સુરત: અનંતચતુર્થીના દિવસે ભારે ગરમીના લીધે બપોર સુધી ગણેશ વિસર્જન યાત્રાનો ખાસ માહોલ જોવા મળ્યો નહોતો, પરંતુ બપોર બાદ ગણેશજીની ઊંચી ઊંચી પ્રતિમાઓ સાથે મોટી મોટી વિસર્જન યાત્રાઓ રસ્તા પર ઉતરી આવી હતી. જેમ જેમ સૂર્ય નરમ પડતો ગયો અને ગરમી ઓછી થતી ગઈ તેમ તેમ રસ્તાઓ પર વિસર્જન યાત્રાની સંખ્યા વધવા લાગી હતી. દર વર્ષની જેમ સુરતના રાજમાર્ગનો માહોલ સાંજે જામ્યો હતો. ખાસ કરીને ભાગળ ચાર રસ્તા પર હજારો ભક્તોની ભીડ વચ્ચે શાહી ઠાઠમાઠમાં રાજાધિરાજ મહારાજ દૂંદાળા દેવ શ્રી ગણેશજીની પ્રતિમાઓની સવારી જોવા મળી હતી. ભક્તોએ ફટાકડા ફોડી, તિરંગા લહેરાવી, ઢોલ-નગારા વગાડી બાપ્પાની વિદાય યાત્રાને સલામી ભરી હતી.
- સાંજે 4 સુધીમાં 68000 ગણપતિ પૈકી અત્યાર સુધી માત્ર 12392 ગણપતિ નું વિસર્જન
- કુલ 68 હજાર નાની મોટી મૂર્તિઓનું સુરતમાં સ્થાપન થયું હતું
- ગઈકાલ સુધી 7100 ગૌરી ગણેશ ના વિસર્જન થયા હતા
- હજુ 48 હજાર 508 ગણપતિ ના વિસર્જન બાકી
- 24 કલાક વિસર્જન પ્રક્રિયા ચાલે તેવી સંભાવના
- ગણેશ આયોજકો ની વહેલી તકે વિસર્જન કરવા અપીલ
સૌથી પહેલા ડક્કા ઓવારે મૂર્તિવિસર્જન શરૂ થયું
આ વર્ષે સૌથી પહેલા ડક્કા ઓવારા ઉપર નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન વહેલી સવારે સાત વાગ્યાથી જ શરૂ થઇ ગયું હતું. દરમિયાન ભાગળ ચાર રસ્તા પાસે હિન્દુ મિલન મંદિરના ગણપતિની વિસર્જન યાત્રા આવી પહોંચી હતી. આ પ્રસંગે પૂર્વ માર્ગ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી ઉપરાંત સુરતના હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીષાનંદ મહારાજ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, ધારાસભ્ય અરવિંદ રાણા, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પોલીસ કમિશનર અજય તોમર હાજર રહ્યા હતા. તેઓએ સૌપ્રથમ હિન્દુ મિલન મંદિરના ગણપતિજીને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારબાદ અહીં દાળીયા શેરીના ગણપતિ પણ આવ્યા હતા અને તેઓને પણ વિસર્જન માટે પ્રસ્થાન કરાવ્યું હતું. હિન્દુ મિલન મંદિરના ગણપતિ ચોકબજાર ચાર રસ્તા પાસે રામભરોસે હોટેલ પાસે પહોંચ્યા ત્યારે અહીં માજી મેયર કદીર પીરઝાદા, અસદ કલ્યાણી, મુસ્તાક કાનુગા અને રઇમબાબા રીફાઇ સહિતના મુસ્લિમ આગેવાનોએ સ્વામી અમરીષાનંદ મહારાજ તેમજ મનપા અને પોલીસ વિભાગના અધિકારીઓને રસ-પાન કરાવીને ગણપતિની મૂર્તિને વિસર્જન માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
હિન્દુ મિલન મંદિરની ગણેશ પ્રતિમાનું કરાયું સ્વાગત
સુરત શહેર ના મુસ્લિમ સમાજ ધ્વારા શહેરના માજીમેયર કદીર પીરઝાદાની આગેવાનીમાં ચોકબજાર ચાર રસ્તા ખાતે ગણપતિ જુલુસમાં હિન્દુમિલન મંદિરના ગણપતિ સાથે પધારેલા હિન્દુમિલન મંદિર ના સંત સ્વામી અંબરીષાનંદજીમહારાજનું શહેરના માજી મેયર કદીર પીરઝાદા ના હસ્તે ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. કોમીએકતા જિંદાબાદ અંબરીષાનંદજી મહારાજ જિંંદાબાદ, કદીર પીરઝાદા જિંદાબાદ કોમી એકતા જિંદાબાદ ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. આપ્રસંગે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સ્ટેન્ડિંગ ચેરમેનપરેશ પટેલ શાસક પક્ષ નેતા અમિત સીંગ ધારાસભ્ય અરવિંદ. રાણા કોર્પોરેટર નરેશ જરીવાલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દીપ નાયક નુ પણ ફુલ ના બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી તાજીયા કમીટીના પ્રમુખ અસદ કલ્યાણી નાઇમબાવા. રફાઈ સોહેલ હાંસોટી શફી જરીવાલા લાલખાન પઠાણ હબીબ વોહરા આસિફ પટેલ અયુબ પટેલ સલીમ પઠાણ મુસ્તાક કાનુગો રફીક. વેલ્ડર કિશોર તમાકુવાળા હાજર રહયા હતા.
સાંકડી ગલીમાંથી નીકળી 35 ફૂટ ઊંચી વિરાટ ગણેશ પ્રતિમાની વિસર્જન યાત્રા
બેગમપુરાની સાંકડી પ્રેમગલીમાંથી 35 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાની વિસર્જન યાત્રા નીકળી ત્યારે અદ્દભૂત દ્રશ્યો સર્જાયા હતા. સુરતની સૌથી મોટી ઊંચી મૂર્તિઓ પૈકીની એક મૂર્તિ તરીકે ભક્તોમાંઆકર્ષણ જમાવનાર 35 ફૂટ ઊંચી મૂર્તિની વિસર્જન યાત્રાને જોવા હજારો લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. પ્રેમગલી એટલી સાંકળી કે તે ગલીમાંથી પ્રભુની વિરાટ મૂર્તિ પસાર થઈ રહી હતી ત્યારે એવું લાગતું હતું જાણે પ્રભુ સામે આખું વિશ્વ આ ગલી જેવું જ સાવ સૂક્ષ્મ છે.