમલેશભાઇ ડ્રાઇવિંગનું કામ કરતા હતા. ત્યારે જહાંગીરપુરા હનુમાન ટેકરી પાસે પ્રિન્સ પાર્ક સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ અમીરભાઇ લલાણીએ તેમને નોકરી ઉપર રાખ્યા હતા. દરમિયાન સિદ્ધાર્થને રૂા. 5 લાખની જરૂર પડતા તેઓએ રશ્મીબેન પાસે માંગ્યા હતા. આ રકમની સામે સિદ્ધાર્થએ રૂા. 5 લાખની કિંમતનો ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં રશ્મિબેનએ સિદ્ધાર્થની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં કોર્ટે સિદ્ધાર્થને તક્સીરવાર ઠેરવીને સિદ્ધાર્થને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો.