SURAT

લાખો ભક્તોનો નાદ.. જય જગન્નાથ.. સુરતમાં જહાંગીરપુરા વરાછા સહિત સાત સ્થળોએથી નિકળી રથયાત્રા

સુરત: (Surat) અષાઢી બીજના દિવસે સુરતમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે નિકળ્યા હતા. શહેરમાં વિવિધ 7 સ્થળોએથી રથયાત્રા (Rath Yatra) નિકળી હતી. ઇસ્કોન મંદિર જહાંગીરપુરાથી શહેરની સૌથી લાંબી 15 કિલોમીટરની યાત્રા બપોરે 3 કલાકે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી. આ યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ ચોકી ખાતે સ્વાગત કરાયું હતું. બીજી તરફ વરાછાથી પણ રથયાત્રા નિકળી હતી. જે રીતે રોડ પર ઇલેક્ટ્રિક વાહનો જોવા મળે છે તે જ ટેક્નોલોજીથી સુરતના વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતના સૌથી મોટા હાઈડ્રોલિક રથ પર ભગવાન સવાર થયા હતા. સમગ્ર સુરત શહેર જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આજે અષાઢી બીજના દિવસે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઈસ્કોન મંદિર, જહાંગીરપુરા, વરાછા, પાંડસેરા, સચિન, લંકા વિજય હનુમાન મંદિર, અમરેલી સહિત વિવિધ 7 સ્થળોએથી નીકળી હતી. રથયાત્રાની સાથે રથમાં ભગવાનની વિવિઘ ભવ્ય ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઇસ્કોન મંદિર જહાંગીરપુરાની 15 કિલોમીટર લાંબી રથયાત્રા બપોરે 3 કલાકે સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી. યાત્રાની સાથે સાથે વિવિધ વાહનોમાં ભગવાનની 21 ઝાંખીઓ પણ જોવા મળી હતી. રિંગ રોડ કપડા માર્કેટ, ઉધના દરવાજા, આરટીઓ, અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલ જેવા અનેક સ્થળોએ ભક્તો પુષ્પવર્ષા કરીને રથનું સ્વાગત કરાયું હતું.

જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની આ રથયાત્રામાં કિર્તન મંડળના પાંચ વાહનો જોડાયા હતા. જેમની સાથે મંડળના 500થી વધુ લોકો ભજન ગાતા ગાતા આગળ વધી રહ્યા હતા. લગભગ 60 હજાર લોકોએ આ રથયાત્રામાં ભાગ લીધો હતો. 10 લાખથી વધુ લોકો માર્ગો પર ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. ભક્તો માટે 1.5 લાખથી વધુ બુંદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં રથયાત્રા દરમિયાન 25,000થી વધુ ભક્તોને મહાપ્રસાદી પણ આપવામાં આવી હતી.

બીજી તરફ બપોરે 2 કલાકે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાનું સૌથુ મોટું આકર્ષણ હતું ભગવાનનો હાઈડ્રોલિક રથ. રથયાત્રા સાથે ભારતીય સંસ્કૃતિને લગતી 10થી વધુ સુંદર ઝાંખીઓ રજૂ કરાઈ હતી. રથયાત્રામાં દર્શનનો લાભ લેવા આવનાર તમામ ભાવિ-ભકતોને મગ, ચણા, ખીર, ઢોકળા, ઇદડા, ફ્રૂટ, શરબત, પાણી, ખીચડી પ્રસાદરૂપે આપવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથના હાઇટેક રથની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા.

શહેરની ત્રીજી મોટી રથયાત્રા અમરોલીના લંકા વિજય હનુમાન વિસ્તારથી શરૂ થઈ હતી. ભારત સાધુ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ સીતારામદાસ મહારાજે જણાવ્યું હતું કે ગુરુ રામચરણદાસ મહારાજે આશરે 45 વર્ષ પહેલા સુરતમાં રથયાત્રા શરૂ કરી હતી. રવિવારે મંદિરની 46મી રથયાત્રા નીકળી હતી. 16×16 ફૂટનો રથ ઓડિશાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

સુરતના પાંડેસરામાં પણ રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ વર્ષે 5 કિલોમીટરની ભવ્ય રથયાત્રામાં 5 હજારથી વધુ ભક્તો જોડાયા હતા અને 10 થી 15 હજાર લોકો રસ્તાના કિનારે ઉભા રહી ભગવાનના દર્શન કરી રહ્યા હતા. બપોરે 2 કલાકે શરૂ થયેલી રથયાત્રા જગન્નાથ મંદિર, જગન્નાથ નગર પાંડેસરાથી શરૂ થઈને વેલકમ પાન સેન્ટર થઈને વિજયનગર જશે અને ત્યાંથી પીયૂષ પોઈન્ટ થઈને રાધેશ્યામ નગરની બાજુમાં સર્વિસ રોડ પર રોકાશે. જ્યાં 9 દિવસ સુધી પૂજા-અર્ચના થશે. તે ભગવાનની માસીનું ઘર માનવામાં આવે છે. 10માં દિવસે રથ મંદિરે પરત ફરશે.

સુરતના સચિનમાં 4 કિલોમીટરની રથયાત્રા નિકળી હતી. રથયાત્રામાં 4 હજાર લોકો રથ સાથે અને લગભગ 10 હજાર લોકો ભગવાનના રથના દર્શન માટે ઉમટ્યા હતા. રથયાત્રા બપોરે 12 વાગ્યે કનકપુરથી નીકળીને રામજી મંદિર થઈને સચિન સ્ટેશન રોડ થઈને સાંજે 7 વાગ્યે સ્લમ બોર્ડ પહોંચશે. જ્યાં 9 દિવસ સુધી પૂજા થશે અને ત્યારબાદ 10માં દિવસે રથ મંદિર પહોંચશે.

Most Popular

To Top