સુરત: અઢી મહિના પહેલા કતારગામમાં (Katargam) સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ તેની હત્યા (Murder) કરવાના ગુનામાં કોર્ટે આરોપીને ગતરોજ દોષી જાહેર કર્યો હતો. આજ રોજ મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ આરોપીને ફાંસીની સજા થાય એવી ધારદાર દલીલ કોર્ટમાં કરી હતી. કોર્ટે તેને ધ્યાનમાં લઈને આરોપીને ફાંસીની સજા અને 23.50 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
- 23.50 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ
- આરોપીએ પડોશી ધર્મ નહીં નિભાવ્યો એવું કોર્ટે નોંધ્યું
કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ ઓરિસ્સાના શ્રમજીવી પરિવારની સાત વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં ગુરુવારે એડિશનલ સેશન્સ જજ યુ.એમ.ભટ્ટે આરોપી મુકેશ પંચાલને દોષી ઠેરવ્યો હતો. આ કેસમાં આરોપીને કેટલી સજા કરવી તે માટે આજે દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા એક મહિનામાં જ આ કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ ૪૬ સાક્ષીને તપાસવામાં આવ્યા હતાં. પોલીસે પણ માત્ર 10 દિવસમાં ચાર્જશીટ બનાવીને સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. તે કેસમાં ગુરુવારે એડિશનલ સેશન્સ જજ યુ.એમ.ભટ્ટે આરોપી મુકેશ પંચાલને દોષી ઠેરવ્યો હતો.
આજે મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ આ કેસને રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણીને અને બાળકી નાની અને આરોપીએ નિર્દયતાપૂર્વ તેની સાથે બળાત્કાર ગુજારી તેની હત્યા કરીને લાશને પેટી પલંગમાં સંતાડી હોવાથી તેને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. આ કેસમાં કુલ 86 દસ્તાવેજી પૂરાવાના આધારે શુક્રવારે રાત્રે જજ દ્વારા આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે ભોગ બનનાર નાની બાળકી છે. આરોપીએ પડોશી ધર્મ નિભાવ્યો નથી. સજાનો અમલ હાઇકોર્ટના બહાલીને આધીન થશે. ઉપરાંત ફરિયાદ પક્ષને વળતર તરીકે 23.50 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.