SURAT

સુરતના વરાછાના વ્યક્તિએ ગુજરાત હ્યુમન રાઇટ્‌સના પ્રદેશ અધ્યક્ષને ચપ્પુ બતાવી ખંડણી માંગી

સુરત: (Surat) ઓલપાડ વેલંજા ખાતે રહેતા વેપારી પાસે વરાછા ખાતે રહેતા હસુ નારોલાએ 5 લાખની ખંડણી (Ransom) માંગી હતી. જો પૈસા નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. જેઓની પાસે ખંડણી માંગવામાં આવી છે તેઓ વરાછા એબીસી સર્કલની પાસે જે.જી એન્ટરપ્રાઇઝના નામે ઓઈલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓ ગુજરાત હ્યુમન રાઇટ્‌સના (Human Rights) પ્રદેશ અધ્યક્ષ પણ છે.

  • ગુજરાત હ્યુમન રાઇટ્‌સના પ્રદેશ અધ્યક્ષને ચપ્પુ બતાવી 5 લાખની ખંડણી માંગનાર સામે ગુનો
  • આરોપી દ્વારા ઓઈલ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવા માટે ખંડણી માંગવામાં આવી
  • નીચે આવ નહીં તો હું ચપ્પુ લઈને ઉપર આવું છું અને તને જાનથી મારી નાખીશ

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના વેલંજા ગામ ખાતે આનંદ વાટિકા બંગ્લોઝમાં રહેતા 32 વર્ષીય વિજયભાઈ મનસુખભાઈ રાખોલિયા મોટા વરાછા એબીસી સર્કલની પાસે જે.જી એન્ટરપ્રાઇઝના નામે ઓઈલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓ ગુજરાત હ્યુમન રાઇટ્‌સના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં મોટા વરાછા ખાતે હરેકૃષ્ણ બંગલોઝમાં રહેતા હસુભાઈ નારોલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 13 તારીખે સાંજે તેઓ ઓફિસ બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે હસુ નારોલા તેના બે માણસો સાથે ક્રેટા (જીજે-05-આરએ-8220) ગાડીમાં આવ્યો હતો. રસ્તાની વચ્ચે રોકીને ગાળાગાળી કરી હતી.

વિજયભાઈને બહુ પૈસા કમાઈ ગયો હું તારી હવા કાઢી નાખીશ તારે જે કરવું હોય તે કર તારે અહી ધંધો કરવો હોય તો આવતી કાલે 5 લાખ રૂપિયા તૈયાર રાખજે તેવું કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે બપોરે હસુ નારોલા કારમાં બે અજાણ્યા સાથે દુકાનની નીચે આવ્યો હતો. તેમણે વિજયભાઈને 5 લાખ રૂપિયા લઈને નીચે બોલાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, નીચે આવ નહીં તો હું ચપ્પુ લઈને ઉપર આવું છું અને તને જાનથી મારી નાખીશ તેવું કહ્યું હતું. વિજયભાઈએ પોલીસને ફોન કરતા તેઓ ભાગી ગયા હતા. અમરોલી પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા ઓઈલ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવા માટે ખંડણી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top