SURAT

ઓલપાડમાં 4 ઇંચ તો સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ, ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી ગઈ

સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીતેલા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. જેમાં ઓલપાડમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાયના તાલુકામાં પણ સરેરાશ એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન પરથી વરસાદી સિસ્ટમ ફરી ગુજરાત તરફ આવી હતી. જેને કારણે સમગ્ર ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાયું છે. જેમાં સૌથી ખરાબ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ચારેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરત શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં માત્ર જિલ્લામાં ઉમરપાડા તાલુકો કોરોકટ રહેવા પામ્યો છે. હવામાન વિભાગે આગામી એક-બે દિવસ હજી વરસાદની પરિસ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ ધીમેધીમે વરસાદ વિદાય લેશે અને ચોમાસું પણ વીડ્રોવ કરવા બાબતે હવામાન વિભાગ સત્તાવાર જાહેરાત કરવા તરફ આગળ વધશે.

  • તાલુકા વરસાદ(મીમી)
  • બારડોલી 16
  • ચોર્યાસી 49
  • કામરેજ 65
  • મહુવા 12
  • માંડવી 24
  • માંગરોળ 05
  • ઓલપાડ 97
  • પલસાણા 24
  • સુરત 41
  • ઉમરપાડા 00

50 કલાક બાદ ઉકાઈ ડેમના તમામ ગેટ બંધ કરી દેવાયા, ઉપરવાસમાં પણ વરસાદનો વિરામ

સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આવેલા પ્રકાશા અને હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણી તથા ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસી રહેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક ચાલું હતી. જેને કારણે ઉકાઈ ડેમમાંથી બે દિવસથી તબક્કાવાર ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. પરંતુ, વરસાદના વિરામ બાદ આજે બપોર પછી ઉકાઈ ડેમની આવક અને જાવક ૨૨૦૦૦ કયુસેક કરી દેવાઈ હતી. આ સાથે જ ડેમની સપાટી 340.01 ફૂટ પર પહોંચતાં દરવાજા પણ બંધ કરી દેવાયા હતાં. ડેમના તમામ દરવાજા સળંગ 50 કલાક ખોલવામાં આવ્યા હતાં અને ત્યારબાદ બંધ કરવામાં આવ્યા હતાં.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ છેલ્લે છેલ્લે રૂલ લેવલ સુધી પહોંચતા તંત્ર અને પુત્રોએ રાહત અનુભવી હતી. ધરતીપુત્રોમાં તો જાણે ખુશાલી વ્યાપી ગઇ છે. કારણ કે ઉકાઈ ડેમ 340 ફુટ સુધી પહોંચતા આગામી બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પાણીનું સંકટ રહેશે નહીં. ઉકાઈ ડેમમાં છેલ્લા ૧૫ દિવસમાં જ પાણીની જંગી આવક શરૂ થઇ હતી. જેને કારણે છેલ્લા બે દિવસથી તો ડેમમાંથી સિઝનમાં પહેલી વખત ૯૮ હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. પરંતુ, બે દિવસથી વરસાદ સામાન્ય રહેતા ડેમમાં પાણીની આવકમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો. જેને પગલે આજે બપોર બાદ ડેમમાંથી પાણી છોડવાનું પણ ઘટાડી દેવામાં આવ્યું છે. આજે બપોરે 12 વાગ્યા સુધી ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. પરંતુ એક વાગ્યા બાદ ડેમમાંથી પાણીની આવક અને જાવક ૨૨૦૦૦ કયુસેક કરી દેવાઇ છે. પાણી છોડવાનું બંધ કરતાં તેમના તમામ ગેટ પણ બંધ કરી દેવાયા હતા. આજે સાંજે ઉકાઈ ડેમમાં આવક અને જાવક 22 હજાર ક્યુસેક નોંધાવવાની સાથે ડેમની સપાટી ૩૪૦.૦૧ ફૂટ પહોંચી હતી.

Most Popular

To Top