SURAT

સુરતના વરાછામાં રેપિડ એક્શન ફોર્સનું ફ્લેગ માર્ચ, આ છે કારણ…

સુરત: (Surat) સુરતમાં આજે સવારે રેપિડ એક્શન ફોર્સના (Rapid Action Force) જવાનો ઉતરી આવ્યા હતા. ફોર્સ દ્વારા વરાછા, કાપોદ્રા અને સરથાણામાં ફ્લેગ માર્ચ (Flag March) કરાયું હતું. એકાએક બ્લ્યૂ ફોર્સ રસ્તા પર ઉતરતા લોકો ચોંકી ગયા હતા. કોઈ મોટી ઘટના બની છે કે કેમ તેમ લોકો વિચારવા લાગ્યા હતા, પરંતુ જ્યારે સાચું કારણ જાણ્યા ત્યાર બાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આગામી અઠવાડિયાથી ગણેશોત્સવ (Ganesh Utsav) શરૂ થવા જઈ રહ્યો છે. કોરોના (Corona) મહામારીની વિપદાના બે વર્ષ બાદ શહેરમાં તહેવાર જોરશોરથી ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે. એક અઠવાડિયા પહેલાથી જ મોટા મંડળો દ્વારા ગણેશ પ્રતિમાને લાવી મંડપની સજાવટ કરવામાં આવી રહી છે. આ વખતે બમણા જોશથી લોકો ગણેશોત્સવ મનાવવાના છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે હેતુથી સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલાં રેપિડ એક્શન ફોર્સને ઉતારી દેવામાં આવી છે. જેથી આ ફોર્સ શહેરના વિસ્તારો અને રસ્તાથી વાકેફ થઈ જાય. વિકટ પરિસ્થિતિમાં ફોર્સ ઝડપથી ઘટનાસ્થળે દોડી એક્શનમાં આવી શકે તે હેતુથી એક અઠવાડિયા પહેલાં જ ફોર્સને સુરતમાં તૈનાત કરી દેવાઈ છે.

ગણેશ વિસર્જનમાં અડજણ નહીં થાય તે માટે મનપા કમિશનરે આપી આ સૂચના
કોરોના સંક્રમણ હળવું થયા બાદ આ વર્ષે તમામ તહેવારો લોકો હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. તહેવારોની ઉજવણી માટે કોઈપણ નીતિનિયમો કે પ્રતિબંધ ન હોવાથી શહેરીજનો રંગેચંગે તહેવારો મનાવી રહ્યા છે. શહેર માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે થઈ રહી છે. શહેરમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને કાપોદ્રા રૂટ પર રસ્તા બંધ કરીને મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમિયાન આ રૂટ પર બેરિકેટ હટાવી રસ્તો ખોલી આપવા મનપા કમિશનરે મેટ્રોના અધિકારીઓને સૂચના આપી હતી. ગણેશ વિસર્જનમાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે મનપા કમિશનરે આગોતરાં આયોજન કરી લીધાં છે. હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરીને લઈ ઠેકઠેકાણે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરાયા છે. જેના પગલે ગણેશ વિસર્જન દરમિયાન ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં સાંકડા રસ્તા હોવાથી મેટ્રોની કામગીરીમાં શક્ય હોય તો ગણેશોત્સવ પૂરતું આ રસ્તા ખુલ્લા કરવા મનપા કમિશનરે મેટ્રોની અધિકારીઓને સૂચના આપી હતી. હાલમાં તાજિયા જુલૂસ માટે પણ મેટ્રોની કામગીરી 2 દિવસ બંધ કરાવી બેરિકેટ હટાવી રસ્તો ખોલી આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top